SURAT

અમરનાથ યાત્રા પહેલા જેવી રહી નથી, 370 પછી ઘણું બદલાયું: પરત ફરેલા સુરતના ટુર ઓપરેટરે અનુભવ વર્ણવ્યા

સુરત: બાબા અમરનાથની યાત્રા સૌથી આકરી અને પડકારરૂપ હોય છે. આ વખતે પણ અમરનાથ યાત્રામાં શરૂ થયાના ચાર દિવસ બાદ ભારે વર્ષાને લીધે બંધ કરી દેવાઈ છે. પરંતુ સુરતના તમામ યાત્રીઓ હેમખેમ પરત ફરી રહ્યા છે. સુરતથી ગયેલા મોટા ભાગના લોકો પરત ફરી રહ્યા છે. ત્યારે એક ગ્રુપ સાથે ચર્ચા થતા જાણવા મળ્યું હતું કે, ભારત સરકારે કલમ 370 હટાવ્યા પછી યાત્રાનું રૂપ અને ઉત્સવ બદલાઈ રહ્યો છે. સરકાર દ્વારા યાત્રીઓની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

અમરનાથ યાત્રામાં ભારે વર્ષાને લીધે વાતાવરણ બગડતા યાત્રા સ્થગિત કરવામાં આવી છે. હવે વાતાવરણ થોડું ક્લિયર થાય પછી ફરીથી યાત્રા શરૂ કરાશે. પરંતુ આ સમયગાળામાં ઘણા યાત્રીઓ ત્યાં ફસાયા છે. સુરત શહેરમાંથી અમરનાથ યાત્રાએ ગયેલા યાત્રીઓની યાદી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી તેમા હજી સુધી કોઈ ફસાયા હોય તેવા સમાચાર નથી. અને જે ફસાયા હતા તેમને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

સુરતથી છેલ્લા ઘણા વર્ષોથી અમરનાથ યાત્રાએ લઈ જતા એક ગ્રુપ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, તેમના ગ્રુપમાં 26 માણસો હતા. તેઓ 3 જુલાઈએ દર્શન કરીને નીચે ઉતરતા હતા ત્યારે ઉપર ભારે તોફાનને લીધે યાત્રા બંધ કરવામાં આવી હતી. તેઓ સુરક્ષિત રીતે નીચે પહોંચી ગયા હતા. તેમની સાથે સુરતના બીજા ઘણા ગ્રુપ હતા. આ તમામ લોકો સુરક્ષિત રીતે યાત્રા કરીને નીચે આવી પહોંચ્યા હતા.

ટુર સંચાલક નીલેશભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે, કલમ 370 હટાવ્યા પછી અમરનાથયાત્રા પણ બદલાઈ છે. પહેલા શ્રી નગરમાં બજારો સાંજે 8 પછી બંધ થઈ જતા હતા. હવે બજારો રાત્રે 12 વાગ્યા સુધી ધમધમે છે. દરેક યાત્રીની ગાડીની સુરક્ષાને ધ્યાને રાખીને સરકાર જીપીએસ લગાડે છે. સરકાર તરફથી યાત્રીઓનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

આ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકાશે
અમરનાથ યાત્રાએ ફસાયેલા યાત્રીઓ માટે જમ્મુમાં 18001807198 અને શ્રીનગરમાં 18001807199 ટોલ ફ્રી નંબર જાહેર કરાયા છે. આ નંબર પર સંપર્ક કરીને મદદ મેળવી શકાશે.

Most Popular

To Top