National

ચંદ્રબાબુ નાયડુ આવતીકાલે CM તરીકે શપથ લેશે, કહ્યું- અમરાવતી આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની હશે

અમરાવતી: (Amravati) અમરાવતી હવે આંધ્ર પ્રદેશની એકમાત્ર રાજધાની હશે. ચંદ્રબાબુ નાયડુએ (Chandrababu Naidu) આની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવાના એક દિવસ પહેલા TDP સુપ્રીમોએ મંગળવારે કહ્યું હતું કે અમરાવતી રાજ્યની એકમાત્ર રાજધાની હશે. એનડીએની બેઠકમાં એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે અમારી સરકારમાં ત્રણ રાજધાનીઓની આડમાં કોઈ રમત નહીં ચાલે. આપણી રાજધાની અમરાવતી છે.

ચંદ્રબાબુ નાયડુ આવતીકાલે આંધ્રપ્રદેશના CM તરીકે શપથ લેશે. આ પહેલા એનડીએની બેઠકમાં તેમણે કહ્યું કે અમરાવતી હવે આંધ્ર પ્રદેશની નવી રાજધાની બનશે. ચંદ્રબાબુ નાયડુએ આની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવાના એક દિવસ પહેલા TDP સુપ્રીમોએ મંગળવારે કહ્યું હતું કે અમરાવતી રાજ્યની એકમાત્ર રાજધાની હશે. આ ઘોષણા સાથે નાયડુએ જગન મોહન રેડ્ડીના ત્રણ રાજધાનીના નિર્ણયને પલટાવ્યો છે.

નાયડુએ ટીડીપી, ભાજપ અને જનસેના ધારાસભ્યોની સંયુક્ત બેઠકને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. બેઠકમાં તેમને સર્વસંમતિથી આંધ્રપ્રદેશ વિધાનસભામાં એનડીએ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે અમારી સરકારમાં ત્રણ રાજધાનીઓની આડમાં કોઈ રમત નહીં ચાલે. આપણી રાજધાની અમરાવતી જ છે.

નોંધનીય છે કે 2014 અને 2019 વચ્ચે વિભાજિત આંધ્રપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ચંદ્રાબાબુએ અમરાવતીને રાજધાની બનાવવાનો વિચાર રજૂ કર્યો હતો. જો કે તેમની યોજનાને 2019 માં તે સમયે આંચકો લાગ્યો હતો જ્યારે TDPએ સત્તા ગુમાવી અને YS જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની YSRCP જીતી ગઈ.

જણાવી દઈએ કે આંધ્રપ્રદેશમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ટીડીપી, ભાજપ અને જનસેનાના ગઠબંધનનો એકતરફી વિજય થયો હતો. વિધાનસભા ચૂંટણીમાં NDA ગઠબંધનને 164 બેઠકો મળી હતી. જ્યારે લોકસભા ચૂંટણીમાં તેણે જંગી બહુમતી સાથે 21 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. આ જનાદેશે અમરાવતીને રાજધાની બનાવવાની યોજનામાં નવો પ્રાણ ફૂંકી દીધો છે.

Most Popular

To Top