અમેરિકાના વિદેશ મંત્રી ટોની બ્લિન્કેને ચીનના ટોચના રાજદ્વારીઓને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે બૈજિંગના પગલાઓએ વૈશ્વિક સ્થિરતાની જાળવણી કરતી નિયમો આધારિત વ્યવસ્થા સામે ખતરો ઉભો કર્યો છે. આ સાથે અમેરિકા અને ચીનના રાજદ્વારીઓએ એક બીજા પર જાહેરમાં એક બેઠકમાં આકરા પ્રહારો કર્યા હતા જે બેઠક અમેરિકી પ્રમુખ તરીકેનો હોદ્દો જો બિડેને સંભાળ્યો તે પછીની પ્રથમ બેઠક હતી.
અમેરિકા અને ચીન વચ્ચેના આ મંત્રણામાં અમેરિકા તરફથી તેના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલીવાન હાજર હતા જ્યારે ચીન તરફે તેના વિદેશ મંત્રી વાંગ યી અને ટોચના વિદેશ નીતિ અધિકારી યાંગ જેઇચી હાજર હતા. જેની ઘણી રાહ જોવાઇ રહી હતી તેવી આ મંત્રણા અલાસ્કાના એન્કોરેજ ખાતે યોજાઇ હતી, જેમાં પ્રારંભિક ટિપ્પણીઓમાં બિન્કેને કહ્યું હતું કે તેમના પ્રતિનિધિમંડળ દ્વારા ઉપાડવામાં આવેલા મુદ્દાઓ ફક્ત બંને દેશોને જ લાગુ પડતા નથી પણ આખા પ્રદેશને અને વાસ્તવમાં આખા વિશ્વને લાગુ પડે છે
બિન્કેને ભારપૂર્વક જણાવ્યું હતું કે બિડેન વહીવટીતંત્ર રાજદ્વારી માર્ગે અમેરિકાના હિતોને આગળ વધારવા અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા મજબૂત બનાવવા પ્રતિબદ્બ છે. બીજી બાજુ, ચીન નિયમોને અનુસરતું નથી એવા આક્ષેપ સામે વળતો પ્રહાર કરતા ચીનના વિદેશ નીતિ અધિકારી વાંગ યીએ કહ્યું હતું કે ચીન એવા નિયમોને અનુસરતું નથી જેની વકીલાત નાની સંખ્યાના દેશો કરે છે અને જેમને તેઓ નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ગણાવે છે.
આ શત્રુતાભરી વાતચીત અંગે બાદમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા ઝાઓ લિજિઆને કહ્યું હતું કે બેઠકમાં અમેરિકી અધિકારીઓએ ચીની અધિકારીઓને ઉગ્ર પ્રતિભાવ આપવા માટે ઉશ્કેર્યા હતા.