Columns

હંમેશા નરમ બનો

ગુરુજીએ અભ્યાસ પૂરો કરીને આશ્રમ છોડીને જતા શિષ્યોને છેલ્લા પ્રવચનમાં કહ્યું, ‘એક ગુરુ તરીકે મારી તમને સલાહ છે જીવનમાં હંમેશા નરમ બનજો !!!’ગુરુજીનું આ પહેલું જ વાક્ય સાંભળીને બધા શિષ્યો ચોંકી ઉઠ્યા કે આ કેવી સલાહ ..જીવનમાં આગળ વધવા અને સફળ બનવા તો મજબુત બનવું પડે અને ગુરુજી સલાહ આપે છે કે નરમ બનો … ગુરુજી તેમના મનની વાત જાની ગયા હોય તેમ બોલ્યા, ‘તમને મારી સલાહ ખોટી લાગે છે કે પછી એમ પ્રશ્ન થાય છે કે મજબુત બનવાની બદલે હું નરમ બનવાની સલાહ કેમ આપું છું ??

પણ મારી વાત ધ્યાનથી સાંભળજો અને મનથી સમજજો.નરમ બનવાથી જીવનમાં અનેક ફાયદા થાય છે. લોખંડ જયારે ગરમ થઈને નરમ બને છે ત્યારે તેમાંથી વિવિધ આકારના ઉપયોગી સાધનો અને શસ્ત્રો બને છે …એવી જ સોનામાં મિશ્રણ કરી ગરમ કરવામાં આવે ત્યારબાદ જ સોનામાં ઘાટ ઘડાય છે અને સોનાનો ટુકડો સુંદર આભુષણોમાં પરિવર્તિત થાય છે.જયારે ગરમીમાં કડક થયેલી માટી ,વરસાદની બુંદો પોતાનામાં સમાવીને નરમ બને છે પછી જ તેને ખેડી શકાય છે અને તે ઉજ્જડ જમીનમાંથી ખેતર બને છે અને લીલો પાક લહેરાય છે.

ઘઉં પીસાયને લોટ બને છે અને લોટમાં પાણી ભેળવી તેને ગૂંદીને નરમ બાંધવામાં આવે છે ત્યારે તેમાંથી રોટલીઓ બને છે….હવે આ ઉદાહરણો પરથી તમને સમજાયું હશે કે જીવનમાં ઉપયોગી થવું હોય …જીવનને સુંદર આકાર આપવો હોય …જીવનમાં આગળ વધવું હોય …જીવનમાં મુલ્ય વધારવું હોય …તો નરમ બનવું જરૂરી છે.જો માણસ મન,વચન કર્મથી નરમ બની જાય તો સૌથી પહેલા તે બધાને ગમી જાય છે અને બધાના મનમાં પોતાની જગ્યા બનાવી લે છે.માણસ નમ્ર બનીને માત્ર કામ કરતો રહે છે તો તેને કઈ જ બોલવાની જરૂર પડતી નથી તેના કામ જ બોલે છે.અને જેમ દીપક કઈ બોલ્યા વિના પ્રકાશ આપે છે અને એ પ્રકાશ જ તેની ઓળખાણ આપે છે .

તેવી જ રીતે ચુપચાપ કરેલા કામ , નમ્ર બનીને કરેલા કામ આપોઆપ તમારી સફળતાનો માર્ગ ખોલી દેશે.’એક શિષ્યએ પ્રશ્ન કર્યો કે, ‘ગુરુજી નરમ બનવા શું કરવું પડે ??’ગુરુજીએ કહ્યું, ‘વત્સ સરસ પ્રશ્ન પૂછ્યો છે.નરમ બનવું એટલે સાવ ઢીલા પોચા કે નિર્બળ બનવું એ નથી.નરમ બનવું એટલે નમ્ર બનવું.નરમ બનવું એટલે જ્ઞાન અને આવડતનું અભિમાન છોડીને વિનમ્ર બનવું.નરમ બનવું એટલે માત્ર મોટી મોટી વાતો ન કરવી ચુપચાપ કામ કરીને બતાવવું.અન્યને ઉપયોગી બનવું.’ગુરુજીએ સુંદર વાત સમજાવી.
          – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top