Editorial

રશિયામાં બળવો ભલે શમી ગયો, પણ તેનાથી પુટિન અને તેમની સરકારની નબળાઇઓ ખુલ્લી પડી ગઇ

હાલમાં રશિયામાં એવો ઘટનાક્રમ સર્જાયો કે આખી દુનિયામાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ. રશિયન પ્રમુખ પુટિનના એક સમયના ખૂબ વિશ્વાસુ અને નિકટના સાથીદાર એવા યેવજેની પ્રિગોઝિનના ખાનગી લશ્કર વેગનર આર્મીએ રીતસરનો બળવો જ પોકારી દીધો. પ્રમુખ વ્લાદીમીર પુટિનના રસોઇયા તરીકે જાણીતા થયેલા પ્રિગોઝિને જ વેગનર આર્મીની રચના કરી હતી. આ લશ્કરમાં સંખ્યાબંધ કેદીઓને પણ સજા માફ કરવાની શરતે ભરતી કરવામાં આવ્યા હતા! આ ખાનગી લશ્કર કે ભાડૂતી સૈનિકોનું લશ્કર રશિયા વતી યુક્રેનમાં પણ યુદ્ધ લડી રહ્યું હતું.

પોતાના આ ખાનગી લશ્કર સાથે અન્યાય થયો છે, તેની ઉપેક્ષા થઇ છે અને તેના કારણે ઘણા સૈનિકોએ યુક્રેનમાં જીવ ગુમાવવો પડ્યો છે એવા આક્ષેપો પ્રિગોઝિને કેટલાક સયમથી કરવા માંડ્યા હતા અને રશિયાના વિદેશ મંત્રી અને લશ્કરી વડા સામે મોરચો માંડ્યો હતો. તેમાં આગળ વધીને સીધો બળવો જ કરી દીધો અને યુક્રેન યુદ્ધનું જ્યાંથી સ્ંચાલન થતું હતું તે લશ્કરી મથક પણ કબજે કરી લીધું અને પોતાના સૈનિકોને રશિયાની રાજધાની પેરિસ તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો. રશિયન લશ્કરે પણ મોસ્કોમાં વળતી તૈયારીઓ કરી લીધી. પરંતુ પછી યેવજેનીએ પોતાના લશ્કરને પાછા ફરવાનો આદેશ આપ્યો. બાદમાં એવી વાત બહાર આવી કે બેલારૂસના પ્રમુખે મધ્યસ્થી કરીને આ બળવો શમાવી દેવામાં મદદ કરી અને સંધિ કરાવી. સંધિ મુજબ પ્રોગોઝિન રશિયા છોડીને બેલારૂસ જતા રહેશે અને વેગનર આર્મીના સૈનિકોને રશિયા માફ કરી દેશે એવું નક્કી થયું. બળવો તો શમી ગયો પણ તે રશિયાની સરકાર, તેની લશ્કરી શક્તિ અને પ્રમુખ પુટિનના સામર્થ્ય સામે અનેક પ્રશ્નો ઉભા કરતો ગયો.

રશિયામાં પ્રમુખ પુટિનના શાસન સામેનો ખુલ્લો બળવો આમ તો ઝડપથી શમી ગયો છે અને પુટિન શાસન બચી ગયેલું જણાય છે પરંતુ પુટિને જે રીતે પોતાની સામે પડનાર એક સમયના પોતાના ખાસ વિશ્વાસુ એવા યેવજેની પ્રિગોઝિનને માફી આપી કે પછી માફી આપવી પડી તેનાથી પુટિન નબળા પુરવાર થઇ ગયા છે અને દેખીતી રીતે હવે તંત્ર પરની તેમની પકડ ઢીલી પડી શકે છે એવું વિશ્લેષકોને લાગે છે. શુક્રવાર, ૨૩ જૂન, ૨૦૨૩ના રોજ આખી દુનિયામાં ચકચાર અને આશ્ચર્ય જન્માવતી ઘટનાઓ રશિયામાં બની. યેવજેની પ્રિગોઝિને પોતાના ખાનગી લશ્કર વેગનર આર્મીના ૨૫૦૦૦ જેટલા સૈનિકોને યુક્રેનમાંથી નિકળીને રશિયાની રાજધાની મોસ્કો તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો.

આ કૂચને તેમણે ન્યાય માટેની કૂચ એવું નામ આપ્યું. વેગનર આર્મીના સૈનિકો મોસ્કોમાં રશિયાના લશ્કર સાથે અને દેખીતી રીતે પુટિનના શાસન સામે જ લડવાના હતા પણ તેના પછી અચાનક પ્રિગોઝિને પોતાના સૈનિકોને આગેકૂચ અટકાવવા આદેશ આપ્યો અને યુક્રેન તરફ પાછા વળવા કહ્યું. આ તબક્કે એમ-૪ નામના ધોરી માર્ગ પર પ્રિગોઝિનના સૈનિકો ઘણા આગળ વધી ગયા હતા અને રશિયન રાજધાનીથી ૨૦૦ કિમીથી પણ ઓછા અંતરે આવી ગયા હતા. જો કે બેલારૂસના પ્રમુખ લુકાશેન્કોએ મધ્યસ્થી કરી અને તેને ક્રેમલિને પણ સંમતિ આપી અને આ કટોકટી શમી ગઇ.

પણ આ ટૂંકા ગાળાનું તોફાન રશિયામાં અને યુક્રેનમાંના યુદ્ધ પર ઘણી અસરો છોડી ગયું. પ્રિગોઝિનના ખાનગી લશ્કરે જે ઝડપથી આગેકૂચ કરી અને રોસ્તોવ ઓન ડોન મથક સહિતના કેટલાક વ્યુહાત્મક સ્થળો પણ કબજે કર્યા તે પુરવાર કરે છે કે તે એક સુઆયોજીત ઓપરેશન હતું. બળવો થયો તે પછીના પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં પુટિન બળવાને સખત હાથે કચડી નાખવાની અને બળવાખોરોને સખત સજા કરવાની વાત કરતા હતા પણ સંધિમાં તેમણે બળવાખોરોને માફી આપી દીધી! પ્રમુખ પુટિન પોતાના સંરક્ષણ મંત્રી અને લશ્કરી વડાની પડખે આ આખા બળવા દરમ્યાન ઉભા રહ્યા હતા પણ હવે એવા સંકેતો છે કે આ બંનેને બદલવામાં આવી શકે છે.

આ કોઇ મજબૂત પ્રમુખના લક્ષણો નથી. વળી, તેમના લશ્કર અને ગુપ્તચર તંત્ર સહિતના તંત્રો સામે પણ આ બળવો પશ્નો ઉત્પન્ન કર છે. આટલું મોટું કાવતરું ઘડાઇ ગયું, અમલમાં મૂકાઇ ગયું અને એક મહત્વનું લશ્કરી મથક સુદ્ધાં બળવાખોરોના હાથમાં આવી ગયું ત્યાં સુધી યુએનમાં વીટો પાવર ધરાવતા એવા આ શક્તિશાળી મનાતા દેશના ગુપ્તચર તંત્રને ખબર સુદ્ધાં નહીં પડી! આમ તો જો કે પુટિનની અને તેમની સરકારની નબળાઇઓ આ બળવા પહેલા પણ યુક્રેન યુદ્ધમાં તેમની નબળાઇઓ ખુલ્લી પડી ગઇ છે.

એક તો અણુ સત્તા એવા રશિયાના લશ્કરને યુક્રેનના લશ્કર તરફથી ઘણા સખત ફટકાઓ સહન કરવા પડ્યા છે. યુદ્ધમાં રશિયાએ વેગનર આર્મી જેવા ખાનગી લશ્કરને મેદાનમાં ઉતારવું પડ્યું અને ચેચેન લડવૈયાઓની મદદ લેવી પડી તે પણ એક જાતની નબળાઇ જ છે. રશિયન લશ્કર યુદ્ધો માટે પુરતું સજ્જ કે તાલીમબધ્ધ નથી તેવી પણ એક છાપ ઉભી થઇ છે. અને હવે બળવાએ અને બળવા પછી પુટિને જે ઢીલું વલણ અપનાવવું પડ્યું તેનાથી પુટિન અને તેમની સરકાર અને તંત્રની અનેક નબળાઇઓ છતી થઇ ગઇ છે.

Most Popular

To Top