Business

અક્ષય તૃતિયાએ મુર્હુત નહીં હોવા છતાં આ સંજોગોના લીધે સોના-ચાંદીમાં ધૂમ ખરીદી નીકળવાની આશા

મુંબઈ: આવતા શનિવારે અક્ષયતૃતીયાના દિવસે ‘આખો દિવસ મુર્હુત’ તરીકે ઓળખાતો હોવા છતાં શાસ્ત્રોકત પ્રમાણે આ વખતે લગ્નના કોઈ મુર્હુત નથી છતાં કેટલાંક શુભ સંયોગને કારણે સોના સહિતની ચીજોની ખરીદીનો ઉત્સાહ યથાવત રહી શકે છે. જવેલર્સોના કહેવા પ્રમાણે અક્ષય તૃતીયાઓ લગ્નનના મુર્હુત ન હોવાના કારણોસર શનિવારે લગ્નો નહીવત છે છતાં આ પવિત્ર દિવસના શુભ સંયોગ હોવાને કારણે સોના-ચાંદીની ખરીદીનો ઉત્સાહ અટકે તેમ નથી. સોના-ચાંદીની ખરીદીમાં એડવાન્સ બુકીંગ પણ નોંધપાત્ર છે.

જયોતિષાચાર્ય સુધીર નાગરના કહેવા પ્રમાણે વર્ષો બાદ પંચાંગમાં અક્ષય તૃતીયાના દિવસે લગ્ન યોગ નથી. ૨૭ એપ્રિલ સુધી ગુરૂ અસ્ત હોવાથી આમ બન્યુ છે. ગુરૂ અસ્ત હોય ત્યારે લગ્ન કરવા શાસ્ત્ર સંમત નથી. આધ્યાત્મિક ચિંતક સુરેશ શ્રીમાળીના કહેવા પ્રમાણે દેવતાઓના ગુરૂ અસ્ત છે છતાં ૨૧ એપ્રિલે તે મેષ રાશિમાં આવશે. મિત્ર મંગળના ઘરમાં પ્રવેશ કરશે. મંગળ તથા સોના બન્નેના રંગ એકસરખા હોવાને કારણે સોનાની ખરીદીના શુભ યોગ બન્યા છે.

જો કે, અખાત્રીજ આખો દિવસ શુભ મુર્હુતનો જ ગણાય છે એટલે પંચાંગ શુદ્ધિની જરૂર નથી. જાણકારોના કહેવા પ્રમાણે ભલે અખાત્રીજના દિવસે લગ્ન ન હોય છતાં આવતા દિવસોમાં હજારો- લાખો લગ્નો થવાના છે. ખાસ કરીને જુન-જુલાઈમાં લગ્નના ઢગલાબંધ મુર્હુતો છે. એક અંદાજ પ્રમાણે ૧૪ જુનથી ૧૪ જુલાઈના એક જ મહિનાના સમયગાળામાં ૬૦ લાખ લગ્નો છે અને તેમાં વેપાર-ધંધા પણ ખીલશે.

આ લગ્નગાળામાં સમગ્ર દેશમાં ૩.૬૦ લાખ કરોડનો કારોબાર થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વેડીંગ પ્લાનર ગુરૂલીન એસ.પુરીના કહેવા પ્રમાણે ગુરૂ અસ્ત હોવાને કારણે અક્ષય તૃતીયાના દિવસે લગ્નના મુર્હુત ન હોવાની વાતની મુખ્યત્વે લોકોમાં માનસિક અસર રહે છે. જુન- જુલાઈમાં લગ્નોની હારમાળા છે અને સમગ્ર દેશમાં લાખો લગ્નો થશે.

કેટલાંક વખતથી તમામ વર્ગના ભારતીયોમાં લગ્નો ધામધૂમથી કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે તે જોતા ૩.૬૦ લાખ કરોડનો કારોબાર થઈ શકે છે. સોના- ચાંદીની ડીમાંડને લાગેવળગે છે ત્યાં સુધી લગ્નગાળામાં તેમજ અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે ઉંચાભાવની અસર જોવા મળી શકે છે. લોકો પવિત્ર દિવસે શુભ ખરીદી કરવા ઉત્સાહીત હોવા છતાં ઉંચા ભાવને કારણે સેન્ટીમેન્ટ પર અસર છે. ખરીદી દર વર્ષ જેવી ન રહે. લોકો મોટી ખરીદીને બદલે મુર્હુત પુરતી ખરીદી કરી શકે છે.

જો કે આવતા દિવસોના લગ્નગાળાને ધ્યાને લેતા લગ્નો માટેની ખરીદી કરવા પવિત્ર દિવસથી જ મુર્હુત કરે તે સ્પષ્ટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોના- ચાંદીના ભાવોમાં છેલ્લા એકાદ મહિના દરમિયાન રેકોર્ડ બ્રેક તેજી છે. સોનુ 63000ને આંબી ગયું હતું. ચાંદીનો ભાવ 78000ને વટાવી ગયો હતો. જોકે, છેલ્લાં બે ત્રણ દિવસમાં ભાવ થોડા નીચા આવ્યા છે છતાં અક્ષય તૃતીયાના દિવસે કિંમતકેવી રહે છે તે પણ મહત્ત્વનું બની રહેશે.

Most Popular

To Top