Charchapatra

પહેલાના સમયમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વિકલ્પ

વિશ્વ પર્યાવરણ દિવસના રોજ સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવા આહવાહ્ન કરવામાં આવે છે. પહેલા આપણે સાંભળતા હતા કે વિદેશમાં યુઝ એન્ડ થ્રોની પરંપરા છે. જે હવે ભારતમાં પણ યુઝ એન્ડ થ્રોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સુરતના ઘરોમાં પહેલાના સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો ન હતો. બજાર, શાકભાજી કે અન્ય વસ્તુઓ ખરીદવા માંટે કાપડની થેલી લઈને જતા. કરિયાણા વાળા ખાખી પરબીડિયામાં મરી-મસાલા-કઠોળ આપતા હતા. જથ્થાબંધ અનાજ કંતાનની ગુણમાં આવતું.

ફરસાણની દુકાનવાળા ભુસા ભજીયા કાગળમાં આપતા હતા. દુધ-દહીં-છાસ દોણીમાં લેવા જતા અથવા તપેલીમાં. સુમુલ ડેરી કાચની બોટલમાં દુધ વેચાણ કરતી હતી. પ્રસંગોમાં પાણી સ્ટીલના ગ્લાસમાં આપવામાં આવતું હતું. કોલ્ડ ડ્રિંક્સ, સોડા કાચની બોટલમાં આવતી. કાચુ મટન પણ તપેલીમાં લેવા જતા. નાસ્તા સાથે આવતી ચટણી સ્ટીલનો ડબ્બો કે સ્ટીલની વાડકી લઈને જતા. જમણવારમાં સ્ટીલની થાળી અથવા પાત્રાની બાજમાં ભોજન પીરસવામાં આવતું હતું. વર્તમાન સમયમાં દરેક જગ્યાએ પ્લાસ્ટિક ઉપયોગ થઈ રહ્યો છે. જે પર્યાવરણ માટે નુકશાનદાયક છે. પર્યાવરણને બચાવવા માટે આપણે વસ્તુઓનો પુનઃ વપરાશ કરી શકાય એવી આદતો કેળવીએ.
સુરત     -કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top