વડોદરા : વડોદરા ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપ સર્જનાર શહેરના પ્રથમ નાગરિક મેયર સામે આક્ષેપિત વાઇરલ થયેલી પત્રિકા પરથી પડદો ઉચકાયો છે. જેમાં પક્ષના જ પૂર્વ નેતા અલ્પેશ લિંબાચીયાની સંડોવણી બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. કયા કારણોસર પૂર્વ નેતાએ મેયરની બદનામી થાય તેવુ કૃત્યુ આચર્યું તેના માટે રિમાન્ડ માગવાની તજવીજ પણ કરાઇ રહી હોવાનું જાણવા મળ્યુ છે. શહેરના પ્રથમ નાગરિક એવા મેયર નિલેશ રાઠોડ સામે ગંભીર પ્રકારના આક્ષેપો સાથે પત્રિકા બનાવીના ભાજપના પદાધિકારીઓ સહિતના લોકોને મોકલવામાં આવી હતી.
આ પત્રિકાને લઇને છેલ્લા 15 જેટલા દિવસોથી ભાજપમાં ભુચાલ મચી ગયો હતો. મેયરે પોલીસ કમિશરને રજૂઆત કરતી ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોપાઇ હતી. જેમાં પોલીસે પત્ર રાવપુરા જીપીઓ પરથી પોસ્ટ થયો હતો ત્યાંના સીસીટીવી ફૂટેજના આધારે પત્ર પોસ્ટ કરનાર આકાર નાયી તેની સાથા આવેલો અમિત લિંબાચીયાની ધરપકડ કરી હતી. જેમાં પોલીસે બંનેની કડકાઇથી પૂછપરછ કરતા અમિતે તેના બનેવી અલ્પેશ લિંબાચીયાની ઓફિસમાંથી જ તેમના લેપટોપ પર પત્ર ટાયપ કર્યો હતો અને ત્યાંથી પ્રિન્ટ કાઢી વાઇરલ કરી હતી. પરંતુ પોલીસ દ્વારા અમિત અને આકાશને જામીન પર છોડી મુક્યા હતા.
અલ્પેશ લિમ્બાચિયાને નેપથ્યમાં રહી પીઠબળ આપનાર શિસ્તબદ્ધ સૈનિક કોણ?
મેયર વિરુદ્ધ પત્રિકા ફરતી કરનાર પાલિકાના શાસક પક્ષના પૂર્વ નેતા અલ્પેશ લીમ્બાચીયાની ધરપકડ કરવામાં આવી છે. જો કે અલ્પેશ લીમ્બચીયા ભૂતકાળમાં અનેકવાર વિવાદમાં આવી ચુક્યા છે. તેમ છતાં પક્ષ દ્વારા તેઓને પદ સોંપવામાં આવ્યું હતું. અલ્પેશ લીમ્બચીયા પોતાના રાજકીય ગોડફાધરની રહેમ નજરથી પાલિકામાં પોતાનું વર્ચસ્વ જમાવતો રહ્યો હતો. જો કે આ પત્રિકા ફરતી કરવા પાછળ માનવામાં આવે છે કે શિસ્તબદ્ધ પાર્ટીના એક શિસ્તબદ્ધ સૈનિકે જ પીઠબળ પૂરું પાડ્યું છે. પોતાનું અસ્તિત્વ સતત જમાવવા માટે અને પોતાની રાજકીય કારકિર્દીને નુકસાન પહોચાડનારને રાજકીય નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા. અંતરંગ વર્તુળો તરફથી માહિતી મળી છે કે અલ્પેશ લીમ્બચીયા પોતાના રાજકીય આકાની મદદથી ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રમુખની શરણમાં પણ જઈ આવ્યો છે. ત્યારે પક્ષ દ્વારા અલ્પેશને પીઠબળ પૂરું પાડનાર શિસ્તબદ્ધ સૈનિક કોણ છે તે પણ શોધવામાં આવી રહ્યું છે.
અલ્પેશ લીમ્બચીયાએ કોઈ ગેરસમજના કારણે પત્રિકા બનાવી હોઈ શકે
કોઈ પણ મોટા કામો થતા હોય તે પાલિકાના બજેટમાં મંજુર થતા હોય છે. મેયર તરીકે નિલેશ રાઠોડને હજુ 4 જ મહિના થયા છે જેથી તેઓએ આવું કોઈ મોટું કામ મંજુર કર્યું હોય તે બની જ ન શકે. અલ્પેશ લિમ્બાચિયાને કોઈ ગેરસમજ થઇ છે જેથી તેને આવી પત્રિકા બનાવી હોઈ શકે બાકી મારા વિસ્તારમાં જે કઈ પણ કામો થયા છે તે લોકોના ધ્યાન ઉપર છે. – યોગેશ પટેલ, ધારાસભ્ય, માંજલપુર
મેયર સામે ગંભીર આક્ષેપ કર્યા હોવાથી પોલીસ રિમાન્ડ માગશે ખરી?
શિસ્તને વરેલી ભારતીય જનતા પાર્ટીમાં જ પક્ષના બે નેતાઓ વચ્ચે આંતરિક ચાલતો વિવાદ આક્ષેપિત પત્રના રૂપમાં બહાર આવ્યો છે. જેના લઇને ભાજપનો વિરોધ કરવા માટે વિરોધીઓના જરૂર નથી.તેવી ચર્ચાઓ પણ જાગી છે. ખૂદ પૂર્વ નેતાએ જ મેયર સામે જ કેમ આક્ષેપ કર્યા છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ લિંબાચીયાના સાળા અને સાઢુને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા અલ્પેશના રિમાન્ડ માંગવામાં આવશે તેવી માહિતી સાપડી રહી છે.
આ પ્રકારની ઘટનાઓ પક્ષ, કાર્યકર્તા અને નેતાઓ માટે પણ દુખદ છે. દાખલો બેસાડવો જરૂરી : શહેર ભાજપ પ્રમુખ
ભારતીય જનતા પાર્ટી માટે ખુબ જ દુખદ ઘટના છે. છેલ્લા 10-12 દિવસથી પત્રિકાના સંદર્ભની ચર્ચા થતી હતી. પોલીસે ધરપકડ કરી હતી. અને તેઓ જામીન મુક્ત થયા છે. તેવામાં તપાસ દરમિયાન ધ્યાને આવ્યું કે અલ્પેશ લિંબાચીયાની ઓફિસમાંથી આ બધું પ્રિન્ટ કરવામાં આવ્યું છે. આજે તેમની ધકરપકડ કરવામાં આવી છે. આ એક વિચારી ન શકાય તેવી ઘટના છે. જેમાં પહેલી વખત નામ ખુલ્યા ત્યારે સમગ્ર વડોદરા શહેરના લોકો વિચારમાં પડી ગયા કે આવું કેવી રીતે શક્ય બને. અમિત લિંબાચીયાનું નામ ખુલ્યું, તેની ધરપકડ થઇ અને તેના જામીન પણ થઇ ગયા. પછી પોલીસે વધુ તપાસ કરી, તપાસમાં ભાજપના પુર્વ શાસકપક્ષના નેતા અને યુવા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે, તેવા અલ્પેશ લિંબાચીયાનું નામ તેમાં બહાર આવ્યું છે.
તેમની આજે સવારે ધરપકડ કરવામાં આવી છે. મને લાગે છે આ પ્રકારની ઘટનાઓ પક્ષ, કાર્યકર્તા અને નેતાઓ માટે પણ દુખદ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, આવનાર સમયમાં આ પ્રકારની ઘટના ફરી ક્યારે ન બને તે માટે દાખલો બેસાડવા માટે પ્રદેશ પ્રમુખને વિનંતી કરી છે. અને સંગઠનના લોકોને પણ આવી વિનંતી કરી છે. પોતે કોર્પોરેટર તરીકે હોય, હોદ્દેદાર તરીકે જવાબદાર વ્યક્તિ હોય તેમના માધ્યમથી જે કંઇ થઈ રહ્યું છે. તે ખરાબ છે. આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું. ભાજપમાં ચૂંટાયેલા સામેની કાર્યવાહી હંમેશા પ્રદેશની નેતાગીરીના માધ્યમથી લેવામાં આવે છે. જે કોઇ ઘટનાક્રમ બન્યો છે, તેની સંપૂર્ણ વિગત અમે પ્રદેશની નેતાગીરીને મોકલી છે. પ્રદેશની નેતાગીરીના માર્ગદર્શન અને સૂચન પ્રમાણે એક્શન લેવામાં આવશે.
ડો. વિજય શાહ, શહેર ભાજપ પ્રમુખ
અલ્પેશ લિમ્બાચિયાની નેમ પ્લેટ સોમવાર બપોર સુધી હટાવાઈ ન હતી
મેયર વિરુદ્ધ લેટર કાંડમાં જેઓ પર શંકા વ્યક્ત કરાઇ હતી તે શાસક પક્ષના નેતા પદેથી રાજીનામું આપનાર અલ્પેશ લિંબાચિયાની પાલિકા ખાતેની કેબિન અને ઓફીસ બહારથી હજી સુધી નેમ પ્લેટ કાઢવામાં આવી નથી. ક્રાઇમ બ્રાંચે પત્રિકા કાંડમાં મુખ્ય સુત્રધાર મનાતા વોર્ડ નંબર-19ના ભાજપાના કાઉન્સિલર અલ્પેશ લીમ્બચીયાની ધરપકડ કરતા શહેર ભાજપામાં ખળભળાટ મચી ગયો હતો પોતાના પદ પરથી રાજીનામું આપી દેનાર તથા ભાજપ પક્ષે પણ અલ્પેશ લિંમ્બાચિયાનુ રાજીનામું સ્વીકારી લીધું છે છતાં પણ વિવાદમાં ઘેરાયેલા અલ્પેશ લિમ્બાચિયાના નામની નેમ પ્લેટ જે પાલિકા ભાજપની ઓફીસ બહાર તથા અંદર કેબિન ના દરવાજા પર સોમવારે બપોર સુધી જોવા મળી હતી.
18 થી વધુ કલાક ક્રાઈમ બ્રાન્ચમાં પુછપરછ મોડી રાત્રે છુટકારો
રવિવારે મોડી સાંજે અલ્પેશ લિંબાચીયાનો જામીન પર છુટકારો મેયર વિરૂદ્ધ વાઇરલ થયેલી પત્રિકાને લઇને ભારે વિવાદ સર્જાયો હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ નેતા અલ્પેશ લિંબાચીયાના સાળા અમિત લિંબાચીયા તથા સાઢુ આકાશ નાયીની ધરપકડ કરી હતી. પરંતુ આ પત્રિકા કાંડમાં ખુદ અલ્પેશ લિંબાચીયાની સંડોવણી બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચ શનિવારે મોડી રાત્રે રાઉન્ડ અપ કર્યો હતો. 20 કલાક સુધી પોલીસ કસ્ટડીમાં રાખી પૂછપરછ કર્યા બાદ રાત્રી 8 વાગ્યા અરસામાં તેનો જામીન પર છુટકારો થયો હતો.
કોર્પોરેશન દ્વારા જ માનહાનિનો કેસ દાખલ કરવો જોઈએ
મેયર નિલેશભાઇ રાઠોડ વિરૂધ્ધ એક અનામી પત્રિકા પ્રસિધ્ધ થઇ છે તેઓને બદનામ કરવાની જે પ્રવૃત્તિ આચરવામાં આવી છે તેને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. આ પત્રિકા પ્રસિધ્ધ કોને કરી તે ભાજપ ની આંતરીક બાબત છે. સોશિયલ મીડિયા માધ્યમથી જાણમાં આવ્યું છે ભાજપના નેતા અને સીનિયર કાઉન્સિલર અલ્પેશભાઇ લીમ્બાચીયા દ્વારા મેયર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. જો આ આક્ષેપો સાચા હોય તો આ બાબતોની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ અને તેનું પરિણામ જ જાહેર થવું જોઇએ. અને આ તપાસ બાદ જો આક્ષેપો કરીને . સંસ્થા અને તેના વહીવટનું બગાડવાનો જે નિમ્ન કક્ષાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેની સામે માનહાનીનો દાવો થવો જોઇએ. – અમી રાવત, નેતા વિપક્ષ, મહાનગરપાલિકા