SURAT

જબરો કોન્ફિડન્સ!, પરિણામ પહેલાં અલ્પેશ કથીરિયાએ એવી જાહેરાત કરી કે બધા ચોંકી ગયા

સુરત: આવતીકાલે તા. 8 ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022નું પરિણામ (Gujarat Assembly Election 2022 Result) જાહેર થવાનું છે. વિવિધ એક્ઝિટ પોલમાં (Exit Poll) બહુમતી સાથે ભાજપ (BJP) સરકાર બનાવશે તેવા દાવા થઈ રહ્યાં છે. આ બધાને વચ્ચે સૌ કોઈની નજર છે તે પાટીદારનું (Patidar) પ્રભુત્વ ધરાવતી સુરતની વરાછા રોડની બેઠક પરના આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiriya) પરિણામ પહેલાં જ કંઈક એવી જાહેરાત કરી દીધી જેને સૌ કોઈને ચોંકાવી દીધા છે.

પાટીદાર આંદોલનમાં (Patidar Andolan) અસરકારક ભૂમિકા ભજવી પાસના નેતા તરીકે ઉભરીને બહાર આવેલા અલ્પેશ કથીરિયાનું વરાછા વિસ્તારમાં સારું પ્રભુત્વ છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ કથીરિયાએ આમ આદમી પાર્ટીનું ઝાડું હાથમાં પકડીને વરાછા રોડ વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડી હતી. અલ્પેશ ચૂંટણી લડવાનો હોય ભાજપે કોઈ જોખમ નહીં લેતા કુમાર કાનાણીને ફરી ટિકીટ આપી રિપીટ કર્યા હતા. આ બેઠક પર જબરદસ્ત ફાઈટ રહી છે, ત્યારે આ બેઠકના પાટીદાર મતદારો કોની તરફેણમાં વોટિંગ કરે છે? અને પરિણામ શું આવે છે તે જાણવાની સૌ કોઈને તાલાવેલી છે ત્યારે અલ્પેશ કથીરિયાએ આજે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ કરીને બધાને ચોંકાવી દીધા છે.

અલ્પેશ કથીરિયાએ આભાર યાત્રાનો રૂટ જાહેર કર્યો
ખરેખર અલ્પેશ કથીરિયાએ આભાર યાત્રાનો રૂટ જાહેર કર્યો છે. આ અંગે કથીરિયાએ ટ્વીટ કર્યું છે. સામાન્યપણે ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ ઉમેદવારો વિજય સરઘસ યાત્રાનો રૂટ જાહેર કરતા હોય છે, ત્યારે અલ્પેશ કથીરિયાએ પરિણામના એક દિવસ પૂર્વે જ આભાર યાત્રા એટલે કે વિજય સરઘસનો રૂટ જાહેર કર્યો છે. અલ્પેશ કથીરિયાનો મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અલ્પેશના કોન્ફીડન્સની લોકો દાદ દઈ રહ્યાં છે. તો વળી ભાજપ સમર્થકો અલ્પેશના આત્મવિશ્વાસને વધુ પડતો ગણાવી રહ્યાં છે.

કાનાણી કાકા જીતશે તો ખભે બેસાડીશ: અલ્પેશ
અલ્પેશ કથીરિયાએ આજે પોતાની જીતનો દાવો કરતાં કહ્યું હતું કે, 1.25 લાખ પૈકી 75 હજાર મત તેને મળ્યા છે. તેને જીતનો પૂરો વિશ્વાસ છે. જો કુમાર કાનાણી જીતશે તો તેમને ખભા પર બેસાડશે તેમ પણ અલ્પેશ કથીરિયાએ કહ્યું હતું. અલ્પેશે કહ્યું કે, ભત્રીજો હોવાથી ખાતરી આપું છું કે જો કાનાણી કાકા જીતશે તો હું તમને માનગઢ ચોક પર મારા ખભે બેસાડીશ.

Most Popular

To Top