હાલ આપ સૌ કોઈ દિવાળીની સાફસફાઈમાં લાગી ગયા હશો. આખા વર્ષના તૂટેલા ફર્નિચર, ઓશિકા, ગાડલા, પસ્તી વગેરે ભેગી કરી ક્યાં તો ભંગારવાળાને પહોંચાડશો ક્યા તો તાપી નદીમાં ઠાલવશો? પણ શું ફકત ઘરની જ સફાઈ જરૂરી છે ? આ બાબતે જાગૃત થઈ સુરતની ‘લવ તાપી કેર તાપી’ દ્વારા અવારનવાર તાપીની સફાઈ માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. ત્યારે હાલ જેમ ઘરની સફાઈ કરીએ એમ દિવાળીમાં તાપી નદીની પણ સફાઈ કરી એક લોકજાગૃતિનો સંદેશો ફેલાવી રહ્યાાં છે.
સુરતીઓનો અનોખો પ્રયાસ
સુરતની સુર્યપુત્રી તાપી નદીની હાલત એક સમયે એક કિનારાથી બીજા કિનારે ચાલીને જઇ શકો એવી બની ગઇ હતી. આવી નદીની દશા જોઇ સુરતના જાગ્રુત લોકોએ તાપી નદીને બચાવવા ચાર વર્ષે પહેલા એક મુહિમ શરૂ કરી અને અવારનવાર નદી કિનારે પ્લાંટેશન, સફાઇ જેવા કાર્યક્ર્મો હાથ ધરે છે, હાલ દિવાળી સમયે પણ લવ તાપી કેર તાપી ગ્રુપ દ્વારા ઘરની સફાઇની જેમ તાપી નદીની સફાઇ પણ એટ્લી જ જરૂરી છે એવી જાગ્રુતિ લાવવા વિકેન્ડમાં તાપીની સફાઇ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડી રહ્યાં છે.
અમારા ગ્રુપે નક્કી કર્યુ કે ઘર સફાઇની જેમ નદીની સફાઈ કરીએ: જિગીષા ચોકસી
જિગીષા ચોકસી જણાવે છે કે, ‘’ અમે જોયું કે છેલ્લાં થોડા દિવસોમાં નદી કિનારે ખૂબ જ કચરો દેખાય રહ્યો હતો. લોકો ઘરની સફાઈ કરી નદીને ગંદી બનાવી જાય છે. આથી LOVE TAPI CARE TAPI દ્વારા અમે નક્કી કર્યું કે આપણે આ દિવાળીમાં ઘરની સફાઈ તો કરીએ જ છીએ પણ આપણે આપણી નદીની પણ સફાઈ કરીએ આથી રજાના દિવસે અમે અલગ અલગ ઓવારા પર જઇને નદિ કિનારાના કચરાને એકઠો કરીએ છીએ.’’
ઘરની સફાઇ બાદ વધેલો સામન કે કચરાને તાપી નદીમાં ઠાલવશો નહિં : ડો દિપ્તી દિપક પટેલ
ડો દિપક અને ડો દિપ્તીબેન જણાવે છે કે, ‘’આપણાં શરીરમાં પોણો ભાગ પાણીનો હોય છે ત્યારે તાપી નદીમાં જ કચરો નાખીને એ જ પાણી સુરતીઓ પીએ તો સામે ચાલીને રોગોને આમંત્રણ આપીએ. આથી જેમ આપણે દિવાળીમાં આપણાં ઘરની સફાઈ કરીએ એમ આપણાં શરીરમાં જનારું તાપી નદીનું પાણી પણ સ્વચ્છ હોય એ ખૂબ જ જરૂરી છે. લોકો દિવાળીની સફાઈ કરી કચરો નદીમાં ઠાલવી જાય છે, આથી અમારી ટીમના સભ્યો ખૂબ જ મહેનત કરી દર રવિવારે તાપી નદીના ઓવારા પર આવા કચરાને ભેગો કરી નદીને સ્વચ્છ કરવામાં પોતાનો ફાળો આપી રહ્યાં છે અને સુરતીઓને પણ ખાસ દિવાળી નિમિત્તે વિનંતી કરવા માંગીશ કે તમે ઘરની સફાઇ કરોએ તો બરાબર પણ સફાઇ બાદ વધેલો સામાન કે કચરાને તાપી નદીમાં ઠાલવશો નહિં’’