Charchapatra

બાદામવાળી ચાય

૨૧મી મેના ‘ગુજરાતમિત્ર’ અખબારની શુક્રવારની લોકપ્રિય કોલમની ‘સીટીપલ્સ’ પૂર્તિમાં બહુ જાણીતી વાતની યાદ અપાવી છે. ચા પીતાપીતા સવારમાં ‘ગુજરાતમિત્ર’ અખબારના ન્યુઝ વાંચવાની સુરતીઓની આદત દાયકાઓ પુરાણી છે. એ તો જે વાચે એને જ ખબર પડે એની મજા કાઇ ઓર છે. આ દેન અમારા બાપદાદાઓની છે. એ વારસા પેઢી દર પેઢી સચવાયેલો રહ્યો છે. અહી ચા ની વાત નીકળી છે તો જાણીતા સદાબહાર ગાયક મોહંમદ રફી સાહેબની સ્પેશિયલ ‘બાદામવાળી ચાય’ની વાત જરૂર યાદ આવ્યા વિના રહે નહી. હિન્દી ફિલ્મ જગતના શમ્મીકપૂરને એનો લાભ અનેકવાર મળ્યો છે. બીજા અનેક કલાકારોને પણ આ લાભ જરૂર મળ્યો છે. બાદામવાળી ચાય પીતા પીતા મુખમાંથી આહને વાહ નીકળી જતા. યાદ રહે મોહંમદ રહી આ ચાય જાતે બનાવતા પછી બીજા બધા પરિવારના સભ્યોને પીવડાવતા. છેલ્લા એકદમ શાંતિથી ધીમા સંગીતમાં તેઓ ચા પીતા અને એની મસ્તીની મજા લેતા. તેઓ રેકોર્ડીંગ સ્ટુડિયોમાં પણ થર્મોસ ભરીને ચાય લઇને જતા. ગીત ગાતા પહેલા એક ઘુંટડો પી લેતા.

આપણા સુરત શહેરના રફી પરિવાર સાથે જુનો નાતો ધરાવતા રફી પ્રેમી ‘જીમી વાડિયા’ સાહેબ અને બીજા એક વડોદરાના પારસી સજજન પુરુષ ‘દારા ગાંધી’ સાહેબને પણ આવી સ્પેશિયલ બાદામવાળી ચાયનો લાભ રફી સાહેબના નિવાસસ્થાન પર અનેકવાર મળ્યો છે. આ બંને મિત્રો સાથે મને પારિવારિક સંબંધ હોવાથી એમના મુખેથી આ વાત સાંભળવાનો લ્હાવો મળ્યો છે. ‘દારાગાંધી’ સાહેબે આ વાત એમના સંગીત કાર્યક્રમમાં જાહેરમાં પણ કરી છે. એક જમાનામાં પડોશમાં રહેતા અભિનેત્રી માલાસિંહાના પરિવારને પણ આ લાભ મળ્યો છે. ટુંકમાં હિન્દી ફિલ્મ જગતમાં ‘બાદામવાળી ચાય’થી મોહંમદ રફી સાહેબની બોલબાલા હતી. આવા ફરિશ્તા સ્વરૂપ વિવિધ પ્રકારના અવાજના માલિક બીજા રફી સાહેબ મળવા મુશ્કેલ છે. એમની ચાય યાદગાર બની ગઇ છે.
સુરત – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top