દક્ષિણ ભારતના સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનના ચાહકો હંમેશા તેમની એક ઝલક મેળવવા આતુર હોય છે. તે જ્યાં પણ જાય છે તેઓના ફેન્સ તેઓને ફોલો કરે છે. આવું જ કંઈક થયું જ્યારે તેઓ તેમના નજીકના મિત્ર અને YSRCP ધારાસભ્ય રવિ ચંદ્ર કિશોર રેડ્ડીના પ્રચાર માટે નંદયાલ પહોંચ્યા. અહીં તેમની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ ઉમટી પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કારણે અભિનેતા વિરુદ્ધ IPCની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ચાહકોની ભીડને કારણે સમસ્યા થઈ
અલ્લુ અર્જુનને જોવા રવિચંદ્રના ઘરે મોટી સંખ્યામાં ચાહકો અને સમર્થકો આવ્યા હતા અને તેના કારણે કાયદો અને વ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોવાથી અફરાતફરી સર્જાવાનો પણ ભય ઉત્પન્ન થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતા અલ્લુ અર્જુન અને રવિ ચંદ્ર કિશોર રેડ્ડીની ટીમ દ્વારા કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી તેથી અલ્લુ અર્જુન અને રવિ ચંદ્ર રેડ્ડી વિરુદ્ધ આઈપીસીની કલમ 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પત્ની સ્નેહા પણ હતી સાથે
દક્ષિણ ભારતીય અભિનેતા અલ્લુ અર્જુન તેમની પત્ની સ્નેહા સાથે હતા. તમને જણાવી દઈએ કે અભિનેતાને તેમના મિત્ર માટે પ્રચાર કરતા જોઈને ચાહકો ખૂબ જ રોમાંચિત હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોટી ભીડને કારણે મામલો કાબૂમાં ન આવી શક્યો જેના કારણે કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં આ સંબંધમાં વધુ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.