‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ વખતે નાસભાગમાં મહિલાના મોતના કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. જોકે હવે તેને આ મામલે મોટી રાહત મળી છે. અભિનેતાને હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. કર્ણાટક હાઈકોર્ટે પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન મહિલાના મૃત્યુના કેસમાં અભિનેતા અલ્લુ અર્જુનને જામીન આપ્યા છે. આ પહેલા હૈદરાબાદ કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
પોલીસ સ્ટેશનની બહાર ચાહકોની ભીડ
અલ્લુ અર્જુનની ધરપકડ બાદ પોલીસ સ્ટેશનની બહાર ચાહકો પણ એકઠા થઈ રહ્યા છે. આ સાથે જ તેલંગાણાનું રાજકારણ પણ આને લઈને ગરમાવા લાગ્યું છે. BRS પાર્ટીના કાર્યવાહક અધ્યક્ષ કેટી રામારાવે આ અંગે પોસ્ટ કરી છે. જેમાં રામારાવે કહ્યું હતું કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અલ્લુ અર્જુનની ધરપકડ સત્તામાં રહેલા લોકોની અસુરક્ષા દર્શાવે છે. મને મૃતકના પરિવાર પ્રત્યે સંપૂર્ણ સંવેદના છે. પરંતુ આ માટે ખરેખર જવાબદાર કોણ? અલ્લુ અર્જુનની આ રીતે ધરપકડ ન થવી જોઈએ, ખાસ કરીને એવી કોઈ બાબત માટે જેના માટે તે સીધો જવાબદાર નથી.
અભિનેતાની શુક્રવારે સવારે 12 વાગ્યે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી 4 વાગ્યે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. આ પછી અભિનેતાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે 5 વાગ્યે જામીન આપ્યા હતા. અલ્લુ પર આરોપ છે કે તે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં તેને જાણ કર્યા વગર પહોંચ્યો હતો. જેના કારણે ત્યાં ભીડ એકઠી થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ. ઘણા લોકો ઘાયલ થયા હતા.
હાઈકોર્ટમાં અલ્લુના વકીલે બચાવમાં શાહરૂખની ફિલ્મ રઈસ કેસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતમાં એક પ્રમોશન દરમિયાન ખાને ભીડ પર ટી-શર્ટ ફેંકી હતી. આ પછી નાસભાગ મચી ગઈ હતી. આ કેસમાં અભિનેતા પર ગેરઇરાદાપૂર્વકની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. વકીલે કહ્યું કે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે શાહરૂખને રાહત આપી હતી.
બીજી તરફ મહિલાના પતિએ કેસ પાછો ખેંચવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અલ્લુ અર્જુનની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી હતી. આ કેસમાં મૃતક મહિલાના પતિએ અભિનેતાનો બચાવ કર્યો છે. તેણે કહ્યું કે તે કેસ પાછો ખેંચવા તૈયાર છે. સુનાવણી દરમિયાન અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના વચગાળાના જામીન મંજૂર કરાયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્લુ અર્જુને તેની ધરપકડની રીત સામે વાંધો ઉઠાવ્યો છે. અભિનેતાએ દાવો કર્યો છે કે પોલીસે તેને નાસ્તો પૂરો કરવા દીધો ન હતો. કપડાં બદલવાની પણ છૂટ આપી ન હતી. એક વીડિયોમાં એક્ટર ઘરમાંથી નીચે ઉતરીને પાર્કિંગમાં આવે છે. ત્યાં તેનો નોકર દોડતો આવે છે અને ચા-પાણી આપે છે. વીડિયોમાં તે ચા પીતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેની પત્ની સ્નેહા રેડ્ડી જોવા મળે છે. અલ્લુ તેની પત્નીને સમજાવે છે. આ પછી પોલીસ તેમને પોતાની સાથે લઈ જાય છે.