વડોદરા: વડોદરામાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે બીજી તરફ વરસાદની શરૂઆતથી જ શહેરમાં ઠેર ઠેર દૂષિત પાણીની ઉઠી હતી.તેવામાં અલકાપુરી રોડ જેતલપુર વાલ્મિકીવાસમાં દૂષિત પાણીને કારણે યુવતીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ તંત્ર સામે આક્રોશ કર્યો હતો. અનેક વિવાદોના વંટોળમાં ઘેરાયેલ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર વધુ એક વિવાદના વંટોળમાં ઘેરાવા પામ્યું છે.સ્માર્ટ સિટી વડોદરામાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે.
પરંતુ વિકાસ રૂંધાયો હોય તેમ લાગી રહ્યું છે.કારણકે શહેરમાં વર્ષોથી પાણીની સમસ્યા જે સે થે રહેવા પામી છે.દૂષિત પાણીની સમસ્યાથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.પરંતુ યોગ્ય નિરાકરણ નહીં આવતા આજે દૂષિતપાણીને કારણે એક વીસ વર્ષીય યુવતીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ તંત્ર સામે ફિટકારની લાગણી વ્યક્ત કરી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના અલકાપુરી સ્થિત જેતલપુર હરીજન વાસમાં ગંદા પાણીના કારણે 20 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે. વાલ્મિકીવાસમાં સ્થાનિક રહીશો છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યાથી હેરાન પરેશાના થઈ ઊઠ્યા છે.
જ્યારે આ જ પરિવારના ત્રણ સભ્યો હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળ્યું છે. માત્ર ઝાડા ઉલટી થવાના કારણે યુવતીનું મોત થતા પરિવારજનોમાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું છે.તેમજ તંત્ર સામે રોષની લાગણી જોવા મળી છે.આ વિસ્તારના કુલ આઠ વ્યક્તિઓ દૂષિત પાણીની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ છે.સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે જે દીકરીનું મોત થયું તે પરિવારના ત્રણ અને આ જ વિસ્તારના મળીને કુલ આઠ જેટલા વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ છે. દૂષિત પાણી અંગે વારંવાર રજૂઆત કરી પણ કોર્પોરેશન તંત્ર ધ્યાન આપતું નથી આંખ આડે કાન કરીને બેસી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.જેના કારણે આજે અમારી દીકરીનું મોત થયું હોવાના આરોપ તંત્ર પર લગાવ્યા હતા.