Madhya Gujarat

નડિયાદ શાસનાધિકારી સામે આડેધડ ખર્ચનો આક્ષેપ

નડિયાદ: નડિયાદ નગરપાલિકા સંચાલત પ્રાથમિક શિક્ષણ વિભાગના શાસનાધિકારી સામે નડિયાદના જાગૃત નાગરીકે આક્ષેપો કરી ઉચ્ચ અધિકારીઓને લેખિત ફરીયાદ કરતા મામલે તપાસના આદેશ થયા છે. શાસનાધિકારી દ્વારા પોતાના સત્તાનો દૂરઉપયોગ કરી મનસ્વી રીતે પોતાની કચેરીનું સ્થળાંતર ઉપરાંત પોતાની કેબિન બનાવવા સહિતના કામોમાં શિક્ષકોના પગાર ગ્રાન્ટના 2.50 લાખનું આંધણ કરી નાખ્યુ હોવાનો ઉલ્લેખ અરજદારે કર્યો છે.

અરજદાર/ફરીયાદીએ આ સમગ્ર મામલે ગાંધીનગર ખાતે પ્રાથમિક નિયામકને અગાઉ રજૂઆત કરી હતી. ત્યારબાદ આ મામલે પ્રાથમિક નિયામક દ્વારા ખેડા જિલ્લા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખી શાસનાધિકારી હેમંત જે. કા.પટેલ સામે તપાસ કરવાના આદેશ કર્યા છે. તેમજ તપાસ કરી 20 દિવસમાં અહેવાલ પ્રાથમિક નિયામકને મોકલવા માટે જણાવ્યુ હતુ. આ સમગ્ર ઘટનામાં અરજદારે આજે એક પ્રેસનોટ થકી મીડિયાને જણાવ્યુ છે કે, 1993થી નડિયાદ નગરપાલિકાના પાછળના ભાગે ચાલતી પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી 1 જૂન, 2022ના રોજ અચાનક સંતરામ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ખસેડી દેવાઈ હતી.

આ કચેરીના સ્થળાંતર પાછળ તેમજ નવી કચેરીમાં પોતાની અલગ કેબિન બનાવવા ઉપરાંત તિજોરીયો સહિતના નવા ફર્નિચર પાછળ શિક્ષણ સમિતિના ઈ.શાસનાધિકારી હેમંતકુમાર જે. કા.પટેલે 2.50 લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે. તેમજ જૂની કચેરીના સરકારી સામાન વેચી નાખી અમુક જ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી બાકીની ચાઉં કરી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તો વળી, ચાલુ હાલતના પંખા પણ ગાયબ કર્યા હોવાનો સૂર છેડ્યો છે. આ તમામ કામગીરી માટે શાસનાધિકારીએ સત્તામંડળની કોઈ પૂર્વમંજૂરી લીધી ન હતી અને ટેન્ડર પ્રક્રિયા કે જાહેરાત છપાવવાની પણ તસ્દી લીધઈ નથી. ઉપરાંત નગરપાલિકાના ઈજનેર પાસે કચેરી ખસેડવાનો રીપોર્ટ ન લીધો અને જાણ પણ ન કરી હોવાનો આક્ષેપ અરજદારે કર્યો છે. આ ગંભીર પ્રકારના મનસ્વી પણા સામે જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી દ્વારા નક્કર કાર્યવાહી કરાય તેવી માગ અરજદારે કરી છે. નડિયાદમાં શાસનાધિકારીની હાલમાં જ ચૂંટણી થઇ હતી અને તે વિવાદમાં આવતા મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

સ્થળાંતર પહેલા 33 હજારનો વેપલો કર્યો
અરજદારે જણાવ્યુ છે કે, કચેરી સ્થળાંતર કરતા પહેલા શાસનાધિકારી હેમંત કા.પટેલ દ્વારા 33 હજારની કિંમતના સીસીટીવી કેમેરા જૂની કચેરીમાં નખાવવામાં આવ્યા હતા. કચેરી સ્થળાંતર કરવાની હતી તો પછી આ સીસીટીવી કેમ નખાવાયા? તે પ્રશ્ન ઉભો કરી તેમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કર્યા છે.

Most Popular

To Top