નડિયાદ: નડિયાદ શહેર એ ખેડા જિલ્લાનું વડુમથક છે. ત્યારે, શહેરની પ્રજાને પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને શહેરનો વિકાસ થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વિકાસના વિવિધ કામો હેઠળ નડિયાદ નગરપાલિકામાં લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી રહી છે. તેમછતાં, નડિયાદ શહેરની પ્રજા પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. બીજી બાજુ શહેર શહેરની હાલત પણ બદતર બની છે. જેથી નડિયાદ નગરપાલિકા તંત્રના અધિકારીઓ, ચુંટાયેલા કાઉન્સિલરો ઉપરાંત રાજકીય નેતાઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપો ઉઠ્યાં છે. ત્યારે, નડિયાદ શહેરમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન થયેલ વિકાસના કામોમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ તકેદારી આયોગ મારફતે કરાવવામાં આવે તેવી માંગ સાથે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ હાર્દિકભાઈ ભટ્ટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
જેમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર શહેરી વિકાસની વિવિધ યોજનાઓ હેઠળ શહેરીજનોની પાયાની મુળભુત સુવિધાઓ જેવી કે, ભૂગર્ભ ગટર યોજના, પીવાના શુધ્ધ પાણીના વિતરણ માટેની પુરતી વ્યવસ્થા વિકસાવવા, સડક યોજના હેઠળ રોડ-રસ્તાના કામો, ફ્લાયઓર બનાવી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા, નજીકના ગામો તથા આઉટગ્રોથ વિસ્તારમાં માળખાગત સુવિધા વિકસાવવા, સ્માર્ટટાઉન મિશન હેઠળ વિકાસના કામો કરવા, તળાવો અને કાંસમાંથી કચરો કાઢવાના સાધનો ખરીદવા, સીસીટીવી, ઈન્ટરનેટ કનેક્ટીવીટી, શહેરને સ્વચ્છ રાખી આરોગ્યપ્રદ વાતાવરણ ઉભુ કરવા, પ્લાસ્ટિકમુક્ત શહેર બનાવવા, ફાયરસ્ટેશનમાં આધુનિક સાધનો વિકસાવવા સહિતની યોજનાઓ માટે દરવર્ષે સેંકડો કરોડો રૂપિયાની ગ્રાન્ટ નડિયાદ નગરપાલિકાને ફાળવે છે.
તેમછતાં નડિયાદ શહેરમાં ખાસ કરીને એસ.સી, ઓ.બી.સી તથા માઈનોરીટી જેવા ગરીબ અને પછાત વર્ગના લોકો રહે છે તેવા મોટાભાગના વિસ્તારોમાં આજે પણ પાયાની મુળભુત સુવિધાનો અભાવ વર્તાય છે. આ વિસ્તારોમાં ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગલાં ખડકાયેલાં હોય છે, વરસાદી પાણીના નિકાલ માટેના કાંસની સમયાંતરે યોગ્ય અને પુરતી સફાઈ થતી ન હોઈ વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને લાંબા સમય સુધી આ વિસ્તારોમાં પાણી ભરાયેલાં રહે છે. જેથી રહીશોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે.
આ ઉપરાંત શહેરના તળાવો અને કાંસમાં ગેરકાયદેસર સ્યુએજ ડ્રેનેજ જોડાણ છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે પણ પાલિકા કોઈ ધ્યાન આપતું નથી, શહેરના તમામ તળાવો અને કાંસમાં ગંદકી તેમજ જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય ફેલાયું છે. ત્યારે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છ ભારત મિશન હેઠળ નડિયાદ નગરપાલિકાને ફાળવવામાં આવતી લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ પાલિકાના અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ માત્ર અને માત્ર ભ્રષ્ટાચારનો હેતુ સિધ્ધ કરવા સ્વચ્છતાના સાધનોની ખરીદી કરવામાં જ રસ દાખવે છે. પરંતુ, તેટલો જ રસ શહેરને કચરા મુક્ત બનાવવામાં દાખવતાં નથી.
જેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ નડિયાદ નગરપાલિકાને નાણાકીય વર્ષ 2002-21, 2021-22, 2022-23 દરમિયાન ફાળવેલી ગ્રાન્ટની રકમ સ્વચ્છતાના કયાં-કયાં કામોમાં વાપરી તેની વિજીલન્સ મારફત તપાસ કરવામાં આવે, આ ઉપરાંત શહેરના મોટાભાગના રસ્તાઓ અતિબિસ્માર હાલતમાં છે ત્યારે નડિયાદ પાલિકાએ છેલ્લાં ત્રણ વર્ષમાં નાના-મોટા રસ્તાના જેટલાં કામો કર્યાં હોય તે તમામ કામોની ઉચ્ચકક્ષાએથી ઝીણવટભરી તપાસ કરાવવામાં આવે, નડિયાદ પાલિકાએ ત્રણ વર્ષમાં પ્રજાને શુધ્ધ પાણી મળી રહે તે માટે કરેલાં કામો માટે ખરેખર કેટલી રકમનો ખર્ચ કર્યો છે તેની તપાસ કરવામાં આવે તો બહુ મોટી રકમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી શકે તેમ છે.
શહેરમાં એસ.સી, ઓ.બી.સી અને માઈનોરીટી જેવા દબાયેલાં અને કચડાયેલાં ગરીબ અને પછાત વર્ગના લોકો વસવાટ કરે છે તેવા વિસ્તારોની પાલિકા દ્વારા ઘોર ઉપેક્ષા કરવામાં આવે છે અને વિકાસના કામોથી વંચિત રાખવામાં આવે છે. ત્યારે, પ્રશ્ન એ થાય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ વપરાય છે ક્યાં… તેની વીજીલન્સ મારફત તપાસ કરાવવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેમ છે. માટે, પક્ષાપક્ષીથી પર રહીને શહેરના લોકોના હિતમાં તટસ્થ તપાસ કરાવવાની માંગ છે.