SURAT

મંત્રી દર્શના જરદોશના ભાઈએ સુરતમાં અશાંતધારાનો સરેઆમ ભંગ કર્યાનો આક્ષેપ

સુરત: (Surat) સુરત શહેરનાં સાંસદ (MP) દર્શના જરદોશના (Darshna Jardos) ભાઇ તિમિરે પાણીની ભીંત સોની ફળિયા વિસ્તારમાં ગેરકાયદે કોમ્પ્લેક્સ ચણી 40 દુકાનો બારોબાર અન્ય ધર્મના લોકોને ભાડે આપી અશાંતધારાનો (Ashantdhara) ભંગ કર્યો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને (Collector) રજૂઆતો કરાઇ છે.

  • દર્શના જરદોશના ભાઈ તિમીર નાયકે ગેરકાયદે કોમ્પલેક્સ બાંધ્યાનો વિવાદ
  • સોની ફળિયા પાણીની ભીંત પાસે રહેતા રહીશોએ કલેક્ટરને રજૂઆત કરી
  • અશાંતધારો લાગુ હોવા છતાં સાંસદના ભાઈએ 40 મિલકતો બારોબાર ભાડે ચઢાવી હોવાના આક્ષેપ

સુરતનાં સાંસદ દર્શના જરદોશના ભાઇના ગેરકાયદે (Illegal) કોમ્પ્લેક્સ (Complex) બાદ સોમવારે આ મામલે નવો વિવાદ (Controversy) બહાર આવ્યો છે. સોની ફળિયા પાણીની ભીંત પાસે રહેતા નાગર ફળિયા, હનુમાન પોળ, સમ્રાટ એપોર્ટમેન્ટ, બોમ્બે હાઉસ તેમજ ભાગ્યકૃપા અને વૃંદાવન એપાર્ટમેન્ટના રહીશોએ સોમવારે કલેક્ટરને સામૂહિક રજૂઆતો કરી હતી. કલેક્ટરને આક્ષેપ સાથે રજૂઆતો કરતાં સ્થાનિક રહીશોએ કહ્યું હતું કે, સુરત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સોની ફળિયા પાણીની ભીંત પાસે વોર્ડ નં.10 નોંધ નં.428, 429ની મિલકત સાંસદ દર્શના જરદોશના ભાઇ તિમિર નાયકની માલિકીની છે. આ વિસ્તારમાં અશાંતધારા લાગુ છે. તેમ છતાં સાંસદના જોરે તેમના ભાઇએ 40 જેટલી મિલકતો બારોબાર ભાડે ચઢાવી દીધી છે.

કલેક્ટરને રજૂઆતો કરી સ્થાનિક લોકોએ આ મામલે અશાંતધારાનો અમલ કરાવવા માંગણી કરી છે. સ્થાનિક રહીશોએ આક્ષેપો સાથે રજૂઆતો કરી હતી કે, તિમિર નાયકે ગેરકાયદે બાંધકામ કરવા સાથે પાર્કિંગ સ્પેસ પણ છોડી નથી. તેમણે બેઝમેન્ટમાં પણ દુકાનો બનાવી ભાડે આપવા પેરવી કરી છે. જેને લઇ સ્થાનિક રહીશો અકળાયા છે. આ વિસ્તારમાં સાંકડા રસ્તા વચ્ચે એક જ કોમ્પ્લેક્સમાં અધધ દુકાનને લઇ ટ્રાફિક સમસ્યા પણ ઊભી થઇ છે.

આ મિલકત મારા ભાઈની છે જ નહીં : દર્શના જરદોશ
આ મુદ્દે વાત કરતાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, આ મિલકત મારા ભાઇની માલિકીની છે જ નહીં. આમ છતાં અમુક ચોક્કસ લોકો અમારા પરિવારને રાજકીય નિશાન બનાવવા આક્ષેપો કર્યા કરે છે. મારી આટલાં વરસોથી રાજકીય કારકિર્દીમાં ભ્રષ્ટાચાર કે કોઇ પ્રકારની ગેરરીતિ મળી શકી નથી. આથી આવા અર્થ વગરના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

Most Popular

To Top