કપડવંજ, તા.9
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના 100 જેટલા ગામોમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાના હેતુસર ભૂર્ગભ ટાંકા (સંપ) બનાવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. સરકાર દ્વારા સ્થાનિક લોકો માટે ઉનાળાના સમયમાં પડતી તકલીફોને ધ્યાનમાં લઈને કપડવંજ તાલુકાના અલગ અલગ ગામોમાં ભૂગર્ભ સંપ ટાંકા બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે. પરંતુ આ કામમાં ગેરરીતિઓ થતી હોવાનો ગણગણાટ સમગ્ર કપડવંજ તાલુકામા વ્યાપ્યો છે.
કપડવંજ તાલુકાના ગામોમાં ચર્ચાતી વાતો મુજબ પાણી પુરવઠા અધિકારી નિરાલીબેન દ્વારા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભૂર્ગભ ટાંકા બનાવવા માટે યોગ્ય ગુણવત્તા વાળો માલસામાન વાપરવામાં આવતો નથી તેવો આક્ષેપ કરાયો છે. સરકારના ધારા ધોરણ અને નિયમો તથા ટેન્ડરમાં જણાવ્યા પ્રમાણેનું કામકાજ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું નથી. જેના લીધે ભવિષ્યમાં સરકારની આ યોજના બાબતે ઘણા બધા વિવાદ થઈ શકે છે. તેમજ જે હેતુ માટે આ ભૂગર્ભ સંપ ટાંકા બનાવવામાં આવી રહ્યા છે તે હેતુ પણ સાર્થક થાય તેમ નથી આ બાબતે વારંવાર પાણી પુરવઠા અધિકારી નિરાલીબેન ને પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે. તેમજ વિડિયો ફોટોગ્રાફી કરીને પુરાવા રૂપે બતાવાયેલ છે. તેમ છતાંય પોતાની સત્તાનો દુરુપયોગ કરીને મળતીયા કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાના હેતુથી આ ભૂગર્ભ સંપ ટાંકા ના કામો અટકાવેલ નથી અને અમે ફરિયાદ કરેલ હોવા છતાં પણ ભૂગર્ભ સંપ ટાંકાના કામો સતત ચાલુ છે. જેથી આ બાબતે તાત્કાલિક ધોરણે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરાવવામાં આવે અને સરકારી ધારા ધોરણ નિયમો અને ટેન્ડર મુજબ કપડવંજ તાલુકાના ગામો માં ભૂગર્ભ સંપ ટાંકાના કામોમા ભ્રષ્ટાચાર કરનાર જવાબદાર પાણી પુરવઠા અધિકારી નિરાલીબેન તેમજ કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
કપડવંજમાં ભૂગર્ભ ટાંકાના કામમાં ગેરરીતિનો આક્ષેપ
By
Posted on