સુરત: ભરૂચથી (Bharuch) સુરત (Surat)આવતી તમામ ટ્રેનો (Train) હાલમાં રોકી દેવામાં આવી છે. અંકલેશ્વરથી બે કિલોમીટર પાનોલી (Panoli)તરફ જતા રેલવે લાઈનમાં મોટી દુર્ઘટના ટળી હતી. પાનોલીથી સુરત તરફ જતી ચાલુ ટ્રેનમાં સપ્લાય કેબલ તૂટ્યો હતો અને હાઈટેન્શનનો કેબલ તૂટીને પડ્યો હતો. જેના કારણે ટ્રેનને સમયસૂચકતાથી રોકી દેવામાં આવી હતી. તેથી વડોદરાથી ભરૂચ-સુરત તરફ જતી તમામ ટ્રેનોને ભરૂચ ખાતે રોકી દેવાઈ હતી અને આ તમામ ટ્રેનો પર અસર પડી હતી. કહેવામાં આવી રહ્યું છે છેલ્લા અઢી-ત્રણ કલાકથી ટ્રેનોને રોકી રાખવામાં આવી છે.
મળતી માહિતી મુજબ અંકલેશ્વરથી બે કિમી પાનોલી તરફ જતી ઉદેપુર સિટી ટ્રેનમાં ચાલુ ટ્રેનનો સપ્લાય કેબલ તૂટ્યો હતો. ચાલુ ટ્રેનની ઉપર જ હાઈ ટેન્શન લાઇનનો કેબલ તૂટી પડતા મુસાફરોનો જીવ ટાળવે ચોંટી ગયો હતો. જો કે સદનસીબે કોઈજાનહાનિના સમાચાર સામે આવી નથી. આ દુર્ઘટનાના કારણે વડોદરાથી સુરત જતી ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. ત્યારે કેટલીક ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે.
મોટી દુર્ઘટના ટળી
મળતી વિગતો અનુસાર અંકલેશ્વરની આમલા ખાડી નજીક કેબલ તૂટ્યો હતો. મિકેનિઝમ પ્રમાણે કેબલ તૂટે તો તરત ઓટોમેટકલી વીજ સપ્લાય બંધ થઈ જાય છે. ઓટોમેટિક વીજ સપ્લાય બંધ થવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. નહિ તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
ટ્રેન વ્યવહાર ખોરવાયો
આ દુર્ઘટનાના કારણે વડોદરાથી ભરૂચ સુરત તરફ જતી તમામ ટ્રેનો ભરૂચ ખાતે રોકી દેવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બે થી ત્રણ કલાક દરમિયાન વડોદરાથી સુરત તરફ જતી ટ્રેનો મોડી પડી હતી. રેલવે દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે રેલવે જણાવ્યું હતું કે ત્રણ કલાકમાં પુનઃ ટ્રેન વ્યવહાર શરૂ થશે. ટ્રેન વ્યવહાર ઠપ પડી જતા અપડાઉન કરનારા અનેક મુસાફરો અટવાયા હતા.
આ ટ્રેનો કેન્સલ કરાઈ
પાનોલી નજીક રેલવે વીજ લાઈનનો કેબલ બ્રેક થવાની ટ્રેનોનું શિડ્યુલ ખોરવાયું છે. ઓવરહેડ વીજ કેબલ બ્રેક થતા ત્રણ ટ્રેન રદ્દ કરાઈ છે. જેમાં અજમેર બાંદ્રા ,વડોદરા ભરૂચ મેમુ અને ભરૂચ સુરત મેમુ ટ્રેનો કેન્સલ કરાઈ છે. ભરૂચમાં તમામ ટ્રેનોને રોકી ઓવર હેડ કેબલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.