સમયની સરિતા વહેતી રહે છે. તે સાથે અનેક પરિવર્તનો થતાં રહે છે. 5,15 વર્ષો પૂર્વે જે શબ્દો ચલણમાં હતા તે આજે ભાગ્યે જ સંભળાય છે. એટલું જ નહીં, નવા શબ્દો આવતા રહે છે. અમારા જમાનામાં પેન ફ્રેન્ડ શબ્દ હતો જેને સ્થાને આજે fb જે ઇંસ્ટા યા ફેઇસ ટાઈમ ફ્રેન્ડ છે. ફેઇસ બૂક પણ નવો છે. શું આપણે એનો ગુજરાતી તરજુમો ‘વદન ગ્રંથ’ કરીશું? આમ પણ વદન કહેતાં ચહેરો એક ગ્રંથ જ છે.
તેમાં અનેક અકળ ભાવો છૂપાયેલા હોય છે. વૉટ્સ એપ વાપરતાં અનેક જેન ઝી ને ખબર નહીં હશે કે એનો ઉદ્ભવ ક્યાંથી થયો અને સાચો મતલબ શો છે. એક નવો શબ્દ આવ્યો છે pebbling પેબલિંગ. પેબલ એટલે કંકર પથ્થર. નાનપણમાં મહુવાની પુણ્યસલીલા પૂર્ણાને વિશાળ રેતાળ પટ હતો જેને અમે ભાઠું કહેતાં જે પાછળથી અમારું લખાણનું ભાથું બન્યું. ત્યાં ગ્રીષ્મે વાડીઓમાં તરબૂચની લુત્ફ ઉઠાવતાં અને અમે લાલ, કેશરી, કથ્થઈ, ક્યારેક પીળા, સાવ કાળા, રાખોડી એવા ભિન્ન ભિન્ન રંગના પથ્થરો ભેગા કરતાં. ઘણી વાર મિત્રો જોડે તેની આપ લે પણ થતી. આજે ટપાલ ટિકિટોનું તો કોઈ નામ જ નથી લેતું.પૂર્વે યુવક મહોત્સવોમાં સંગ્રહની હોબીની સ્પર્ધા રહેતી.
હમણાં એફ બી કે વૉટ્સ એપ કે ઇંસ્ટા પર અજબગજબની રીલ્સ ને ફોટા આવે છે; માણસનાં અને પ્રાણી – પક્ષીનાં. ઘણા ફોટા અને રઈલ્સમાં તો માણસો પણ પ્રાણી જેવાં લાગે છે. આપણાં તરુણ કે યુવા બાળકો આ વસ્તુઓ એમ માનીને આપણને મોકલે છે કે પપ્પા મમ્મીને આનંદ આવશે. આને કહેવાય પેબલિંગ. ઘણાંને નવી પેઢી ઉચ્છૃંખલ લાગે છે પણ આવું આપણે માટે પણ લોકો વિચારતાં જ હતાં. સમય સમયની વાત છે. અમને ટપાલ ટિકિટો કે રંગીન પથ્થરો યા દેશ વિદેશના પોસ્ટ કાર્ડ્સ ભેગા કરવાની જે મજા આવતી તે સાંપ્રત પેઢીને વર્ચુયલ (આભાસી જ) ચીજોમાં આવતી હશે. આમેય આજ સઘળું આભાસી થતું જાય છે. માણસો, હ્રદય, લાગણી બધું જ.
બારડોલી – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.