આજકાલ જીએસટીના દરોમાં સરકાર દ્વારા છૂટ આપવાની જાહેરાતોની ચર્ચા છે. ત્યારે જણાવવાનું કે દરેક રાજ્યોમાં એસજીએસટી અલગ છે. જેમાં રાજ્યોના ઉદ્યોગોમાં લાગુ પડતા વિવિધ ઉત્પાદનોના ટેક્ષ અલગ હોય છે. ગામડાઓમાં જીવન જરૂરી માલસામાન પાઉચ અને નાના પેકીંગમાં વેચાતા હોય છે. જેમાં ઘણાં પેકીંગ પર મેન્યુ.ડેટ, બેચ નંબર, મેકસીમમ રીટેલ પ્રાઇસ મનફાવે તેમ છાપેલા જણાય છે. રાજ્યોને આડકતરી રીતે આનાથી નુકસાન થાય છે. એક સરખા માલસામાનની ઘણી વાર કિંમત અલગ હોય છે. જ્યારે માલનું વજન અને સામાન સરખો હોય છે. આ માટે રાજ્ય સરકારે ધ્યાન રાખવાની જરૂર જણાય છે. મોટા શોપીંગ મોલમાં સેલ વખતે આ બાબતો સ્પષ્ટ જણાતી હોય છે. નાગરીકોને જીએસટી રાહતનો વ્યાપક અને અસરકારક રીતે લાભ આપવો હોય તો સરકારે મેકસીમમ રીટેલ પ્રાઇસ નક્કી કરવા માટે ઉપાય વિચારવા જોઇએ. આથી જ નાગરિકોને લાભ મળશે.
ભરૂચ – સુનીલ રાણા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જનતાને મૂર્ખ બનાવે એ જ સારો નેતા છે!
કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરી તેમના આખાબોલા સ્વભાવથી ખુબ પ્રચલિત અને જાણીતા છે તે સંદર્ભમા જ હાલમાં નાગપુરની એક જાહેરસભામાં તેમણે એવું નિવેદન આપ્યું હતું કે દેશની પ્રજાને પોતાના પ્રભાવશાળી વાણી પ્રભુત્વથી સારી રીતે મૂર્ખ બનાવે એ જ આજના રાજકારણ ક્ષેત્રમાં સારો નેતા બની શકે છે. કેન્દ્રીય પ્રધાનનું આ નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે જે સ્વાભાવિક છે. તેમણે વધુમાં તેમની પ્રકૃતિ અનુસાર જણાવ્યું હતું કે હું જે ક્ષેત્રમાં છું ત્યાં પુરા મનથી સત્ય બોલવાની મનાઇ હોય છે. આ વરિષ્ઠ નેતાના ઉપરોકત નિવેદનો દેશની પ્રજા માટે જાગૃત થવાનો મોટો સંદેશ છે. ભારત જેવા લોકશાહી દેશમાં જ્યાં પ્રજા સરકારનું નિર્માણ કરે છે ત્યાં જનતાએ પોતાના હક્ક અધિકારો અને ફરજો અંગે જાગૃત થવુ અનિવાર્ય બન્યું છે. જે દેશના નાગરિકો અને દેશના હિતમાં છે.
મોટામંદિર, સુરત- રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.