સુરત શહેરની કોલેજમાં ખૂબ જ વિચિત્ર ઘટના બની છે. અહીં એક પરીક્ષામાં ક્લાસના તમામ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ફેઈલ કરી દેવાનો કદાચિત આ પ્રથમ કિસ્સો છે. વિદ્યાર્થીઓ રિઝલ્ટથી નારાજ થયા છે અને યુનિવર્સિટીના પરીસરમાં વિરોધ કરવા પહોંચી ગયા છે. વિદ્યાર્થીઓએ કોલેજના આચાર્યને પત્ર લખી રિઝલ્ટ સ્વીકાર્ય નહીં હોવાની જાણ પણ કરી છે.
- અઠવાલાઈન્સની સર કે.પી. કોમર્સ કોલેજના સ્ટુડન્ટ્સ સાથે બની આ ગજબ ઘટના
- ફેઈલ સ્ટુડન્ટ્સે પ્રિન્સીપલને પત્ર લખી ફેરચકાસણીની કરી માંગણી
- દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના પરીક્ષકો દ્વારા ગફલત થઈ હોવાનો કર્યો આક્ષેપ
સુરતના અઠવાલાઈન્સ રોડ પર આવેલી કે.પી. કોમર્સ કોલેજની આ ઘટના છે. (All students fail at KP Commerce College in Surat) અહીં એમ.કોમ. સેમેસ્ટર-2માં એકાઉન્ટન્સી પેપર-5ની પરીક્ષા લેવામાં આવી હતી. જેનું તાજેતરમાં પરીણામ જાહેર થયું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી લેવાયેલી આ પરીક્ષાના રિઝલ્ટમાં કે.પી. કોમર્સ કોલેજના એક વર્ગના તમામ વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓ નારાજ થયા છે.
આવું કેમ બને? એક કલાકના તમામ સ્ટુડન્ટ એક વિષયમાં કેવી રીતે ફેઈલ થઈ શકે? એ સ્ટુડન્ટ્સ સમજી શક્યા નથી. આ વાત ગળે ઉતરતી નહીં હોય સ્ટુડન્ટ્સે રિઝલ્ટ સામે વાંધો નોંધાવ્યો છે. આજે સવારે કે.પી. કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પહોંચી જઈ સૂત્રોચ્ચાર કરીને રિઝલ્ટ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ સાથે જ કોલેજના આચાર્યને એક પત્ર લખી આ રિઝલ્ટ સ્વીકાર્ય નહીં હોવાની જાણ કરી હતી. તેમજ આ સમગ્ર મામલે યુનિવર્સિટી તરફથી કોઈ ભૂલ કે શરતચૂક થઈ હોય તો તે સુધારી રિઝલ્ટ નવેસરથી જાહેર કરવા માંગણી કરી હતી. પત્રની નીચે મોટીસંખ્યામાં વિદ્યાર્થીઓએ સહી કરી પરિણામ સામેની નારાજગી વ્યક્ત કરી ફેરચકાસણીની માંગ કરી છે.