ભારતના બંધારણની ૧૯ મી કલમ દેશનાં તમામ નાગરિકોને અભિવ્યક્તિની આઝાદી આપે છે, પણ તે આઝાદી એવી ન હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ ધર્મની નિંદા કરે અને તેને કોઈ સજા ન થાય.
તાજેતરમાં એમેઝોન પ્રાઈમ નામના ઓટીટી પ્લેટફોર્મ પર વૈદિક ધર્મના ભગવાન શંકર બાબતમાં અપમાનજનક વિધાનો કરવા બદલ ‘તાંડવ’ નામની સિરિયલના નિર્માતા સામે દેશનાં અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વિવાદ વધી ગયો તે પછી સિરિયલના દિગ્દર્શન અલી અબ્બાસે માફી માગી લીધી છે, પણ આ સિરિયલ જોયા પછી ઓટીટી પ્લેટફોર્મો પર સેન્સરશીપ લાદવાની માગણી ઉગ્ર બની રહી છે. આ પ્લેટફોર્મો પર દેશના ટુકડા કરવા માંગતાં તત્ત્વોની વિચારધારાને ઉત્તેજન આપવા ઉપરાંત બેફામ અશ્લીલતાનું પ્રદર્શન પણ કરવામાં આવે છે.
કેટલીક વેબસિરીઝમાં એટલી બધી ગંદી ગાળો બોલવામાં આવે છે કે આ સિરીઝ જોનારાં યુવાનો તેમ જ બાળકો ઘરમાં પણ વાતવાતમાં વડીલોની હાજરીમાં ગાળો બોલતાં થઈ ગયાં છે. આપણા દેશમાં કોઈ પણ ફિલ્મનું થિયેટરમાં પ્રદર્શન કરવું હોય તો તે માટે સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ લેવું પડે છે.
સેન્સર બોર્ડને ફિલ્મનું કોઈ પણ દૃશ્ય કે સંવાદ વાંધાજનક જણાય તો તેના પર કાતર ફેરવી દેવામાં આવે છે. ટી.વી. પર કોઈ પણ સિરિયલ કે કાર્યક્રમ દર્શાવવો હોય તો તેના માટે કડક આચારસંહિતા ઘડવામાં આવી છે.
તે મુજબ હિંસા, સેક્સ કે ધાર્મિક ભાવનાનું અપમાન કરતાં દૃશ્યો દર્શાવી શકાતાં નથી. સરકારની નીતિ ખાળે ડૂચા અને દરવાજા મોકળા જેવી છે. આજકાલ નેટફ્લિક્સ, હોટસ્ટાર અને એમેઝોન પ્રાઈમ જેવાં ઓટીટી પ્લેટફોર્મો ઉપર ગંદી અને વિકૃત સિરિયલોની ભરમાર જોવા મળે છે. ઓટીટી પ્લેટફોર્મોમાં કેબલ કે ડીશ વગર કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા હોવાથી તેને ‘ઓવર ધ ટોપ’ કહેવામાં આવે છે.
તેના પર પ્રદર્શિત થયેલી મિર્ઝાપુર, બેડ બોય્સ, દિલ્હી ક્રાઇમ, હોસ્ટેજિસ વગેરે સિરિયલો અશ્લીલતાના ભંડાર જેવી છે.હિન્દી ફિલ્મોની આચારસંહિતા મુજબ તેમાં કોઈ પણ સ્ત્રીનાં અર્ધનગ્ન દેહને બતાડવામાં આવતો નથી. વળી કોઈ ફિલ્મમાં જાતીય ક્રીડાનાં દૃશ્યો સીધાં બતાડી શકાતાં નથી. હિન્દી ફિલ્મોમાં તેને પ્રતીકાત્મક રીતે જ દર્શાવવામાં આવે છે.
વળી હિન્દી ફિલ્મોનાં પાત્રો અશ્લીલ ગાળો બોલતાં હોય તેવાં દૃશ્યો પણ ભાગ્યે જ દેખાડવામાં આવે છે. કોઈ ફિલ્મનાં પાત્રો ગંદી ગાળો બોલતાં હોય તો તેને પુખ્ત વયનાં દર્શકો માટેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. ઓટીટી પ્લેટફોર્મો પર જે કોઈ સિરિયલો કે ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવે છે તેને તેવા કોઈ નિયમો નડતા નથી. તેમાં સેક્સ અને હિંસાનાં દૃશ્યો બેફામ બતાડવામાં આવે છે.
તેમાં હોમોસેક્સ અને હસ્તમૈથુન પણ બિનધાસ્ત દેખાડવામાં આવે છે. આ સિરિયલો બાળકો કે કિશોરો પણ નહીં જોતા હોય તેની કોઈ ગેરન્ટી નથી. આ સિરિયલોમાં પુરુષ પાત્રોની જેમ સ્ત્રી પાત્રો પણ ગંદી ગાળો બોલતી હોય છે. આ સિરિયલો જોઈને કેટલીક સંસ્કારી પરિવારની યુવતીઓ પણ પોતાના ઘરમાં ગાળો બોલતી થઈ ગઈ છે.
ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી સિરિયલ એકે વર્સિસ એકેમાં હીરો અનિલ કપૂરને ઇન્ડિયન એરફોર્સના પાઇલોટના યુનિફોર્મમાં બતાડવામાં આવ્યો હતો. તેમાં તેને બીજા પાઇલોટની પત્ની સાથે વ્યભિચાર કરતો પણ દર્શાવવામાં આવ્યો હતો. ઇન્ડિયન એર ફોર્સ દ્વારા આ સિરિયલ સામે વાંધો ઉઠાવાયો તે પછી તેની કથા બદલી કાઢવામાં આવી હતી.
નેટફ્લિક્સ પર પ્રસારિત થયેલી સેક્રેડ ગેમ્સ સિરિયલમાં સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદિકીની મુખ્ય ભૂમિકા હતી. આ સિરિયલની હિરોઈન રાજશ્રી દેશપાંડેને નવાઝુદ્દીન સાથે સેક્સ કરતી બતાડવામાં આવી છે. સોશિયલ મીડિયામાં રાજશ્રીને પોર્ન કલાકાર તરીકે ટ્રોલ કરવામાં આવી રહી છે. જો કે તેને કારણે તેના દર્શકોની સંખ્યા વધી ગઈ છે.
સિરિયલમાં ભગવાનનું નામ લઈને ગાળો બોલવામાં આવે છે. મિર્ઝાપુર નામની વેબસિરીઝમાં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં ચાલતી ગેન્ગવોરની કથા છે. તેનું મુખ્ય પાત્ર માફિયા ડોન પંકજ ત્રિપાઠી છે, જેને અન્ડરવર્લ્ડમાં કાલી ભૈયા તરીકે ઓળખવામાં આવે છે. આ સિરિયલમાં ડગલે ને પગલે ગાળાગાળી અને હિંસાનાં દૃશ્યો બતાડવામાં આવ્યાં છે.
માફિયાઓ દ્વારા કોલ ગર્લ્સ સાથે કેવી રીતે રતિક્રીડા કરવામાં આવે છે તેનાં દૃશ્યો પણ છૂટથી બતાડવામાં આવ્યાં છે. મિર્ઝાપુરની સફળતા પછી મિર્ઝાપુર-૨ નું નિર્માણ કરવામાં આવ્યું છે. સેક્રેડ ગેમ્સ અને મિર્ઝાપુર જેવી સિરિયલો કોઈ સંયોગોમાં સેન્સર બોર્ડમાં પસાર થઈ શકે નહીં. ઓવર ધ ટોપ પ્લેટફોર્મ પર તેમને બધું બેફામ દર્શાવવાની છૂટ આપવામાં આવી છે.
ઇન્ટરનેટ ઉપર વેબસિરીઝ પછી હવે મોબાઇલ એપનું નવું દૂષણ પેદા થયું છે. જાણીતા અને અજાણ્યા નિર્માતાઓ દ્વારા મોબાઇલ એપ્લિકેશનો લોન્ચ કરવામાં આવી છે, જેને ડાઉનલોડ કરનારને મોબાઇલ પર નિયમિત ગલીપચી કરે તેવાં દૃશ્યો બતાડવામાં આવે છે. એકતા કપૂર દ્વારા ઓલ્ટ બાલાજી નામની એપ લોન્ચ કરવામાં આવી છે.
તેને આશરે એક કરોડ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપ મફતમાં નથી મળતી, પણ તેની ફી ચૂકવવી પડે છે. દાખલા તરીકે બાલાજીની એપની વાર્ષિક ફી ૩૦૦ રૂપિયા છે. જો તેને એક કરોડ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી હોય તો ૩૦૦ કરોડ રૂપિયાનો વકરો થયો હશે. ઉલ્લુ નામની મોબાઇલ એપ ૫૦ લાખ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે.
તેની વાર્ષિક ફી ૯૯ રૂપિયા છે. જો ખરેખર ૫૦ લાખ ડાઉનલોડ હોય તો તેમાંથી ૫૦ કરોડ રૂપિયાની કમાણી થાય છે. આ પ્રકારની એપમાં કામ કરતાં કલાકારો પાછળ બહુ ખર્ચો પણ કરવો પડતો નથી. તેઓ બી કે સી ગ્રેડની ફિલ્મોમાં કામ કરતા સ્ટ્રગલર હોય છે. ક્યારેક તેઓ મફતમાં કામ કરવા પણ તૈયાર થઈ જાય છે.
કેટલીક જુનિયર હીરોઇનો કોલ ગર્લ તરીકે પણ કામ કરતી હોય છે. આવી સિરિયલોમાં તેમને મફતમાં પ્રસિદ્ધિ મળી જાય છે.દુનિયામાં શસ્ત્રો પછી જો કોઈ સૌથી કસદાર ધંધો હોય તો તે પોર્નોગ્રાફીનો છે. એક અંદાજ મુજબ પોર્નોગ્રાફી ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર ૬૦૦ અબજ ડોલર જેટલું છે.
અમેરિકાના પોર્નોગ્રાફી ઉદ્યોગમાં કામ કરતી સની લિયોનીને મહેશ ભટ્ટ ભારતમાં લઈ આવ્યા અને તેને બોલિવૂડમાં કામ આપ્યું તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ જ ભારતમાં પોર્નોગ્રાફી ઉદ્યોગનું માર્કેટ ઊભું કરવાનો હતો. મોબાઇલ કંપનીઓ દ્વારા ડેટા સસ્તો કરવામાં આવ્યો તેને પગલે ભારતમાં પોર્નોગ્રાફીનું ઘોડાપૂર આવ્યું છે. સુપ્રિમ કોર્ટે પણ ઇન્ટરનેટ પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે.
જે યુવાનો અને યુવતીઓ અત્યાર સુધી પોર્નોગ્રાફીથી મુક્ત રહ્યાં હતાં તેઓ હવે ઓટીટીનો શિકાર થઈ રહ્યાં છે. ઘણાં પરિવારો મર્યાદાનો ભંગ કરીને સાથે બેસીને વેબસિરીઝની મજા માણે છે. ભારતની ઘણી સંસ્થાઓ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ ઉપર દેખાડવામાં આવતી હિંસા અને બિભત્સતા સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં યુવા જાગરણ મંચ દ્વારા ‘સ્વચ્છ સાયબર ભારત’ નામની ઝુંબેશ મુખ્ય છે.
તેમાં માતૃ ફાઉન્ડેશન, ત્યાગ, વીર શાસન સેવક અને અખંડ ભારત વિશ્વ હિન્દુ સંઘ નામની સંસ્થાઓ પણ જોડાઇ છે. આ મંચમાં ૪૬૦ યુવાનો સ્વયંસેવક તરીકે જોડાયા છે અને તેના દ્વારા ૫૯૨ ઓનલાઇન પિટીશનો દાખલ કરવામાં આવી છે.
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.