આજે બપોરે ગાંધીનગર ખાતે સીએમ બંગલો ખાતે યોજાયેલી મહત્વની બેઠકમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. જેના પગલે આ રાજીનામનો સ્વીકાર કરવામા આવે છે તેવી ભલામણ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ યાદી રાજયભવનને મોકલી દીધી હતી. જયારે રાજયપાલ તરફથી નવા મંત્રીઓના શપથ વિધી યોજવા માટે મુખ્યમંત્રીને આમંત્રણ પણ મળી ગયુ છે. જે મુજબ આવતીકાલે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથ વિધી યોજાશે.
ભાજપના દિલ્હી દરબારમાંથી મળતી માહિતી મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે યથાવત રહેશે. હવે જે નવી કેબિનેટ રચાશે. તેમાં 27 જેટલા મંત્રીઓ રહેશે એટલે કે નવી કેબિનેટ જમ્બો કક્ષાની રહેશે. ભાજપના આંતરિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ , જૂની કેબિનેટના અંદાજિત 10થી 11 મંત્રીઓ પડતાં મૂકવામાં આવે તેવી સંભાવના છે. 4થી 5 મંત્રીઓને રિપીટ કરાય તેવી સંભાવના રહેલી છે. જયારે ભૌગોલિક સ્થિતિ , જ્ઞાતિના સમીકરણો ધ્યાને રાખીને નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળે તેવી સંભાવના રહેલી છે. ખાસ કરીને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ભાજપના ધારાસભ્યોને પણ તક મળ તેવી સંભાવના છે.
રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજીનામુ આપી દેનાર મંત્રીઓને આઠ દિવસની અંદર સરકારી બંગલા ખાલી કરી દેવા આદેશ કરાયો છે. તેવી જ રીતે સરાકરી કાર પણ જમા કરાવી દેવા કહેવાયુ છે. આજે રાત્રે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને ભાજપના કેન્દ્રિય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ પણ ગાંધીનગર આવી રહ્યાં છે. નડ્ડાની ઉપસ્થિતિમાં પણ નવી કેબિનેટ રચવા માટે મહત્વ પૂર્ણ ચર્ચા થશે, સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટાભાગના જૂના મંત્રીઓને બદલીને નવી ટીમ સાથે આગળ વધવાનો નિર્ણય લીધો હોય તેવા સંરેત મળી રહ્યાં છે.
આ નિર્ણય આગામી 2027માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને લેવાયો હોય તેમ લાગી રહ્યું છે. આવતીકાલે મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓનો શપથ વિધી યોજાયા બાદ તુરંત જ સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાશે, તે પછી એકાદ કલાકની અંદર મુખ્યમંત્રી દ્વારા નવા મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરાશે. નવી કેબિનેટમાં દક્ષિણ ગુજરાત , સૌરાષ્ટ્ર – કચ્છ, મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતને સમતુલિત સ્થાન મળે તેવા સ્પષ્ટ સંકેત મુખ્યમંત્રીની નજીકના સૂત્રોએ આપ્યા છે.