દેશમાં પહેલી વખત ગુજરાતમાં જ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના હાઈકમાન્ડે એક નવીન રાજકિય પ્રયોગ કર્યો છે, તેના જ ભાગરૂપે આખે આખી રૂપાણી સરકાર બદલી નાંખવામાં આવી અને પહેલી વખત અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી 1.17 લાખ મતોથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલ (દાદા)ને નવા સીએમ તરીકે પસંદ કરાયા છે. ખુદ સીએમ પટેલે જ કહ્યું છે કે ‘મને આનંદીબેન પટેલના આશીર્વાદ મળ્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હતા તે વખતે તેમણે મનપાની ચૂંટણીમાં નો-રિપીટ થીયરી આપનાવી હતી. છેવટે આ નો-રિપીટ થિયરી હવે ગુજરાતમાં ભાજપનું ઘર સરખુ કરવા માટે ઉપયોગમાં લેવાઈ છે.
હવે દાદા પોતે ભાજપના દિગ્ગજ નેતા આનંદીબેન પટેલ અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે બેલેન્સિંગ એકટ કરી રહ્યા છે. જો કે દાદાની કેબિનેટમાં જે મંત્રીઓ સમાવાયા છે, તે બધાં જ હાઈકમાન્ડની પસંદ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતને સાત જેટલા મંત્રીઓ પહેલી વખત મળ્યા છે તેના પગલે સી.આર. પાટીલનો હાથ ઊંચો રહ્યો છે. સોમવારથી ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં સરકાર ધમધમતી થશે, કારણ કે આજે તમામ મંત્રીઓ પીએમ મોદીના 71માં જન્મ દિને રાજ્યભરમાં જિલ્લાઓમાં કોરોના સામેના રસીકરણના અભિયાનમાં ભાગ લેવા પહોંચી ગયા હતા.
પીએમ મોદીની સ્ક્રીપ્ટ મુજબ ભાજપના રાષ્ટ્રીય સંગઠ્ઠન મહામંત્રી બી.એલ. સંતોષે ગુજરાત ભાજપમાં આખી સરકાર બદલી નાંખવાનું ઓપરેશન પાર પાડી દીધું છે. નવા 24 મંત્રીઓએ શપથ લીધા પછી ખાતાઓની વહેંચણી થઈ ત્યાં સુધી બી.એલ. સંતોષએ આખુ ઓપરેશન સરળતાથી સંભાળ્યું હતું.
ભાજપના કેન્દ્રિય મંત્રી અને સિનિયર પાર્ટી નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે નવા નેતૃત્વને તક આપવા માટે જ સરકારના તમામ મંત્રીઓને પડતા મૂકાયા છે. હવે તમામ પૂર્વ મંત્રીઓ આગામી વર્ષે ચૂંટણી હોવાથી સંગઠ્ઠનના કામે લાગી જશે.નવી સરકારમાં જ્ઞાતિના સમીકરણો જોતા 7 પાટીદાર અને 8 ઓબીસી મંત્રીઓ, એક જૈન, બે બ્રાહ્રણ, 1 ક્ષત્રિય, 4 એસટી, 2 એસસી મંત્રીઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને ભરૂચનો આ કેબિનેટમાં સમાવેશ કરાયો નથી, જેના પગલે ભરૂચ અંગે પાર્ટી નેતાગીરી વિચારણા કરી રહી છે.