‘બહુજન હિતાય’ ‘બહુજન સુખાય’, આકાશવાણી. ‘લાભવાણી’, ‘શુભ વાણી’- આકાશવાણી. આકાશવાણીનો મહિમા અપરંપાર છે. આકાશવાણીના તાજેતરમાં જૂન માસમાં 90 વર્ષ પૂરાં થયાં. રોજ વહેલી સવારે આકાશવાણી રેડિયોની કર્ણપ્રિય મીઠી મધુરી સિગ્નેચર ટ્યૂન વાગે છે ત્યારે સવાર સૂરીલી બની જાય છે. મને બરોબર યાદ છે. 1964ના વર્ષમાં રાજકપૂરની સંગમ ફિલ્મનાં સુપર હીટ ગીતો અને ‘દોસ્તી’ ફિલ્મનાં યાદગાર ગીતો રેડિયો પર ઘરે ઘરે વાગતાં હતાં ત્યારે એ જમાનામાં લાલગેટ વિસ્તારમાંથી એક દુકાનમાંથી ફિલિપ્સ કંપનીના રેડિયોની ખરીદી કરી હતી. એ રેડિયો આજે પણ મારા સુખદુ:ખનો 60 વર્ષથી જીવન સાથીદાર બની ગયો છે. ટી.વી.નાં દર્શન તો બહુ પાછળથી થયાં. ત્યારે રેડિયો એક માત્ર ફિલ્મરસિકો માટે મનોરંજનનું સાધન હતું.
દેશ દુનિયામાં બનતી ઘટનાઓના સમાચાર રોજ રેડિયો પર સાંભળવા મળતા. ક્રિકેટની કોમેન્ટ્રી પણ લોકો રેડિયો પર સાંભળતાં. નવી હિન્દી ફિલ્મોના દર રવિવારે 15 મિનિટના કાર્યક્રમ સાંભળવા મળતા. મુ. ભગવતીકુમાર શર્મા પણ રેડિયોના શોખીન હતા. તેઓ એમની સાથે એક નહીં બે રેડિયો રાખતા. વડા પ્રધાન મોદી દર મહિને પ્રસારિત થતા ‘મન કી બાતે’ દ્વારા ભારતના જનજનના મન સુધી પહોંચી ગયા છે. દેશભરમાં રેડિયોની અનેક લોકલ ચેનલ અસ્તિત્વમાં આવી ગઈ છે. જેના દ્વારા તેઓ આમજનતાનું મનોરંજન કરે છે. ‘ફૌજી ભાઈઓના મનોરંજન માટે હિન્દી ફિલ્મજગતના જાણીતા કલાકારો રેડિયો દ્વારા ગીતો પેશ કરીને પોતાની કેરિયરની વાતો કરે છે. હવે ફરી પાછો રેડિયો યુગ શરૂ થયો છે. આકાશવાણીને અભિનંદન.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.