હાલમાં જ આગની ઘટનાના અનુસંધાનમાં એક ન્યાયાધીશના ઘરેથી કરોડો રૂપિયા રોકડા પ્રાપ્ત થયા હતા, બાદ સુપ્રિમ કોર્ટે તમામ ન્યાયાધીશોને તેમની સંપત્તિ વેબસાઈટ પર જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. જેમાંથી 12 ટકા ન્યાયાધીશોએ પોતાની સંપત્તિ જાહેર કરી હતી. જનતાનો પ્રશ્ન એ છે કે માત્ર ન્યાયાધીશો જ શા માટે? તમામ ઉચ્ચ પદાધિકારીઓ જે જનહિતમાં કાર્ય કરે છે તે તમામ અધિકારીઓ તેમની સંપત્તિ જાહેર કરી પોતાની કાર્યનિષ્ઠા અને પ્રામાણિકતાનું ઉદાહરણ રજૂ કરવું જોઇએ, જેથી દેશની જનતાનો દેશની વ્યવસ્થા, પ્રણાલિકા અને સીસ્ટમ પર વિશ્વાસ અકબંધ રહે જે જરૂરી છે.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
દત્તક લેવામાં 80 ટકા દંપતીની પહેલી પસંદ દીકરી
વર્તમાન સમયમાં દીકરી એટલે ભારો એવી ભયંકર માનસિકતામાંથી આપણો સમાજ હવે બહાર આવી રહ્યાના અહેવાલો જણાવે છે. 2014-15થી લઇ 2023-24 સુધી દત્તક લેવાના બનાવોમાં દીકરા કરતાં દીકરીને પ્રથમ કરવામાં આવી છે. સમાજમાં પરિવર્તનનો સકારાત્મક પવન ફૂંકાવા લાગ્યો છે. નિ:સંતાન માતાપિતા દ્વારા દત્તક લેવામાં આવતાં બાળકોમાં દીકરીને દત્તક લેવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એ સારી નિશાની છે.
વિદેશમાં રહેતાં માતાપિતા પણ દેશમાં આવી દીકરીને જ દત્તક લઇ ભણાવી-ગણાવી પગભર કરવા તત્પર હોય છે. 2014 થી 2024 સુધીમાં 394 દીકરા અને 509 દીકરીઓને દત્તક લેવાના એક સર્વે દ્વારા જાણવા મળ્યું છે. નિ:સંતાન દંપતીઓનું ચોક્કસપણે માનવું છે કે દીકરા કરતાં દીકરી જ તેમને ઘડપણમાં સાથ આપશે. એક ફોન કરતાં જ દીકરી પિયરમાં આવી માતા-પિતાના દુ:ખમાં સહભાગી થશે. શહેર નહિ, ગ્રામ્ય વિસ્તારનાં દંપતીઓ પણ હવે સંતાન તરીકે દીકરી જ વધુ પસંદ કરે છે.
સુરત – રમીલા પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
