ગાંધીનગર : મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે અનેક દેશોમાં એરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ થતાં ફસાયેલા હજારો ભારતીયો જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓનો સમાવેશ થાય છે તેઓ વિદેશની ધરતી પર અટવાઈ ગયા છે. પરંતુ દુબઈ અને ઈઝરાયેલમાં રહેતા ગુજરાતીઓએ પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે હાલ તેઓ સુરક્ષિત છે અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરી રહ્યા છે.
“સાયરન વાગે તો તરત બંકરમાં જઈએ છીએ”
છેલ્લા બે વર્ષથી ઈઝરાયેલમાં વસવાટ કરતા પોરબંદરના યુવાને જણાવ્યું કે પરિસ્થિતિ તંગ છે, પરંતુ નિયંત્રણમાં છે. સાયરન વાગતા જ દરેક નાગરિકને બંકરમાં જવાની સૂચના આપવામાં આવે છે અને મોબાઈલ પર ઇમરજન્સી એલર્ટ મળતાં તરત જ સુરક્ષા પગલાં લેવાય છે. તેણે પરિવારજનોને ચિંતા ન કરવા અપીલ કરી અને કહ્યું કે સરકાર તથા સુરક્ષા દળો સંપૂર્ણ સજ્જ છે. “થોડી ચિંતા છે, પરંતુ હાલ અમે સંપૂર્ણ રીતે સુરક્ષિત છીએ,” એમ તેણે જણાવ્યું હતું.
દુબઈમાં 3000 જેટલા ગુજરાતી અટવાયા
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર અંદાજે 3000 જેટલા ગુજરાતી દુબઈ અને અબુધાબીમાં અટવાયા છે. યુદ્ધની પરિસ્થિતિ બાદ 1500થી વધુ મુસાફરોએ પોતાની બુકિંગ રદ કરી દીધી છે.પાલનપુરના આશરે 20 જેટલા યુવકો રોજગાર માટે દુબઈમાં છે. તેઓએ પરિવારજનોને વિશ્વાસ અપાવ્યો કે ત્યાં જીવન સામાન્ય રીતે ચાલુ છે. છતાં ભારતમાંથી આવતા યુદ્ધના સમાચારને કારણે માતા-પિતા ચિંતામાં મુકાયા છે અને સતત વીડિયો કોલ દ્વારા સંપર્કમાં છે.
સુરતનો પરિવાર અને મહેસાણાના વેપારીઓ ફસાયા
સુરતનો ઝરીવાલા પરિવાર દુબઈમાં ફ્લાઈટ રદ થતાં હોટલમાં રોકાવા મજબૂર બન્યો છે. મહેસાણાના ત્રણ વેપારીઓ – અલ્પેશ પટેલ, યોગેશ પટેલ અને પાર્થ પટેલ – પણ વ્યવસાયિક કામે ગયેલા અને હવે પરત ફરી શકતા નથી. તેમણે સરકારને અપીલ કરી છે કે વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરી સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવે.
ઓમાન, બહેરીન અને ઉમરા યાત્રીઓ પર અસર
ઓમાન પ્રવાસે ગયેલા અમદાવાદના 44 યાત્રિકો ફ્લાઈટ રદ થતાં ત્યાં જ રોકાયા છે. વડોદરાના 500થી વધુ લોકો ઉમરા યાત્રા દરમિયાન અટવાયા હોવાની માહિતી મળી છે. બહેરીનમાં રહેલા ગુજરાતીઓએ જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાં હુમલાના અહેવાલ છે, પરંતુ તેમના રહેણાંક વિસ્તારોમાં હાલ સ્થિતિ કાબૂમાં છે અને સ્થાનિક તંત્ર સાવચેત છે.

અમદાવાદ એરપોર્ટ પર અસર
મધ્ય પૂર્વના એરસ્પેસ બંધ થતાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અનેક ફ્લાઈટ્સ રદ અને વિલંબિત થઈ છે. ઇન્ડિગો, ઍર ઇન્ડિયા, ઍર ઇન્ડિયા એક્સપ્રેસ, સ્પાઈસજેટ અને ઇતિહાદ જેવી એરલાઇન્સે કેટલીક સેવાઓ સ્થગિત કરી છે.એરપોર્ટ પર મુસાફરો માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે અને મુસાફરોને ફ્લાઈટની હાલત તપાસ્યા બાદ જ એરપોર્ટ આવવાની સલાહ આપવામાં આવી છે.
સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે
કેન્દ્ર સરકાર અને વિદેશ સ્થિત ભારતીય દૂતાવાસો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જરૂર પડે તો વિશેષ ફ્લાઈટ અથવા અન્ય વિકલ્પો દ્વારા નાગરિકોને પરત લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રોએ આપી છે.યુદ્ધના માહોલ વચ્ચે પરિવારજનોમાં ચિંતા સ્વાભાવિક છે, પરંતુ વિદેશમાં રહેલા ગુજરાતીઓનો વિશ્વાસ છે કે પરિસ્થિતિ જલ્દી સામાન્ય બનશે અને તેઓ સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફરી શકશે.
યુદ્ધ વચ્ચે ફસાયેલા ગુજરાતીઓની સ્થિતિ
•1500થી વધુ મુસાફરોએ યાત્રા રદ કરી
- ઈઝરાયેલમાં સાયરન અને ઇમરજન્સી એલર્ટ સિસ્ટમ સક્રિય
ઓમાનમાં અમદાવાદના 44 યાત્રિકો ફ્લાઈટ રદ થતાં અટવાયા - વડોદરાના 500થી વધુ લોકો ઉમરાહ યાત્રા દરમિયાન વિદેશમાં રોકાયા
- અમદાવાદ એરપોર્ટ પરથી અનેક ફ્લાઈટ્સ રદ અથવા વિલંબિત
- એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક શરૂ, મુસાફરોને ફ્લાઈટ સ્ટેટસ ચકાસવાની અપીલ