Gujarat

વાણીવિલાસ ભારે પડ્યો, ગુજરાતના શિક્ષણમંત્રી વિરુદ્ધ વડાપ્રધાનને ફરિયાદ કરાઈ

અમદાવાદ: થોડા દિવસ પહેલા રાજકોટમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani) ગુજરાતનાં શિક્ષણની ખામીને લઈને વાત કરી હતી તેમાં તેઓએ જેમને ગુજરાતમાં શિક્ષણમાં ખામી લગતી હોય તેમણે બીજા રાજયમાં જતાં રહેવાનું નિવેદન કર્યું હતું. આ વાતથી વાલી મંડળે તેમના પર નારાજગી વ્યક્ત કરી છે. ઓલ ગુજરાત વાલી મંડળના (All Gujarat Wali Mandal) પ્રમુખ નરેશ શાહે આ અંગેની ફરિયાદ રાજ્યપાલ અને વડાપ્રધાનને કરી છે. ફરિયાદમાં (Complaint) નરેશ શાહે જણાવ્યું છે કે વાણી વિલાસ કરી સત્તાના મદમાં શિક્ષણને વેપાર બનવામાં આવી રહ્યો છે અને શૈક્ષણિક સંસ્થાના સંચાલકો સાથે સાઠગાંઠ રચવામાં આવી રહી છે. તેવામાં વાલી અને વિદ્યાર્થીઓને ગુજરાત છોડી જવાનું જાહેરમાં નિવેદન આપતા ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી સામે શિસ્ત ભંગના પગલા સાથે રાજીનામું લેવું જોઈએ.

રાજકોટમાં મહાનગરપાલિકની એક સ્કૂલના લોકાપર્ણ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે જેમને ગુજરાતના શિક્ષણમાં ખામી દેખાતી હોય તેઓ સર્ટિફિકેટ લઈને બીજા રાજ્યોમાં ચાલ્યા જાય. વધુમાં તેમને કહ્યું હતું કે જ્યાં મોટા થયા, ધંધો કર્યો અને હવે ત્યાનું જ શિક્ષણ નથી ગમતું. આવા લોકો સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ લઈને તેઓને જે દેશમાં જે રાજયમાં શિક્ષણ ગમતું હોય ત્યાં જતું રહેવું જોઈએ. આની પતિક્રિયા રૂપે ઓલ ગુજરાત વાલી મંડળે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, ચૂંટણી કમિશનર અને વિધાનસભા અધ્યક્ષને ફરિયાદ રજૂઆત કરી છે. વાલી અને વિદ્યાર્થીઓને ગુજરાત છોડી જવાનું જાહેરમાં નિવેદન આપતા ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણી સામે શિસ્ત ભંગના પગલા સાથે રાજીનામાની માંગ વાલી મંડળે કરી છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં પણ વાઘાણી સામે કાર્યવાહી શરૂ કરાવવાના ચક્રો ગતિમાન કરાયા છે.

વાલી મંડળે જિતુ વાઘાણીને ફરિયાદ કરતાં કહે છે કે ગુજરાત છોડી બીજે ચાલ્યા જવાનું કહેનાર તેઓ કોણ છે? પોતાને જનતાના સેવક ગણાવનાર માલિક કયારથી બની ગયા ? આ જનતા છે એક નહી પરંતુ હજાર વખત સવાલ પૂછશે અને દરેક વખતે તેમણે જવાબ આપવો પડશે. ઉપરાંત વાલીઓ તેમના પદ પર સવાલ ઉઠાવતા કહે છે કે ગુજરાતના શિક્ષણમંત્રી હોવાથી તેમને અહિયાંની શિક્ષણની સ્થિતિથી સારી રીતે વાકેફ હોવું જોઇએ અને જો ન હોય તો શિક્ષણમંત્રી જેવા પદે તેમને રહેવું જોઇએ નહીં. વાલીઓની પોતાની અડધાથી વધારે કમાણી બાળકોના શિક્ષણ પાછળ ફી, નોટ-બુકસ, ડ્રેસ, ટ્રાન્સપોર્ટેશનના નામે ખર્ચે છે. આવી લૂંટ ચાલી રહી હોવા છતાં તેઓ આત્મમુગ્ધ બનીને ગુજરાતના શિક્ષણને દેશમાં સર્વશ્રેષ્ઠ કેવી રીતે કહી શકે છે?

Most Popular

To Top