તાજેતરના એક સમાચાર સરકારી હોસ્પિટલ દર્દીઓનું જીવન જોખમમાં નાંખી રહી છે. સરકારી હોસ્પિટલોમાં છતોમાંથી પાણી લીકેજ થાય, તૂટેલી લીફટ, ઉંદરનો ત્રાસ વધવાથી ખતરો વધ્યો છે. આ ઉપરાંત વારંવાર વીજળી જવાથી લાઇફ સેવિંગ સિસ્ટમ તથા એમ્બ્યુલન્સ સેવા પણ બંધ કરી દેવી પડી છે. આ કારણથી પ્રસવ માટે મહિલાઓએ ખાનગી ટેક્ષીમાં ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર થવું પડે છે. દર્દીઓની સુરક્ષા ખતરામાં મુકાવાના કેસો ત્રણ ગણા વધી ચૂકયા છે. આ સમાચાર વાંચતાં જ આપણે સૌ ભારતના કોઇ પણ સરકારી હોસ્પિટલનું વર્ણન છે એવું જ માની લઇએ. સાચી વાત ને? પરંતુ ઉપરના સમાચાર ભારત નહીં, પરંતુ કહેવાતા ગ્રેટ બ્રિટન (ઇંગ્લેન્ડ)ની સરકારી હોસ્પિટલોની હાલની પરિસ્થિતિનું વર્ણન છે.
વર્ષોથી આપણા સૌના મગજમાં એવી જ છાપ તૈયાર કરવામાં આવી છે કે વિદેશનું હોય એટલે બધું સારું જ અને આપણા ભારતની કાયમ ટીકા જ કરવાની. એમાં ય આરોગ્ય સેવા માટે તો ખાસ. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતની સરકારી આરોગ્ય સેવામાં ઘણો જ બદલાવ, સુધારો આવ્યો છે. હા, થોડી ઊણપ હશે, પરંતુ એવરેજ દૃષ્ટિએ આપણી સરકારી આરોગ્ય સેવાઓ આરોગ્ય સંસ્થાઓ ઘણી જ શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી રહી છે. ભારત માટે છાશવારે દલીલો કરી ટીકા કરતા વિદેશીઓને તથા ભારતમાં રહીને વિદેશથી અંજાયેલા બુધ્ધિજીવી લોકોને એટલું જ કહીશ કે એક રાણીના પરિવાર પાછળ દર વર્ષે કરોડો પાઉન્ડ વેડફે છે. એના કરતાં એ રકમથી તમારી આરોગ્ય સંસ્થાઓ સુધારતા હોય તો!
નવસારી – જિજ્ઞેશ સી. પારેખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.