અમદાવાદ: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) મોદી સરનેમ (Modi Surname) કેસમાં સુરતની (Surat) કોર્ટે (Court) બે વર્ષની સજા ફટકારી હતી, જેના કારણે રાહુલ ગાંધીએ લોકસભા સભ્યપદ ગૂમાવ્યું પડ્યું હતું. જેને લઈને કોંગ્રેસ આક્રમ મૂડમાં આવી ગઈ હતી. જ્યારથી રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થયું છે ત્યારથી કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકરોએ હંગામો મચાવ્યો છે. સતત બીજા દિવસે પણ વિધાનસભામાં અદાણી અને મોદી વિરુદ્ધના સૂત્રાચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસનો વિરોધ દેશભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતમાં પણ કોંગ્રેસના ધારસભ્યો કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો અને પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો. ત્યારે ગૃહમાં હંગામો વધતા કોંગ્રેસના MLAને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે સત્રના અંત સુધી કોંગ્રેસના MLAને સસ્પેન્ડ કરવામાં આવે છે. શંકર ચૌધરીએ કહ્યું કે લોકસભામાં કરવામાં આવેલા નિર્ણયની ચર્ચા કે વિરોધ ગૃહમાં ન થઈ શકે.
વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કાર્યવાહી દરમિયાન કાળા કપડાં પહેરીને આવેલા ધારસભ્યો ઊભા થઈ ગયા હતા. પ્રશ્નોતરીનો સમય ન બગાડવા અધ્યક્ષે વિનંતી કરી હતી. છતાં પણ ધારસભ્યોએ પોસ્ટર દર્શાવી વિરોધ કર્યો હતો. ધારાસભ્યો વેલમાં બેસી ગયા હતા અને મોદી-અદાણી ભાઈ ભાઈના નારા લગાવ્યા હતા. જેના કારણે ગૃહની કાર્યવાહી થઈ શકી ન હતી. ત્યાર બાદ અધ્યક્ષ દ્વારા તમામ કોંગ્રેસના MLAને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
અધ્યક્ષે સત્રના અંત સુધી કોંગ્રેસના MLAને સસ્પેન્ડ કર્યા
તમને જણાવી દઈએ ઋષિકેશ પટેલની દરખાસ્ત અને એ દરખાસ્તને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને મળેલ ટેકા બાદ વિધાનસભા ગૃહમાં વિરોધ કરવા બદલ સત્રના અંત સુધી કોંગ્રેસના MLAને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ગૃહમાં કોંગ્રેસ વિરોધ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં સત્ર સુધી કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માંગ કરવામાં આવી છે અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ વાતને સમર્થન આપ્યો હતો. આ મુદ્દે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રશ્નોત્તરી કાળ સમગ્ર રાજ્યના પ્રશ્નો પર ચર્ચા થાય છે અને કોંગ્રેસના સભ્યોના પ્રશ્નો હતા. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા ન થવી જોઈએ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ પહેલા થી જ નક્કી કરીને આવ્યા હતા અને મોદી-અદાણીના સૂત્રોચાર કર્યા હતા, જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.