માણસ એક જિજ્ઞાસુ પ્રાણી છે અને તેની જાત જાતની જિજ્ઞાસાઓમાં એક મહત્વની, જૂની અને હજી સુધી જે સંતોષાઇ શકી નથી તેવી એક જિજ્ઞાસા એ રહી છે કે આપણી પૃથ્વી સિવાય અન્ય કોઇ ગ્રહ પર પણ જીવન છે કે કેમ? વૈજ્ઞાનિકો પોતાની રીતે આ બાબતે તપાસ અને સંશોધનો કરે છે અને સામાન્ય માણસો આ બાબતે જાત જાતની કલ્પનાઓમાં રાચે છે. ગત સદીથી એક શબ્દ આ સંદર્ભમાં ખૂબ પ્રચલિત થયો છે અને તે છે ઉડતી રકાબી. જેને બાદમાં વૈજ્ઞાનિક રીતે યુફો નામ આપવામાં આવ્યું.
આ ઉડતી રકાબી જેવા અવકાશયાનોમાં બીજા ગ્રહના લોકો પૃથ્વી પર આવે છે એવી ચર્ચાઓ સમયે સમયે થતી રહી છે અને ઘણા લોકોએ દાવા કર્યા છે કે તેમણે ઉડતી રકાબી જોઇ છે અને કેટલાકે તો પરગ્રહવાસીઓને નજરે જોયા હોવાના દાવા કર્યા છે, જો કે આમાંના કોઇ દાવા અંગે નક્કર પુરાવા મળી શક્યા નથી ત્યારે હવે હાલમાં અમેરિકાના એક ભૂતપૂર્વ વરિષ્ઠ ગુપ્તચર અધિકારીએ ધડાકો કર્યો છે કે યુફો અનેક વખત આકાશમાં દેખાઇ હોવાના મજબૂત પુરાવા અમેરિકા પાસે છે.જેને સામાન્ય લોકોની ભાષામાં ઉડતી રકાબી કહેવામાં આવે છે તે યુફો અનેક વખત આકાશમાં દેખાઇ હોવાનું મજબૂત પુરાવાઓ સાથે સુચવતો અહેવાલ અમેરિકા પાસે છે અને આ અહેવાલોની કેટલીક વિગતો બિનવર્ગીકૃત કરવામાં આવી છે એટલે તેને સામાન્ય જનતાની જાણ માટે જાહેર કરી શકાય છે એમ અમેરિકાના એક ભૂતપૂર્વ વરિષ્ઠ ગુપ્તચર અધિકારીએ જણાવ્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં જેઓ નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેકટર હતા તે જોહન રેટક્લિફે જણાવ્યું છે કે નૌકા દળ અને હવાઇ દળના પાયલોટોએ આકાશમાં અનેક વખત યુફો ઉડતા જોયા છે.
એવા કેટલાક બનાવો નોંધવામાં આવ્યા છે કે જ્યારે આવા યુફો કોઇ પણ સુપરસોનિક બૂમ વગર જ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યા હતા અને પાછા પણ ફરી ગયા હતા. જ્યારે કોઇ પદાર્થ કે વસ્તુ બાહ્ય અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં અવાજ કરતા વધુ ઝડપે પ્રવેશે છે ત્યારે એક મોટો ધડાકો થાય છે જેને સુપરસોનિક બૂમ કહેવામાં આવે છે. એવો દાવો થયો છે કે કેટલાક યુફો સુપરસોનિક બૂમ(ધડાકા જેવા અવાજ) વગર જ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જણાયા છે. આના પરથી એમ માનવામાં આવે છે કે અમુક પરગ્રહવાસીઓ પાસે એવી ટેકનોલોજી છે કે જેના કારણે તેઓ સરળતાથી કોઇ પણ સુપર સોનિક ધડાકા વિના પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી શકે છે અને પાછા પણ ફરી શકે છે.
તેમની પાસે એવી ટેકનોલોજી છે જે માણસો પાસે નથી અને આ ટેકનોલોજી વડે તેઓ પૃથ્વીના વાતાવરણમાં સહેલાઇથી પ્રવેશે છે અને કોઇને ખબર પણ નહીં પડે તે રીતે પાછા ફરી જઇ શકે છે. પરગ્રહવાસીઓ જે વાહનમાં બેસીને પૃથ્વી પર આવતા હોવાનું કહેવાય છે તેમને અત્યાર સુધીમાં સ્પષ્ટપણે કોઇએ જોયા નથી તેથી તેમને અનફાઉન્ડ ઓબજેક્ટ્સ (યુફો) એવું નામ આપવામાં આવ્યું છે. અમેરિકાના લશ્કરી પાયલોટોએ આવા કેટલાક યુફો જેવા દેખાતા સંદિગ્દ ઉડતા પદાર્થોની તસવીરો ખેંચી છે અને વીડિયો પણ ઉતાર્યા છે અને આ યુફોની ગતિવિધી જોઇને તેના પરથી અહેવાલો પણ તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી ડીક્લાસીફાઇડ કરવામાં આવેલ વિગતોને જાહેર જનતા માટે ખુલ્લી કરવા માટે ગયા વર્ષના ડીસેમ્બરમાં ૧૮૦ દિવસની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી અને તે મુજબ આ વિગતો પેન્ટાગોન અને ગુપ્તચર એજન્સીઓએ ૧ જૂન સુધીમાં જાહેર કરવી જોઇએ. આ વિગતો જાહેર કરવામાં આવે તે પ્રજાના હિતમાં છે એમ રેટક્લિફે કહ્યું હતું.
અમેરિકી સરકાર તેની પાસે આવી કોઇ વિગતો હોય તો તે જાહેર કરે છે કે નહીં? તે તો સમય જતાં ખબર પડશે, પરંતુ આ વિગતો જાહેર કરવા છતાં પણ એલિયન કહેવાતા પરગ્રહવાસીઓ ખરેખર છે કે કેમ? અને તેઓ પૃથ્વીની મુલાકાતે સમયે સમયે આવે છે કેમ? તેનું રહસ્ય ઉકેલાઇ જશે એવું નથી. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આ અતિ વિશાળ બ્રહ્માંડમાં કોઇક ને કોઇક સ્થળે તો આપણી પૃથ્વી જેવું વાતાવરણ ધરાવતો ગ્રહ કે ગ્રહો હોઇ શકે છે અને તેના પર કે તેમના પર જીવન ધબકતું હોઇ શકે છે.
આવા કોઇ ગ્રહ પર વસતા જીવો માણસ કરતા ઘણા બુદ્ધિશાળી અને વિજ્ઞાનમાં ઘણા આગળ વધેલા હોય અને તેઓ માણસ કરતા ઘણી આધુનિક ટેકનોલોજી ધરાવતા હોય તે પણ શક્ય છે એમ પણ આ વૈજ્ઞાનિકો માને છે. આવા જીવો સાથે સંપર્ક કરવા અવકાશમાં રેકર્ડ કરેલા સંદેશાઓ, સાંકેતિક ચિન્હો વગેરે પણ મોકલવામાં આવ્યા છે પરંતુ હજી સુધી તો આવા કોઇ જીવનો પ્રત્યક્ષ સંપર્ક થઇ શક્યો નથી અને ક્યારેય થઇ શકશે કે કેમ? તે એક પ્રશ્ન જ છે. આ પરગ્રહવાસીઓને લગતું રહસ્ય નહીં ઉકેલાય ત્યાં સુધી રોમાંચમાં અનેરો આનંદ માણનારાઓને તેમની વાતો આનંદ આપતી રહેશે તે પણ નક્કી છે!