Charchapatra

 ‘‘અલે બધે કા મારે’’

એક સમય એવો હતો કે ખેતરમાં કામ કરવા માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મજૂરો મળી રહેતાં હતાં અને ખેતીકામ સરળતા-ઝડપભેર થતું હતું- પરંતુ કોરોનાકાળ પછી કામ-ધંધા-વેપાર મંદ પડ્યો, આથી કેન્દ્ર સરકારે ગરીબ-સ્લમ વિસ્તારના રેશન કાર્ડધારકોને મફત અનાજ આપવાનું શરૂ કર્યું. જે યોજના આજે પણ ચાલે છે, એટલે ખેતીકામ માટે મજૂરો મળતાં નથી કેમકે સરકારે મફત અનાજ આપવાનું શરૂ કરતાં મજૂરો આળસુ બની ગયાં છે. કોઈ કામે આવવા તૈયાર નથી. ઘણાં મજૂરો તો સરકારે આપેલું મફત અનાજ વેચીને દારૂ પીએ છે. એવું જોયું છે.

આ લખનારને ત્યાં ખેતરે શેરડી રોપવાનું કામ શરૂ થયું તે બે-ચાર દિવસ ચાલ્યું. છેલ્લા-દિવસે કામ ઓછું હતું અને મજૂરો 10 બદલે 15 આવી પડ્યાં. આથી ખેડૂતે ગામિત બોલીમાં બોલી દીધું ‘‘અલે બધે કામારે’’ (એટલે- ગુજરાતી ભાષામાં કહેવાય આટલા બધા મજૂરો? આમ કામ ઓછું હતું અને મજૂરો વધારે હતાં. આથી આજે છેલ્લા-દિવસ છે, બધું કામ પતાવી દેજો. મજૂરો ગામિત જાતિનાં હતાં એટલે સમજાવ્યું ‘‘ઓલ્હો-બધો પુરો કઅયા’’ આમ મજૂરો ભલે આદિવાસી હોય પરંતુ ખેડૂત રોજ સાથે રહે એટલે ગામિત બોલી પણ સમજી શકે છે.
તરસાડા  – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સૂર્યાસ્તની સુંદરતા નિહાળો
આજકાલ નિરભ્ર આસમાની આકાશમાં સંધ્યા ટાણે પક્ષીઓ મીઠા કલરવ સાથે તેમના માળા ભણી (કોઇ પણ જાતનાં ગૂગલ મેપ વિના!) પહોંચી જાય છે અને સાથે તેનાં બચ્ચાઓ માટે થોડું ચણ પણ લેતાં જાય છે. સૂર્યના આથમતા ગુલાબી કિરણો સમગ્ર વાતાવરણને મનનીય બનાવી દે છે અને આવા માહોલમાં એક જાણીતા ગીતની કડી ચોક્કસ યાદ આવે. જબ દીપ ઢલે આના જબ શામ ઢલે આના, સંકેત મિલનકા ભૂલ ન જાના. બસ, ઘરની ડેક બાલ્કની, ધાબા અગાસી પર જઇ આ અલૌકિક દૃશ્ય નિહાળો, કુદરતે આપણને ખોબે ખોબે આવી સુંદર પ્રકૃતિ ભેટ આપી છે તો જરૂર લાભ લો અને પાનખરને પણ વસંત બનાવો.
સુરત     – દીપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top