હથોડા: કઠવાડા ગામની હદમાં બુટલેગર ધર્મેન્દ્ર વસાવા ઉર્ફે ધમાએ આઇસર ટેમ્પોમાં દારૂનો (Alcohol) જથ્થો મંગાવ્યો છે અને હાલ ટેમ્પોમાંથી (Tempo) દારૂ ઊતરી રહ્યો છે તેવી બાતમી કોસંબાના પી.આઈ. એચ.બી.ગોહિલને મળતાં ઘટના સ્થળે રેડ કરી હતી. જ્યાંથી રૂપિયા અઢી લાખનો ઇંગ્લિશ દારૂ અને આઇસર ટેમ્પો સહિત વાહનો મળી કુલ રૂ.33 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસને જોઈ ભાગી છૂટેલા બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઠાકોર વસાવા અને ફોરવીલ કાર લઈને દારૂનું પાયલોટિંગ કરનાર સુનીલ ભઈજી વસાવા (રહે.,કઠવાડા) તેમજ ટેમ્પોના અજાણ્યા ચાલકને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
અંકલેશ્વરની સાંઈલોક સોસાયટીમાંથી દારૂ ઝડપાયો
ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસના પીઆઇ આર.એચ.વાળા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે માહિતી મળી હતી કે, શહેર તાડ ફળિયામાં રહેતો શાહરૂખ નજીર પઠાણે ને.હા.નં.૪૮ ઉપર રાજપીપળા ચોકડી પાસે આવેલી સાંઇલોક રેસિડન્સીમાં ભાડેથી મકાન નં.બી-5માં મોટા પ્રમાણ ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. પોલીસે રેઇડ કરતાં મકાન બંધ હતું અને દરવાજાને લોક માર્યું હતું. પોલીસે મકાનનો લોક તોડી દરવાજો ખોલી તપાસ કરતાં રૂ.૧,૦૫,૬૦૦નો દારૂ કબજે કરી આરોપીને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરવાડી બ્રિજ પરથી ચોરીની બાઇક સાથે એક આરોપીની ધરપકડ
ભરૂચ: શહેર પોલીસે સુરવાડી બ્રિજ ઉપર વાહન ચેકિંગ હાથ ધરી એક વર્ષ પહેલાં ચોરી થયેલી બાઈક સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેરમાં બનતા મિલકત સંબંધિત ગુના અટકાવવા અને આરોપીઓને શોધી કાઢવા શહેર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સુરવાડી બ્રિજ પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન સુરવાડી ગામ તરફથી સ્પ્લેન્ડર-પ્રો બાઈક આવતાં પોલીસે તેને અટકાવવા ઈશારો કર્યો હતો. જે બાઇકની નંબર પ્લેટ નહીં હોવાથી પોલીસે બાઈકસવાર પાસે જરૂરી દસ્તાવેજો માંગતાં તેણે આનાકાની કરી હતી. પોલીસે સુરવાડી ગામના ટેકરી ફળિયામાં રહેતા દિનેશ નાનુ વસાવાને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં બાઈક ઓ.એન.જી.સી. દીવાલ બાજુમાંથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે 15 હજારની બાઈક કબજે કરી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.