ભરૂચ: ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે ભરૂચથી સુરત વચ્ચે ૪ ચેકપોસ્ટ કાર્યરત કરી હતી. જેથી કરી આર્થિક, સામાજિક અને નશાકીય ગુનાખોરી ઉપર અંકુશ લાવી શકાય. જો કે ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આર્થિક લાભ ખાતર ચરસ અને મોંઘીદાટ દારૂની બોટલો વેચતા સલમાન અને સોહેલને ઝડપી પાડ્યા છે.
શનિવારે સાંજે અંકલેશ્વર તરફથી ઇકો ગાડી લઈ ડ્રાઈવર સલમાન અને તેનો મિત્ર સોહેલ આવી રહ્યા હતા. તે સમયે ભરૂચ એસ.સો.જી.એ નર્મદા મૈયા બ્રિજના અંકલેશ્વર તરફના છેડે ગાડીને અટકાવી હતી. જેમાં સોહેલને ચેક કરતા ખિસ્સામાંથી ૩૭ ગ્રામ ચરસ કિંમત રૂપિયા 5050 તેમજ ઇકો ગાડીમાંથી બ્લેક ડોગ, વેટ ૬૯, બ્લેક એન્ડ વ્હાઇટ, બેલેન્ટાઇન, ગ્લેની બ્લેન્ડેડ સ્કોચ અને બિયરનું એક ટીન મળી રૂ.૧૩૪૮૦ની ૬ બોટલો મળી આવી હતી.
SOG એ ચરસ, દારૂ-બિયર, ૨ મોબાઈલ અને ઇકો ગાડી જપ્ત કરી કુલ રૂપિયા ૨.૧૮ લાખના મુદ્દામાલ સાથે ભરૂચની હુસેનિયા સોસાયટીમાં રહેતા સોહેલ હસનઅલી પટેલ અને વસીલા સોસાયટીમાં હલીમા પાર્કમાં રહેતા સલમાન લીયાકત ખીલજીની ધરપકડ કરી છે. બન્ને આરોપી સામે નાર્કોટિક્સ તેમજ પ્રોહીબિશન એક્ટ હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ મથકે બે ગુના નોંધી વધુ તપાસ એસ.ઓ.જી. ચલાવી રહી છે.
અંકલેશ્વરમાં બુટલેગરોનો નવો કીમિયો: હવે પાણીના જગમાં દેશી દારૂની સપ્લાય
અંકલેશ્વર: અંકલેશ્વરમાં પાઇપલાઇન બાદ ફિલ્ટર પાણીના જગમાં દેશી દારૂની હેરાફેરીનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે 3 બુટલેગરની આ મામલામાં ધરપકડ કરી છે.
અંકલેશ્વર પંથકના જીતાલી સેગપુર રોડ ઉપરથી રિક્ષા નં.(જીજે ૧૬ એટી ૫૬૯૩)માં કેટલાક બુટલેગરો પાણીના જગમાં દેશી દારૂની હેરાફેરી કરતા હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે જીતાલી રોડ પર બાતમીવાળી રિક્ષાને રોકી તેમાં રહેલા પાણીના જગમાં તપાસ કરતાં દેશી દારૂનો ૧૮ લીટરનો જથ્થો મળી આવ્યો હતો. રિક્ષામાં સવાર અને ચાલક બલરામસિંહ ચૌહાણ, અનિલ ઠાકોર, દિલીપ વળવી મળી ત્રણ ઈસમની અટકાયત કરી હતી. તો બીજી તરફ દેશી દારૂનો જથ્થો આપનારી મહિલા બુટલેગર કમળા વસાવાને વોન્ટેડ જાહેર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ અંકલેશ્વરમાં જ પાઇપલાઇન મારફતે દારૂ પહોંચાડવાનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે પોલીસની ઘોંસ વધતાં બુટલેગરો દારૂની હેરાફેરી માટે હવે અવનવા કીમિયા અપનાવી રહ્યા છે