ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં હોળી-ધુળેટી પર્વે અસામાજિક પ્રવૃત્તિઓ અને દેશી દારૂની (Alcohol) રેલમછેલ અટકાવવા જિલ્લા પોલીસ (Police) દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. અંકલેશ્વરના અમરતપુરા અને ભરૂચમાં (Bharuch) ત્રણ સ્થળોએ ધમધમતી દેશી દારૂની ૩૦મીની ફેક્ટરીનો નાશ કરાયો હતો.
ભરૂચ જિલ્લામાં હોળી પર્વ પહેલા જ ભરૂચ અને અમરતપુરા ગામની સીમમાં ધમધમતી ૩૦થી વધુ દેશી દારૂની ભઠ્ઠીઓનો નાશ કરી ૪૧થી વધુ બુટલેગરને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. આગામી હોળી-ધુળેટી તહેવારોમાં દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ SP ડો.લીના પાટીલ દ્વારા પ્રોહિબિશનની સ્પેશિયલ ડ્રાઈવની સૂચના આપવામાં આવી હતી. જેના આધારે ભરૂચ ટાઉન અને અંકલેશ્વરના અમરતપરા સહિત અમરાવતી ખાડીના કિનારે ધમધમતી દેશી દારૂની મીની ફેક્ટરીઓ સમાન ભઠ્ઠીઓ ઉપર પોલીસની અગલ અલગ ટીમોએ દરોડા પાડ્યા હતા.
દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર જેસીબી મશીન ફેરવી તોડી પાડવામાં આવી હતી અને ૬૮૧ લીટર દેશી દારૂ, ૨૭ હજારથી વધુ લીટર વોશનો જથ્થો તેમજ ૪ વાહન મળી કુલ રૂ.૪.૧૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમવતા ૪૧ બુટલેગરને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે ૧૧ જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે ભરૂચ ખાતે ડી.વાય.એસ.પી. એમ.એમ.ગાંગુલીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
અંત્રોલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ૩.૭૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
પલસાણા: સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે ગત ગુરુવારે બાતમીના આધારે અંત્રોલી ગામની સીમમાં ચલથાણથી નિયોલ ફાટક તરફ જતા કાચા રસ્તા પર રેઇડ કરી ૩.૭૪ લાખના વિદેશી દારૂ, બે કાર તેમજ એક મોબાઇલ મળી ૯.૮૪ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ૬ ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની પોલીસ ટીમ ગત ગુરુવારે પલસાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેમને બાતમી મળી હતી કે, કડોદરા પોલીસમથકની હદમાં પલસાણાના અંત્રોલી ગામની સીમમાં દેલવાડા માઇનોર કેનાલ ચલથાણથી નિયોલ ફાટક તરફ જતા કાચા રસ્તે કેનાલની પાસે વિદેશી દારૂનો જથ્થો આવ્યો છે. જે અન્ય ગાડીઓમાં ભરી તેનું કાર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પર જઇ રેઇડ કરતાં પોલીસને જોઇ તમામ લોકો પોતાનાં વાહનો મૂકી શેરડીનાં ખેતરોમાં ભાગી છૂટ્યા હતા. દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ કિંમત રૂ.૩૭૪૮૩૦ સહિત ઇકો કાર નં.(જીજે ૦૫ આરટી ૯૦૬૩), રીટઝ ગાડી નં.(જીજે ૦૫ સીએસ ૪૧૬૯) તેમજ સ્થળ પરથી બે મોબાઇલ મળી કુલ ૯૮૪૮૩૦ રૂપમયાનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કબજે કરી દારૂની કાર્ટિંગ કરી રહેલા ૬ અજાણ્યા ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.