SURAT

અલથાણમાં દારૂની મહેફિલઃ પોલીસ સાથે હાથાપાઈ કરનાર નબીરાને કેમ છોડી દેવાયો?

અલથાણની હોટલમાં દારૂની મહેફિલ માટે ભેગા થયેલા નબીરાઓ પર અલથાણ પોલીસે રેઈડ કરી ત્યારે એક નબીરાએ પોલીસ સાથે હાથાપાઈ કરી હતી. આશ્ચર્યજનક રીતે આ યુવકને મોડી રાતે છોડી દેવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં પોલીસની ભૂમિકા સામે પ્રશ્નો ઉઠ્યા છે.

ગઈકાલે તા. 16 ઓક્ટોબરની રાત્રે અલથાણ પોલીસને બાતમી મળી હતી કે કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટ પાસે બર્થ ડે પાર્ટીમાં ભેગા થયેલા યુવક-યુવતીઓ દારૂની મજા માણી રહ્યાં છે. તેથી પોલીસે દરોડા પાડ્યા હતા. જોકે, પોલીસ પહોંચે તે પહેલાં અનેક નબીરા ભાગી છૂટ્યા હતા.

દરમિયાન રેસ્ટોરન્ટની બહાર પાર્ક સિલ્વર કલરની કાર (GJ05RA4369)માં મુકેલા થર્મોકોલના બોક્સ અને એક લાલ કલરના બોક્સમાં મોટા પ્રમાણમાં વ્હીસ્કી, બિયરની બોટલ-ટીનનો જથ્થો મળી આવ્યો હતો.

પાર્ટી શરૂ થાય તે પહેલાં જ પોલીસની રેઈડ થતા અફરાતફરી મચી ગઈ હતી. દરમિયાન એક કારને રોકી પોલીસે અંદરથી યુવકને બહાર કાઢ્યો હતો ત્યારે યુવકે પીએસઆઈ સાથે હાથાપાઈ કરી હતી. આ ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

નબીરાએ પહેલાં વીડિયો બનાવનારને ધક્કો માર્યો ત્યાર બાદ પોલીસ સાથે મારામારી કરી હતી. હાથાપાઈ એટલી ઉગ્ર બની હતી કે કારમાં બેઠેલી બે મહિલા યુવકના બચાવમાં ઉતરી પડી હતી. દરમિયાન યુવકના પિતા સમીર શાહે પોલીસકર્મીને જવા દેવાનું કહી કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે ફોન પર વાત કરવા કહ્યું હતું. જોકે, પીએસઆઈએ વાત કરવાનું ટાળ્યું હતું.

છેલ્લે યુવકના પરિવારે પોલીસને એવું કહ્યું કે, બચ્ચા હૈ સર જવા દો. જોકે પીએસઆઈએ કહ્યું હતું કે તે 18 વર્ષનો છે. નાનો નથી.

જોકે, રસ્તા પર આટલી બધી બબાલ થઈ હોવા છતાં પોલીસે મોડી રાતે તે નબીરાને અટકાયતી કાર્યવાહી કરી છોડી દીધો હતો અને માત્ર મહેફિલમાં દારૂ સપ્લાય કરનાર સામે જ કેસ કર્યો હતો. આ ઘટનાએ અલથાણ પોલીસની ભૂમિકા સામે સવાલ ઉભા કર્યા છે.

વધુમાં ઘટનાના 12 કલાકથી વધુ સમય વીતી જવા છતાં હાથાપાઈ કરનાર યુવક કે તેના પિતા કોઈના બ્લડ સેમ્પલ લેવાયા નથી. પોલીસ સાથે ગેરવર્તન કરનાર સામે કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં પોલીસ મહેકમના મોરલને પણ ઠેસ પહોંચી છે.

દરમિયાન અલથાણ પોલીસ વિભાગના સૂત્રોએ કહ્યું કે, યુવકે માફી માંગી લેતા કાર્યવાહી કરાઈ નથી. મહેફિલમાં બિયરના ટીન લઈ આવેલા વ્રજ શાહ પર પ્રોહિબિશનનો કેસ દાખલ કરાયો છે.

સમીર શાહ કોણ છે?
જે યુવકે પોલીસ સાથે હાથાપાઈ કરી તે યુવકના પિતા સમીર શાહ હોવાનું જાણવા મળ્યું છે. કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા સમીર શાહ લાઈઝનિંગનું કામ કરતા હોવાની પણ ચર્ચા છે. અનેક વગદાર લોકો સાથે તેની ઓળખાણ છે. ભૂતકાળમાં વર્ષ 2012માં મારવાડી પરિવારની એક દારૂની મહેફિલના સેટિંગમાં પણ તેનું નામ ઉછળ્યું હતું.

Most Popular

To Top