Dakshin Gujarat

પારડીથી કારમાં સુરત લઇ જવાતા દારૂના જથ્થા સાથે 3 મહિલા ઝડપાઈ

પારડી: (Pardi) પારડી પોલીસની (Police) ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે રોહિણા ગામે વોચ ગોઠવી હતી. દમણથી વાપી, અંબાચ થઈ ધરમપુરથી સુરત તરફ જતી કારને (Car) પારડીના રોહિણા ગામે હાટબજાર પાસે પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા દારૂની (Alcohol) બોટલો તથા પાઉચ નંગ 411 જેની કિંમત રૂપિયા 63 હજાર ઝડપી પાડ્યો હતો. કારચાલક કનુ ચંપક પંચાલ, ત્રણ મહિલા જ્યોતિ હસમુખ રાણા, મીના મહેશ રાણા, નયના નવીન રાણા (તમામ રહે સુરત)ને પોલીસે ઝડપી પાડ્યા હતા. મોબાઈલ, કાર, દારૂના જથ્થા સહિત કુલ રૂ.1,13,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઓરિસ્સાથી અમદાવાદ કારમાં લઇ જવાતો ગાંજાનો જથ્થો ઝડપાયો
ઓરિસ્સાથી હાઇવે નં. 48 થઇ ગુજરાત અને રાજસ્થાન સુધી ગાંજાનો વેપાર પુરજોશમાં ચાલે છે. આ રૂટ પરથી જતા વાહનો માંથી છેલ્લા 5 વર્ષમાં રૂરલ પોલીસે 4 થી વધુ વખત અને ડુંગરી પોલીસે પણ અનેક વખત ગાંજો તેમજ ડ્રગ્સ પણ પકડી પાડ્યું હતુ. આવી જ રીતે આ રૂટ પરથી એક કારમાં ચોરખાના બનાવી તેમાં લઇ જવાતો ગાંજો વલસાડ રૂરલ પોલીસે પકડી પાડ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસે બાતમીના પગલે વલસાડ હાઇવે પર ચણવઇ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. એ સમયે ત્યાંથી પસાર થતી એક કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર ભગાવી દીધી હતી. જેના પગલે પોલીસે પીછો કરી આ કારને ધરમપુર ચોકડી પાસે અટકાવી હતી અને તેની ઝડતી લીધી હતી. ત્યારે પોલીસે કારમાં બનાવેલા ચોરખાનામાં સંતાડેલો અંદાજીત 100 કિલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. આ સાથે પોલીસે કાર ચાલક અને તેની સાથે સવાર શખ્સની અટકાયત કરી તેની પુછતાછ હાથ ધરી બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

નવસારી ભેસતખાડા માછીવાડમાં ઘરમાંથી દારૂ સાથે એક ઝડપાયો
નવસારી : નવસારી ભેસતખાડા માછીવાડમાં ઘરમાંથી 77 હજારના વિદેશી દારૂ સાથે નવસારી ટાઉન પોલીસે એકને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, નવસારી ભેસતખાડા માછીવાડ સ્કુલ ફળીયામાં રહેતા વિમલભાઈ રમેશભાઈ ઢીમ્મરે ભેસતખાડા માછીવાડ ખાતે રહેતા ઠાકોરભાઈ ઉર્ફે કાળુ રવજીભાઈ રાઠોડના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે. જે બાતમીના આધારે પોલીસે ઘરમાં રેઇડ કરતા 77,775 રૂપિયાની વિદેશી દારૂની 596 નંગ બાટલીઓ મળી આવતા ઠાકોરભાઈ ઉર્ફે કાળુ રવજીભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસે વિમલભાઈ ઢીમ્મરને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top