ખાનપુર : મહિસાગરના તલાટી કમ મંત્રી સહિતના 3 કર્મચારીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવાનો હુકમ ડીડીઓએ કર્યો હતો. જેમાં ગંધારી, ચાંપેલી-2નો સમાવેશ થાય છે. આ ત્રણેય કર્મચારીને લીવ રિઝર્વમાં મુકવાનો આદેશ કરવામાં આવ્યો છે. વિરપુર તાલુકાના ડેભારીના તલાટી-કમ-મંત્રી આર. એસ. ચૌહાણને પ્રતિબંધિત સામગ્રીનું સરકારી ફરજોના સમય દરમિયાન સેવન કરવા બદલ 2જી ફેબ્રુઆરી,22, ગંધારીના તલાટી કમ મંત્રી એમ.બી. પરમારને ફરજ પરના સમય દમરિયાન પ્રતિબંધિત સામગ્રીનું સેવન કરવા બદલ 22મી એપ્રિલ,22થી અને લુણાવાડાના ચાંપેલી-2ના અને ચારણ ગામ (સાં) સેજાનો વધારાનો હવાલો સંભાળતાં તલાટી – કમ મંત્રી એસ.એસ. માછીને ગ્રામ પંચાયતના લોકો પાસેથી કામના બદલામાં નાણાની માગણી કરવા બદલ 2જી મે,22થી ફરજ મોકુફી હેઠળનો સમાવેશ થાય છે.
આ તમામ સરકારી કર્મચારીઓને ફરજ મોકૂફીની સાથે લીવ રીઝર્વ તરીકે મૂકી દેવામાં આવ્યા છે. જેમાં આર. એસ. ચૌહાણને તાલુકા પંચાયત કચેરી, ખાનપુર, એમ. બી. પરમારને તાલુકા પંચાયત કચેરી, લુણાવાડા અને એસ.એસ.માછીને તાલુકા પંચાયત કચેરી, કડાણા ખાતે મૂકવામાં આવ્યા છે. આમ, જિલ્લા વિકાસ અધિકારી કે. ડી. લાખાણીએ સરકારી ફરજોમાં ગેરશિસ્ત અને ગેરવર્તણૂંક કરતા કર્મચારીઓ સામે લાલ આંખ કરી સખ્ત કાર્યવાહી કરી છે.
લુણાવાડાના ચારણ ગામના મહિલા તલાટી લાંચ માંગતા હોવાનો વિડીયો વાયરલ
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચારણ ગામ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી-કમ-મંત્રી સવિતાબેન માછી ચાપેલી ગ્રામ પંચાયત સહિત ચારણ ગ્રામ પંચાયત વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા છે. તલાટી સવિતાબેન માછી અરજદાર પાસે બોર મોટર કઢાવવા માટે 10 હજારની લાંચ માગતા વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. વીડિયોમાં એક તરફ અરજદારની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે આજીજી કરી રહ્યો છે કે, દસ હજાર રૂપિયાના હોય તો થોડા ઓછા કરો પરંતુ મહિલા તલાટી કહી રહ્યા છે કે, મારે તાલુકામાં પણ આપવા પડતા હોય છે. આ અંગે તાલુકા પંચાયતના અધિકારી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી વિડીયો બાબતે અહેવાલ રજૂ કરતાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા તલાટી સવિતાબેન માછીને સસ્પેન્ડ કરી કડાણા તાલુકામાં બદલી કરી દેવામાં આવી છે.