વર્તમાન કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણથી રામનો મહિમા ખૂબ વધાર્યો છે અને તેનો પ્રભાવ ફિલ્મોમાં પણ જોવા મળે છે. ‘આદિપુરુષ’ નામની ફિલ્મ ‘રામાયણ’ મહાકાવ્ય આધારિત છે જેમાં પ્રભાસ, સૈફઅલીખાન, ક્રિતીસેનોન વગેરે છે. કુણાલ કોહલી ‘રામયુગ’ બનાવી રહ્યા છે અને અક્ષયકુમાર અભિનીત ‘રામસેતુ’ તો રજૂ થવામાં છે. આ ત્રણે ત્રણે ફિલ્મના નિર્માતા વચ્ચે હોડ હતી કે કોણ પહેલી ફિલ્મ રજૂ કરે. સ્વભાવિક રીતે જ વિષય તો એકનો એક છે એટલે ભલે ખૂબ જૂદી રીતે બનાવો તોપણ લોકોને બાંધી રાખવા મુશ્કેલ હોય છે.
‘રામસેતુ’માં જો કે એવા પુરાતત્વવિદની વાત છે કે જે રામસેતુને શોધે છેઅને તેને બચાવે છે. ભારતમાં રામસેતુની ચર્ચા વર્ષોથી છે અને તે ડૂબી ગયેલી મનાતી સોનાની દ્વારિકા જેવી જ છે. અક્ષયકુમારની ફિલ્મ એકશન- એડવેન્ચર વાળી છે જેમાં નુસરત ભરુચા, જેકલીન ફર્નાન્ડિસ, નાસર, સત્યદેવ વગેરેની ભૂમિકા છે. અક્ષયકુમાર માટે આ ખૂબ મહત્વાકાંક્ષી ફિલ્મ ગણાવી શકાય. 2022માં તેની ‘બચ્ચન પાંડે’, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ‘રક્ષાબંધન’, ‘કટપૂતલી’ આવી અને ગઈ. ‘રામસેતુ’ સામી દિવાળીએ રજૂ થાય છે. એટલે તે ઘણી આશા રાખશે.
અભિષેક શર્મા કે જેણે ‘તેરે બીન લાદેન’, ‘શૌકીન’ ‘પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ’, ‘ધ ઝોયા ફેકટર’ અને ‘સુરજ પે મંગલ ભારી’નું દિગ્દર્શન કર્યું છે તેણે આ ફિલ્મનાં દિગ્દર્શન કરવા ઉપરાંત ચંદ્રપ્રકાશ દ્વિવેદી સાથે પટકથા પણ લખી છે. અક્ષયકુમાર આમ તો સફળ સ્ટાર ગણાય છે પણ હમણાં જેમ બીજાની તેમ તેની પણ ફિલ્મો નિષ્ફળજઇ રહી છે તેને પોતાને પણ આ વાતની ચિંતા છે. ‘રામસેતુ’ ચાલવી તેના માટે ખૂબ જરૂરી છે ને ફિલ્મ જગત માટે તો છે જ. અત્યારે દરેક ટોપના સ્ટાર પોતાની ફિલ્મો રજૂ કરતાં ડરે છે પણ અક્ષય અટકયો નથી.
બાકી તેણે ‘ઓએમજી-2’ પણ અટકાવી રાખી છે તેનો તો નિર્માતા પણ તે પોતે જ છે.આ ઉપરાંત બીજી સાતેક ફિલ્મો છે. ‘રામસેતુ’ સફળ જાય તો આ બધી ફિલ્મોના નિર્માતા શૂટિંગમાં આગળ વધશે. અક્ષયકુમારે આટલો ખરાબ સમય કયારેય જોયો નથી. તકલીફ એ છે કે જેને એકદમ ટોપના સ્ટાર ગણવામાં આવે છે એ બધા જ હવે 50-55 વચ્ચેનો છે. અક્ષય પણ ગયા મહિને જ પંચાવનનો થયો છે. એવું લાગે છે કે અત્યારનો સમય 50 ની ઉપરના બધા સ્ટાર્સ માટે કસોટીનો છે. નાના સ્ટાર્સને નિષ્ફળ જવાના જોખમ ઓછા છે. તેમની ફિલ્મો પાછળ કરોડોના રોકાણ નથી હોતા. અક્ષય જો કે નિયંત્રીત બજેટવાળી ફિલ્મોના સપોર્ટમાં રહે છે. તે ટોપ હીરોઇનની પણઆશા રાખતો હોતો નથી. નિર્માતા માટે તે કમ્ફર્ટેબલ રહે છે છતાં મૂળ વાત તો સફળતાની છે.
બાકી તે બધા પ્રકારની ભૂમિકા કરી ચુકયા છે. હમણાં તેની કોમેડી ફિલ્મ જો કે નથી આવી એટલે પ્રેક્ષકોને થોડુંક ખૂટતું લાગે છે પરંતુ સારી પટકથા અને દિગ્દર્શન હોય તો જ વાત બની શકે. આ વર્ષે રજૂ થયેલી તેની બધી જ ફિલ્મો વિષ્ય વૈવિધ્યવાળી હતી તો પણ વાત નથી બની. ખેર! તેણે એકલાએ અફસોસ કરવાનો નથી કારણ કે બધા જ સ્ટારની ફિલ્મો બોકસ ઓફિસ પર પછડાઈ છે. હા, લોકો તો પૂછશે કે પોતાને સકસેસફુલ માનતા હતા તો તમારું શું થયું? •