Columns

શુભ યોગ-સંયોગ સાથેની અક્ષય તૃતીયા

અક્ષય તૃતીયા, અક્ષત તૃતીયા અને અખાત્રીજના નામે પરિચિત વૈશાખ સુખ ત્રીજની તિથિ ખૂબ જ પવિત્ર મનાય છે. જેનો ક્ષય નથી એવી આ અક્ષય તૃતીયાની તિથિ માટે જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે ચંદ્ર અને નક્ષત્રોની ગતિ અનુસાર તિથિઓ બનતી હોય છે. ચંદ્રની કળાની વધઘટ થાય તે મુજબ તિથિઓ પણ ક્ષય અને વૃધ્ધિ થાય છે પણ વર્ષ દરમ્યાનની આ એકમાત્ર તિથિ એવી છે કે તેનો ક્ષય કે વૃધ્ધિ નથી થતી એટલે કે માંગલિક તિથિ ગણાય છે.

વસંત તૃતીયાથી ધરતીની પૂજા કરી ખેડૂતો નવી વાવણી કરતા હોય છે. અક્ષય તૃતીયાનો આખો દિવસ કોઇ પણ પ્રકારના શુભકાર્યો માટે ઉત્તમ મનાય છે. આ દિવસે ખૂબ લગ્નો આયોજીત હોય છે. આ સ્વયંસિધ્ધ મુહૂર્તોનો દિવસ હોવાથી પંચાંગ ખોલવું નથી પડતું. નવું ઘર લેવાનું હોય કે નવી ઓફિસ, ફેક્ટરી માટે વિચારતા હોય તો તેને માટેનો અતિ શુભ દિવસ મનાય છે. ગૃહપ્રવેશ, સોનાની ખરીદી, ભૂમિપૂજન કે વાહનોની ખરીદી માટે આ દિવસે મુહૂર્ત જોવાની જરૂર નથી પડતી.

આ વખતે 22મી એપ્રિલને શનિવારના રોજ અક્ષય તૃતીયાનું પર્વ છે. એક તહેવાર સ્વરૂપ મનાવાતા આ દિવસે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત ઉત્તરી રાજ્યના લોકો ઉપવાસ-એકટાણાં પણ કરે છે. આ શુભ દિવસે અનેક શુભયોગ બની રહ્યા હોવાથી અતિશુભ દિવસ બની રહેશે. આ દિવસે જે છ શુભયોગ બની રહ્યા છે તે વિગતે જોઇએ તો (1) ત્રિપુષ્કર યોગ : સવારે 5.49થી બીજા દિવસે 7.49 સુધીનો રહેશે. (2) આયુષ્માન યોગ: વહેલી પ્રભાતથી સવારે 9.26 સુધીનો રહેશે. (3) સૌભાગ્ય યોગ : આ દિવસે 9.36થી આખી રાતનો રહેશે.

(4) રવિ યોગ: આ દિવસની રાત્રિ 11.24થી બીજા દિવસે તા. 23ની સવારે 11.24 થી 23મીની સવારે 5.48 સુધીનો હશે. (5) સર્વાર્થ સિધ્ધિ યોગ : 22મીની રાત્રિ 11.24 થી 23મીની સવારે 5.48 સુધીનો હશે. (6) અમૃત સિધ્ધિ યોગ: 22મીની રાત્રિ 11.24થી બીજા દિવસે 23મીના સવારે 5.48 સુધીનો રહેશે. જો કે લગભગ ઘણા બધા યોગ અખાત્રીજની રાત્રિથી પ્રારંભ થતા હોવાથી પણ શુભ દિવસની મહત્તા ઘટી નથી જતી. આજના દિવસે દાનધર્મ, પૂજા, હવન-યજ્ઞાદિ જેવા શુભકાર્યો કરવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. સરિતાસ્નાનનું પણ અધિકાધિક મહત્ત્વ છે. પિતૃઓને તલ અને જલનું તર્પણ તથા પિંડદાન જેવા પુણ્ય કાર્યો માટે પણ આજનો દિવસ શ્રેષ્ઠ મનાય છે.

ભવિષ્યપુરાણ અનુસાર યુગાદિતિથિ ગણનાપાત્ર આ અક્ષયતૃતીયાના પર્વ પર સતયુગ અને કળિયુગનો પ્રારંભ થયો હોવાનું કહેવાય છે. આ શુભ દિવસની મહત્ત્વપૂર્ણ તવારીખને પણ જોઇએ તો વેદવ્યાસજી અને ગણેશજી દ્વારા લખાયેલ મહાગ્રંથ મહાભારતનો અને ગણેશજી દ્વારા લખાયેલ મહાગ્રંથ મહાભારતનો પ્રારંભ આ દિવસે કરાયેલો. ઉલ્લેખનીય છે કે વિશ્વના સૌથી મોટા આ દારૂણ મહાભારતના યુધ્ધનો અંત પણ આ દિવસે જ થયેલો. વૃંદાવનમાં બાંકેબીહારીજીના મંદિરમાં શ્રી વિગ્રહના ચરણદર્શન વર્ષમાં એક જ વાર અક્ષયતૃતીયાના દિવસે થાય છે.

આ દિવસે હયગ્રીવ અને પરશુરામની જયંતી ઉજવાય છે. હયગ્રીવ એ દેવ અને દાનવ એમ બે પ્રકારના અવતારના નામ છે. હયગ્રીવ એ પ્રજાપતિ કશ્યપ અને દનુનો દાનવપુત્ર હતો. જે કાલસેતુ, રંભ, શુમ્ભ, નિશુમ્ભ, વપ્રીચિતિ, દૈત્યરાજ અને નમુચિ નામના દૈત્યોના કુખ્યાત અને બળવાન દાનવ ભાઈ હતો. તેમણે આકરી તપશ્વર્યા કરી માતા પાર્વતાજીને પ્રસન્ન કરી અમર થવાનું વરદાન માંગેલું પણ દેવીએ એવું વરદાન આપવાની ના પાડતા તેમણે તેમના જ નામવાળી અને તેના જ સ્વરૂપવાળી વ્યક્તિથી જ તેનું મૃત્યુ થાય તેવું વરદાન માંગી લીધેલું.

તેના જેવું તો કોઇ ઘોડાના મુખવાળું હોય જ ના શકે એમ સમજી તેમણે ત્રણેય લોક પર કાળો કેર વર્તાવેલો ત્યારે શિવ-બ્રહ્માજીના આદેશાનુસાર ભગવાન વિષ્ણુએ ઘોડાના મુખવાળો હયગ્રીવ અવતાર ધારણ હયગ્રીવ દાનવ સાથે યુધ્ધ કરી તેનો વધ કરેલો. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા ભગવાન પરશુરામનો જન્મ પણ વિ.સં. 5148 પૂર્વે વૈશાખ સુદ ત્રીજના દિવસે થયેલો. બ્રાહ્મણોના આદ્યદેવ ગણાતા ભગવાન પરશુરામ જયંતી અક્ષય તૃતીયાના દિવસે આવતી હોય ભારતભરના ભૂદેવો આજે ભગવાન પરશુરામની પૂજા અર્ચના, હોમ-હવન સાથે શોભાયાત્રાઓનું આયોજન કરતા હોય છે. હયગ્રીવ અવતારનાં મંદિરો દક્ષિણ ભારતમાં આસામ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જોવા મળે છે તો ભગવાન પરશુરામના મંદિરો ભારતમાં દરેક પ્રાંતોમાં જોવા મળે છે.

અષાઢી બીજે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાના નવા રથ નિર્માણનો પ્રારંભ અખાત્રીજના દિવસથી થાય છે. તો બદ્રીનાથ મંદિરમાં છ મહિના બંધ રહેલા કપાટ અક્ષયતૃતીયાના દિવસોથી ખૂલે છે. જો કે કોઇ કારણવશાત આ વખતે 27 એપ્રિલે સવારે 7.10 કલાકે કપાટ લગભગ 8 મહિના ખુલ્લું રહેશે અને ઠંડીની મોસમમાં 21 નવેમ્બરે ફરી બંધ થશે. આ ઠંડીની મોસમ દરમ્યાન બદ્રીનાથજી જોષીમઠ ખાતે નૃસિંહમંદિરમાં વિશ્રામ કરે છે. નૃસિંહમંદિરમાં બદ્રીનાથજી પૂજારી અને સેવકો માટે રહેવાની વ્યવસ્થા છે. આઠમી કે નવની સદીની આસપાસ આદિગુરુ શંકરાચાર્યે શાલિગ્રામ પથ્થરમાંથી બનેલી ભગવાન વિષ્ણુની પ્રતિમા બદ્રીધામમાં પ્રસ્થાપિત કરી હતી. બદ્રીધામની આજુબાજુ યોગ-ધ્યાન બદ્રી, ભવિષ્ય બદ્રી, વૃધ્ધ બદ્રી અને આદિ બદ્રી નામના પાંચ મંદિરો છે. આ પાંચ મંદિરોના સમૂહને પંચબદ્રી કહે છે. બદ્રીનાથ જતા યાત્રિકો અવશ્ય પંચબદ્રીના દર્શન કરે છે.

અખાત્રીજના પર્વે વૈષ્ણવ મંદિરોમાં ઠાકોરજીને ઋતુ અનુસાર શ્વેત વસ્ત્રો ધારણ કરાવાય છે. શ્વેત પડદા અને ઠંડક પ્રસરાવતા ખસના પડદાઓ લગાવાય છે. ઠાકોરજીને ધરાવાતા ભોગમાં પણ શીતળ શરબતો, આઇસ્ક્રીમ, શીખંડનો સમાવેશ થતો હોય છે. અયોધ્યામાં પણ રામલલ્લાનું આજના દિવસે વિશેષ પૂજન કરાય છે. ઠંડક અર્પતા ગોપીચંદનનો લેપ કરાય છે. ધર્મ-પર્વ સમાન આ અખાત્રીજના દિવસનું જૈનધર્મમાં પણ અધિક મહત્ત્વ રહેલું છે. પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાને લગભગ 400 દિવસની કઠીન તપશ્વર્યા બાદ શેરડીનો રસ પીને પારણા કરેલ.

શેરડીના રસને ઇક્ષુરસ પણ કહે છે તેથી આજના દિવસે પારણા કર્યા હોવાથી ઇક્ષુ તૃતીયાથી પણ જૈન લોકો પર્વને મનાવે છે. જૈન ધર્માવલંબી લોકો 400 દિવસની તપસ્યાને વર્ષીતપ આરાધના કહે છે. જે  પ્રતિવર્ષ કારતક માસની વદ આઠમથી પ્રારંભ થઇ બીજા વર્ષના વૈશાખ માસની સુદ તૃતીયાના દિવસે પૂર્ણ થાય છે. આ સમયગાળો લગભગ 13 મહિના અને 10 દિવસનો હોય છે. વર્ષીતપ આરાધનાના ઉપવાસમાં શેરડીનો રસ પીને પારણા કરવાની જૈન ધર્મમાં એક પરંપરા છે. ઉપરાંત ગરીબોને, ભૂખ્યાઓને પણ શેરડીનો રસ પાઇને પુણ્ય કમાવાની પરંપરા બની ગઇ છે.

વિષ્ણુ પુરાણ, નારદપુરાણ, ભવિષ્યપુરાણ, પદ્મપુરાણ ઉપરાંત તૈતરીય ઉપનિષદમાં અક્ષયતૃતીયાના મહિમાનો ખૂબ વિગતે ઉલ્લેખ જોવા મળે છે. લક્ષ્મીનારાયણની પૂજા ઉપરાંત લક્ષ્મીજીના ભાઇ તરીકે જેનો ઉલ્લેખ થાય છે તેવા શંખની અને કુબેરની પૂજાનું પણ ખૂબ મહત્ત્વ છે. પરિસ્થિતિ મુજબ જો આ શુભ અવસરે સુવર્ણ ખરીદવા સક્ષમ ના હોવ તો પૂજા માટે શંખ જરૂર ખરીદી શકાય. શુભ ખરીદી પર ભગવાનની ખૂબ કૃપા બની રહે છે. લક્ષ્મીનારાયણની અધિક કૃપા મેળવવા શંકરાચાર્ય રચિત કનકધારા સ્ત્રોતનું પઠન કરવું જોઇએ. મહેનત પછી નાણાંભીડ રહેતી હોય તો આ દિવસે શ્રીયંત્રની સ્થાપના કરી વિદ્વાન બ્રાહ્મણ, પંડિતોની સલાહ અનુસાર પૂજા-વિધિ કરાવવી જોઇએ.

Most Popular

To Top