Business

અક્ષયકુમાર અને રણવીરને અલ્લૂ અર્જુને પાછળ રાખી દીધા!

અક્ષયકુમાર જ નહીં રણવીર સિંહ પણ અલ્લૂ અર્જુનની ‘પુષ્પા: ધ રાઇઝ’ થી પાછળ રહી ગયો છે. દક્ષિણની અને હૉલિવૂડની ફિલ્મે બૉલિવૂડને મોટો ઝાટકો આપી દીધો છે. અલ્લૂની ફિલ્મે અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ કરતાં વધુ કમાણી કરી છે. રણવીર સિંહની ‘83’ હજુ બીજા વીકએન્ડ પછી સદી (રૂ.100 કરોડ) કરી શકી નથી ત્યારે ‘પુષ્પા: ધ રાઇઝ’ રૂ.300 કરોડ કમાઇ ગઇ છે. તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી આવી શકશે કે હિન્દી ફિલ્મોની સ્ક્રીન સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો થાય છે ત્યારે દક્ષિણની આ ફિલ્મના સ્ક્રીન વધારવામાં આવી રહ્યાં છે. ‘પુષ્પા: ધ રાઇઝ’ ને  1401 સ્ક્રીન પર રજૂ કરવામાં આવી હતી.

તેમાં વધારો કરીને બીજા અઠવાડિયે 1500  અને ત્રીજા અઠવાડિયે 1600 સ્ક્રીન પર બતાવવામાં આવી રહી છે. દક્ષિણની આ પહેલી એવી ફિલ્મ બની છે જે ઝડપથી હિન્દી વર્ઝનમાં રૂ.50 કરોડ કમાઇ ચૂકી છે. અનેક અવરોધ વચ્ચે ફિલ્મએ દર્શકોનો પ્રેમ મેળવ્યો છે. કોરોના કાળમાં કદાચ પહેલી એવી ફિલ્મ છે જેને જોવા દર્શકો ઉત્સાહથી થિયેટરોમાં ઉમટી રહ્યાં છે. ‘83’ ને રજાઓમાં રજૂ કરવામાં આવી હતી એવો કોઇ લાભ ‘પુષ્પા’ ને મળ્યો નથી. તેની સ્પર્ધા ‘83’ ઉપરાંત હૉલિવૂડની ‘સ્પાઇડર મેન’ સાથે હતી. ‘સ્પાઇડર મેન’ રૂ.202 કરોડની કમાણી કરી ચૂકી છે. ‘પુષ્પા’ એ કોઇપણ વિશેષ પ્રમોશન વગર હિન્દી ફિલ્મોથી ઘણા ઓછા સ્ક્રીન પર રજૂ થઇને મોટા રેકોર્ડ બનાવી દીધા છે.

શાહિદ કપૂરની ‘જર્સી’ અને રાજામૌલીની ‘RRR’ ની રજૂઆત અટકાવી દેવામાં આવી છે ત્યારે ‘પુષ્પા’ વધુને વધુ કમાણી કરી રહી છે. ‘RRR’  ને 7 જાન્યુઆરીએ રજૂ કરવાની જાહેરાત થઇ હતી. તેના પ્રચારમાં પાણીની જેમ પૈસો ખર્ચવામાં આવ્યો હતો. ફિલ્મના બે મુખ્ય અભિનેતાઓ જૂનિયર એનટીઆર અને રામચરણના ચાહકો આંધ્રપ્રદેશની બહાર ઓછા હોવાથી મુંબઇ અને અન્ય શહેરોમાં અત્યાર સુધીમાં પ્રચાર પર રૂ.20 કરોડનો ખર્ચ થઇ ગયો છે. રાજામૌલીની ઇચ્છા એને રજૂ કરવાની હતી પરંતુ કોરોનાએ ખેલ બગાડી દીધો. દક્ષિણના પ્રભાસ સાથેની ‘બાહુબલી’ એ આખા ભારતમાં સારી કમાણી કરી હતી પરંતુ પછી ‘સાહો’ એવો કમાલ કરી શકી ન હતી. એટલે રાજામૌલીને દક્ષિણના કલાકારોની આ મોંઘી ફિલ્મ માટે વધારે પ્રચારની જરૂર પડી છે. જોરદાર પ્રચાર પછી પણ રણવીર સિંહની ‘83’ અપેક્ષાથી અડધી જ કમાણી કરી શકી છે.

2021 ના વર્ષમાં કોરોનાને કારણે ઓછી ફિલ્મો રજૂ થઇ શકી હતી એટલે ‘થોડી ખુશી જ્યાદા ગમ’ જેવી જ સ્થિતિ બૉલિવૂડ માટે રહી છે. અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ ઠીક કહી શકાય એવી કમાણી કરી ગઇ હતી. તેની ‘અતરંગી રે’ ને OTT પર રજૂ કરવાનો નિર્ણય યોગ્ય જ રહ્યો છે. એમાં મુખ્ય હીરો તરીકે ધનુષ અને હજુ અભિનેત્રી તરીકે સંઘર્ષ કરતી સારા અલી ખાન હોવાથી દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવાનું શક્ય ન હતું. OTT પર ફિલ્મને વધુ દર્શકો મળ્યા છે પરંતુ સમીક્ષકોએ તેને એક નબળી ફિલ્મ ગણાવી છે. માનસિક સ્વાસ્થ્યના મુદ્દાને કારણે ચર્ચામાં રહેલી ‘અતરંગી રે’ માં કલાકારોનો સારો અભિનય હોવા છતાં નામ પ્રમાણે અતરંગી પ્રેમ ત્રિકોણમાં પરંપરાગત વિષય ન હોવાથી દર્શકોને એટલી પસંદ આવી નથી. નિર્દેશક આનંદ એલ.રાય દર વખતે નવી વાર્તા સાથે જોખમ ઉઠાવતા આવ્યા છે. આ વખતે સ્થિતિ એમની ‘ઝીરો’ જેવી જ થઇ છે.

વિષયમાં નવીનતા હોવા છતાં વાસ્તવિક્તા દેખાતી નથી. કેટલાક દ્રશ્યો ગંભીર લાગવા જોઇએ એના બદલે મજાક કરી હોય એવું લાગે છે. સશક્ત વિષય હોવા છતાં ઇમોશન બનાવટી લાગે છે. ફિલ્મના સંવાદ ઉપર પણ કોઇ મહેનત થઇ નથી કે તાળીઓ મળે. જો ક્લાઇમેક્સ સારો ના હોત તો ફિલ્મની વાર્તા સામાન્ય બનીને રહી ગઇ હોત. સારાએ ઓવર એક્ટિંગ કરી હોય એવું સ્પષ્ટ લાગે છે. અભિનય અને લેખનની નબળાઇને કારણે તેનું પાત્ર દર્શકોના દિલમાં જગ્યા બનાવી શકતું નથી. જ્યારે ધનુષનું પાત્ર એટલું દમદાર ન હોવા છતાં અભિનયને કારણે દર્શકોને ગમે છે. કેમકે તેની ભૂમિકા તેના વ્યક્તિત્વ જેવી જ છે. ‘રાંઝણા’ પછી તે ફરી પ્રભાવિત કરી જાય છે. તે અભિનય માટે કોઇ પ્રયત્ન કરતો નથી. આપોઆપ જ કામ કરતો લાગે છે. અક્ષયકુમારની નાની ભૂમિકા હોવા છતાં આખી ફિલ્મનો આધાર છે. તે દર્શકોના ચહેરા પર હાસ્ય લાવી શકયો છે. એ.આર. રહેમાનના ગીતો ઓછા લોકપ્રિય થયા છે પરંતુ એમનું બેકગ્રાઉન્ડ સંગીત ફિલ્મમાં રાહત આપે છે.  

Most Popular

To Top