ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે 20 ફેબ્રુઆરીથી ભારતીય ટીમના અભિયાનની શરૂઆત થઈ છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં તેનો પહેલો મુકાબલો બાંગ્લાદેશ સામે રમી રહી છે. આ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
આ મેચમાં બાંગ્લાદેશી ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી છે. બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી છે. બાંગ્લાદેશે માત્ર 35 રનમાં 5 વિકેટ ગુમાવી છે. અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ છે. શમીએ 2, અક્ષરે 2 અને હર્ષિત રાણાએ 1 વિકેટ ઝડપી છે.
રોહિતે કેચ છોડતા અક્ષર હેટ્રિક ચૂક્યો
આજે બાંગ્લાદેશ સામેની મેચમાં અક્ષ પટેલ તેની પહેલી જ ઓવરમાં હેટ્રિક ચૂક્યો હતો. અક્ષરે બીજી અને ત્રીજી બોલમાં વિકેટ લીધી હતી. તે હેટ્રિક બોલ પર પણ વિકેટની નજીક પહોંચ્યો હતો. અક્ષરની બોલમાં જેકર અલીએ સ્લીપમાં કેચ આપ્યો હતો, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ સરળ કેચ છોડી દેતા અક્ષર પટેલ હેટ્રિક ચૂક્યો હતો.
આ મેચ માટે ભારતીય ટીમના પ્લેઇંગ 11માં થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. રવિન્દ્ર જાડેજા પાછો ફર્યો છે. જ્યારે ઋષભ પંતને ફરી એકવાર નિરાશ થવું પડ્યું છે.
મેચમાં ભારતનો પ્લેઇંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, હર્ષિત રાણા.
બાંગ્લાદેશ પ્લેઇંગ-11: તંજીદ હસન, સૌમ્ય સરકાર, નજમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હૃદયોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), ઝકાર અલી, મેહદી હસન મિરાઝ, રિશાદ હુસૈન, તસ્કિન અહેમદ, તંઝીમ હસન, મુસ્તફિઝુર રહેમાન
