અર્જુને ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હતો કે બ્રહ્મ શું છે? અનેક વાર ભગવાન પાસે સાંભળવા છતાં હવે અર્જુનને પકડાયું કે આ એવું કયું તત્ત્વ છે કે જેની વાત શ્રીકૃષ્ણ વારંવાર કરી રહ્યા છે. આ જિજ્ઞાસામાંથી જ અર્જુને આ કાલાતીત પ્રશ્ન પૂછ્યો છે. આ અંકમાં ભગવાન તેના પ્રશ્નનું સમાધાન આપે છે તેને સમજીએ. પોતાની ઇચ્છા અનુસાર પદાર્થો મળવાથી માનવ રાજી થાય? તે પણ અનેક સમયથી સાંભળવામાં આવેલી વાતની કામના હોય અને મનગમતા, યોગ્ય વ્યક્તિ પાસેથી એ મનોવાંછિત ફળ મળે તો!? હા, કેમ નહીં જરૂર. પ્રત્યેક માનવમનનો મયૂર આવી અભિલાષા પૂર્ણ થતા ‘તાતા થૈંયા’ કરવા જ માંડે. એવી જ પરિસ્થિતિ અર્જુન સાથે સર્જાય છે.
ગત અંકમાં આપણે ભગવદગીતાના આરંભના શ્લોકોને માણ્યા. જયારે અર્જુને ભગવાનને બ્રહ્મ વિષે પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન ઉત્તરમાં કહે છે કે,
अक्षरंब्रह्मपरमंस्वभावोध्यात्ममुच्यते।
भूतभावोद्भवकरोविसर्गःकर्मसंज्ञितः।।(8/3)
અર્થાત “જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ અનાદિ પાંચ તત્વો પૈકી સર્વશ્રેષ્ઠ પરબ્રહ્મ થકી ન્યૂન અને અન્ય થકી પરમ(પર) એ અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મનો ભાવ એ જ ‘સ્વભાવ’ છે અને પ્રાણીમાત્રના જન્મનું કારણ તથા યજ્ઞાદિ ક્રિયા એ ‘કર્મ’ છે. ભગવદગીતાના બીજા અધ્યાયથી માંડી સાતમા અધ્યાય સુધી ‘બ્રહ્મ’ શબ્દ અર્જુનના કાને જ નહીં, પરંતુ વારે વારે સાંભળવાથી હવે તો જાણે મનમાં પણ ગુંજવા લાગ્યો છે. તેથી જ અનેકવાર સાંભળ્યા બાદ પણ હવે યથાર્થ જાણવા માટે અર્જુન બ્રહ્મની જીજ્ઞાસા કરે છે. ખરેખર, આ શ્લોક એ અર્જુનની જિજ્ઞાસાને શમાવનાર જ્ઞાનૌષધિ સમાન છે.
આ શ્લોકમાં જાણવા યોગ્ય ત્રિપુટી દર્શાવવામાં આવી છે. જેમાં ‘સ્વભાવ’ નો અર્થ બ્રહ્મભાવ તથા ‘કર્મ’ એટલે ‘સંસૃતિનું કારણ’ એવો વિશેષ અર્થ જોવા મળે છે. ગુહ્ય રીતે અહીં “પ્રથમ અક્ષર બ્રહ્મને યથાર્થ જાણવામાં આવે તો બ્રહ્મરૂપ થવાય અને તો જ કર્મના પાશ નષ્ટ થાય એટલે કે સંસૃતિ સમાપ્ત થાય.” એવો અર્થ છે. માટે ખરેખર, માનવજીવન એ સ્વભાવ(વાસના)થી સ્વભાવ(નિર્વાસનિક બ્રાહ્મી સ્થિતિ) સુધીની પ્રત્યેક મુમુક્ષુએ સાધનીય એક અનિવાર્ય અધ્યાત્મ યાત્રા છે.
વળી, જોડાક્ષર રૂપે ‘બ્ ર્ હ્ મ્ અ’ થી બનનારો ‘બ્રહ્મ’ શબ્દ અનુક્રમે બનાવનાર(કર્તા), રક્ષક(પાલક),હરનાર તથા મોક્ષદાતા એવો અર્થ કરે છે. જે સમગ્ર ભારતીય વૈદિક શાસ્ત્રમાં ઉદ્ઘોષિત છે. જેમ અનેક તારાઓ વચ્ચે ચંદ્ર વધુ ઝળહળે છે તેમ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર તથા ગીતાના અનેક તારાઓની જેમ ચમકનારા શબ્દો વચ્ચે ‘બ્રહ્મ’ શબ્દ સર્વદા ચંદ્ર જેમ દેદીપ્યમાન છે. ‘બૃહદારણ્યક’ ઉપનિષદમાં ઋષિવર યાજ્ઞવલ્ક્ય ‘બ્રહ્મ’ શબ્દનો મહિમા કહે છે કે,“હે ગાર્ગી! અક્ષર બ્રહ્મના પ્રશાસનથી જ સૂર્ય, ચંદ્ર, નિમેષ,મુહૂર્ત, દિવસ-રાત, ઋતુ,દિશા, નદી બધુ જ યથાર્થ ચાલે છે. જે પ્રત્યક્ષ બ્રહ્મને જાણે છે. તે આત્યંતિક કલ્યાણને પામે છે.”
તો ‘મુંડક’ ઉપનિષદ કહે છે કે “બ્રહ્મને જાણનાર બ્રહ્મરૂપ થાય છે.” અને તેથી જ વેદવ્યાસજી રચિત‘બ્રહ્મસૂત્ર’ કહે છે કે ‘એ બ્રહ્મની જિજ્ઞાસા કરવી.’ અર્થાત બ્રહ્મની જિજ્ઞાસા કરીને સકલશાસ્ત્રો આપણને કલ્યાણનો પથપ્રશસ્ત કરી આપે છે. એ જ વાત ભગવાન કૃષ્ણ આ શ્લોકમાં અર્જુનને કરી રહ્યા છે. શાસ્ત્રોમાં આવી અધ્યાત્મ સંબંધી મોક્ષની પ્રધાનતા હોવાના કારણે જ ભારત દેશનો મહિમા ગાતા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે,‘મોક્ષનું સાધન તે તો એક ભરત ખંડમાં જ થાય છે. તે હેતુ માટે આ ભારતખંડને તુલ્ય ચૌદ લોકના વિશે બીજું કોઈ ઠેકાણું નથી.’
અને આવો મોક્ષ એ માત્ર અક્ષર બ્રહ્મને પામીને જ શક્ય બને છે. માટે અક્ષર બ્રહ્મના મહિમા માટે ગીતામાં કહેવાયું છે કે,
नतद्भासयतेसूर्योनशशाङ्कोनपावकः।
यद्गत्वाननिवर्तन्तेतद्धामपरमंमम।। (15/6)
“જ્યાં સૂર્ય તથા ચંદ્રનો પ્રકાશ પણ પહોંચી શકતો નથી. અને જેને પામીને કદાપિ ફરીથી સંસારમાં આવવું પડતું નથી તે મારું અક્ષરધામ છે.” આ માટે સાધનીય સાધનાને સાતમા અધ્યાયમાં સરળતાથી સમજાવતાં કહ્યું છે કે,
जरामरणमोक्षायमामाश्रित्ययतन्तिये।
तेब्रह्मतद्विदुःकृत्स्नमध्यात्मंकर्मचाखिलम्।।(7/28)
અર્થાત, “ ભવ બંધનથી છૂટવા જે પ્રત્યક્ષ રીતે મારો દૃઢ આશરો કરે છે તે જ બ્રહ્મને તથા અધ્યાત્મ અને કર્મને યથાર્થ રીતે જાણી શકે છે. ”
વસ્તુત: પ્રત્યક્ષ બ્રહ્મસ્વરૂપ ગુરુનો આશ્રય કરીને આ ત્રણેને એટલે કે બ્રહ્મને તથા અધ્યાત્મ અને કર્મને યથાર્થ જાણી શકાય છે.