હમણાં થોડા વખત પહેલાં મિત્રને મળવા મારે વલ્લભવિદ્યાનગર જવાનું થયું. પહેલી વાર જતો હોવાથી મનમાં ઘણી અપેક્ષા આ શિક્ષણનું હબ ગણાતા નગર વિશે હતી. અહીં મંદિરો ઓછાં અને હોસ્ટેલ વધારે હતી. લગભગ બધી જ ફેકલ્ટીની કોલેજો હતી અને વિશ્વવિખ્યાત યુનિ.પણ ખરી જ.આ નગરમાં એવા ત્રણ ચાર જ ટ્રાફિક પોઈન્ટ હતા. જ્યાં ચાર રસ્તા ક્રોસ થતા હોય. મેં તો એક જ પોઈન્ટ જોયો હતો પણ ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ નજરે ના પડતાં મેં મિત્રને પૂછયું કે બીજે ભીડ તો જોઈ પણ ક્યાંય પોલીસ ન જોવામાં આવ્યા. ત્યારે મને મિત્રે સલાહ આપી કે રસ્તાઓ જોઈ લે પછી વાત. તો ત્યાં બધે જ ચાર રસ્તા પર આખલા અડીંગો જમાવીને બેઠા હતા. સામસામી દિશામાંથી બે કાર આવી અને ઊભી રહી. આટલો વખત સુરતની જેમ કોઈએ હોર્ન ના માર્યા. એક બે મોપેડ પસાર થયા પછી જ કારચાલકોએ ગાડી સ્ટાર્ટ કરી. આટલો વખત સ્થિતપ્રજ્ઞ થઈ આખલો ઘાસનો પૂળો વાગળતો રહ્યો. કોઈને ઉતાવળ નહોતી કે કોઈએ આખલાને હટાવવા ડચકારો સુદ્ધાં ના કર્યો. મેં બહારથી આવીને મિત્રને સામેથી જ કહી દીધું કે અહીં ટ્રાફિક પોલીસની જરૂર જ નથી. આખલાની અદ્ભુત ટ્રાફિક સેવા સામે પોલીસની જરૂર ખરી?
સુરત – પ્રભાકર ધોળકિયા
કઠોર ગામને પ્રાથમિક સુવિધા કયારે?
સુરત જિલ્લા તાલુકા કામરેજ (હાલ અબ્રામા)નું ગાયકવાડી ગામ વિસ્તાર-વસ્તીના આધારે મોટામાં મોટું ગામમાં પંચાયત શાસનમાં જાહેર શૌચાલય પોલીસ ચોકી અને બસ સ્ટેન્ડ પાસે મેઇન બજારમાં લોક સુવિધા માટે વપરાશ માટે હતું. ત્યારબાદ હદ વિસ્તરણને લઇ ગામ મહાનગરપાલિકા હસ્તકમાં આવતાં નવીનીકરણના હેતુથી શૌચાલયને જમીનદોસ્ત કરી પરંતુ આજદિન સુધી 1 વર્ષમાં સમયગાળો વિતવા હોવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવેલ છે, જેને કારણે બહારગામથી આવતાં લોકો તેમ જ સ્થાનિક બજારના વેપારી વર્ગને ઘણી જ તકલીફ પડતી હોય છે. ગામના અગ્રણી અને સંનિષ્ઠ સામાજિક કાર્યકર જયેશભાઈ પટેલે તેમજ સ્થાનિક વેપારી મહાજને સ્થાનિક કક્ષાએ તેમજ જોન ઓફિસ તેમજ અન્ય જે તે ખાતાને લેખિત તેમજ મૌખિક (ટેલિફોનિક) વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી નવીનીકરણનું કાર્ય થયેલ નથી. જેને કારણે પ્રજા સુવિધાને અભાવે ખાસ કરીને મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તંત્ર માટે શરમજનક ગણી શકાય! ચૂંટાયેલા કોર્પોરેટરો પણ પ્રજાની સમસ્યામાં કોઇ જ રસ દાખવતા ન હોય તંત્ર કયારે સુવિધા આપી મુશ્કેલીમાં રાહત આપશે તે જોવું રહ્યું.
કઠોર – નવીનચંદ્ર બી.મોદી