અજરાઇ આશ્રમશાળામાં સેવાની ધૂણી ધખાવનારા ભગુભાઈની સેવાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવી

હળપતિઓનાં બાળકોને શિક્ષણ મળે એ હેતુથી શરૂ થયેલી અજરાઈ આશ્રમશાળાના કેન્દ્રસમા રહેલા ભગુભાઈ દરજી છેલ્લા છ દાયકાથી સેવાની ધૂણી ધખાવીને બેઠા હતા. વંચિતોના સેવાના ભેખધારી એવા અજરાઈ આશ્રમશાળાના મુખ્ય કર્ણધાર ભગુભાઈ દરજીની છ દાયકાની સેવાને બિરદાવવા માટે પોરબંદરના સાંદિપની વિદ્યાનિકેતન ટ્રસ્ટે ભગુભાઈને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમની એ સેવાનું વટવૃક્ષ આજે પણ અજરાઈ આશ્રમ તરીકે સેવાની ધૂણી ધખાવી રહ્યું છે. ગણદેવી તાલુકામાં સૌથી વધુ વસતી ધરાવતો હળપતિ સમાજ આર્થિક અને સામાજિક રીતે સાવ છેવાડાનો રહ્યો છે. એ કારણે સંતાનોને શિક્ષણ આપવાનું તો કોણ વિચારે? જો હળપતિ સમાજનાં બાળકોને ભણાવવા હોય તો તેમને રહેવાની, ભણવાની વ્યવસ્થા કરવી જરૂરી છે. એ સુવિધા હોય તો મજૂરી કરીને પેટિયું રળતાં માબાપ તેમનાં સંતાનોને શાળાએ મોકલે એ ગણતરી સાથે જ ગુલાબભાઇ મહેતાના નેજા હેઠળ શિક્ષણની પ્રવૃતિના મંડાણ થયા હતા. એ પ્રવૃત્તિ માટે આદિવાસી સંસ્કાર મંડળની રચના કરી આશ્રમશાળા શરૂ કરવાના ચક્રો ગતિમાન થયાં હતાં. ગુલાબભાઇ મહેતાના અથાક પ્રયાસથી મંજૂરી તો મળી ગઇ, પરંતુ આશ્રમશાળા ક્યાં બનાવવી તેની જમીન મળતી ન હતી. આથી ગણદેવી ખાતે રામજી મંદિરમાં એ આશ્રશાળાની તા.૧૬-૬-૧૯૫૯ના રોજ શરૂઆત કરી હતી. પછી સને ૧૯૬૧-૬૨માં અજરાઇ ખાતે આશ્રમશાળા શરૂ થઇ હતી. હાલના આદિવાસી સંસ્કાર મંડળના પ્રમુખ ભગુભાઇ દરજી સને-૧૯૭૮થી પૂર્ણ સમય આપીને જોડાયા હતા. ૧૯૭૯માં મંડળની પ્રવૃત્તિ વિસ્તારવા સાથે તાલુકાના ગણદેવા, એંધલ, વેગામ તથા ગણદેવી અને અજરાઇ ખાતે બાલવાડી શરૂ કરી હતી. એ પછી એવું થયું કે, આશ્રમશાળામાં સાતમા ધોરણ સુધીનું શિક્ષણ તો મળે, પરંતુ એ પછી એ બાળકો કશું કરી ન શકે એ પ્રશ્ન ભગુભાઇને સતત સતાવતો રહ્યો અને પરાગજી નાયક સાથે વિચાર વિમર્સ કરી આ હળપતિ સમાજનાં બાળકોને આગળ ઉપર શિક્ષણ મળે એવું કંઇક થવું જોઇએ એનો વિચાર કરી આ વિભાગમાં ઉત્તર બુનિયાદી, આશ્રમશાળા શરૂ થાય તો બાળકોને માધ્યમિક શિક્ષણ મળી શકે અને તો જ તેમનો આગળ વિકાસ થઇ શકે. આખરે, પરાગજીકાકાના પ્રયાસથી અંભેટા ગામે ઉત્તર બુનિયાદી આશ્રમશાળાની મંજૂરી મળી, પરંતુ ત્યાં કોઇ જમીન ન હતી અને ભાડાનું મકાન પણ મળે એવું ન હતું. તો ઉત્તર બુનિયાદી આશ્રમશાળા શરૂ કરવી કઇ રીતે? વળી, મંજૂરી મળે તે પણ અડધું શૈક્ષણિક સત્ર પૂરું થઇ ગયા પછી. આથી અડધેથી કયાં બાળકો ભણવા માટે આવે? તેમનો એ સ્પષ્ટ જવાબ સાંભળીને અધિકારીએ નવા સત્રથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી દીધી. એ સાથે જ ૧૯૮૦થી અંભેટા ખાતે ઉત્તર બુનિયાદી આશ્રમશાળા શરૂ થઇ છે, જેમાં આદિવાસી સમાજનાં ૧૦૦ જેટલાં બાળકો શિક્ષણ સાથે જીવન ઘડતરની તાલીમ લઇ રહ્યા છે.

આદિવાસી સંસ્કારમંડળની સેવા સરાહનીય
આદિવાસી સંસ્કારમંડળ શૈક્ષણિક પ્રવૃત્તિ ઉપરાંત હળપતિના ઉત્કર્ષની બીજી પ્રવૃત્તિઓ પણ કરતું રહ્યું છે, જેમાં સમૂહલગ્નની પહેલ પણ મંડળે જ કરી હતી. આ ઉપરાંત સર્વોદય યોજના હેઠળ હળપતિઓને અંબર ચરખા આપીને તેમને પગભર કરવાની જવાબદારી પણ મંડળે નિભાવી છે. ૧૯૮૦માં રહેજ, સોનવાડી, ઇચ્છાપોર, એંધલ ખાતે ધર બાંધવાની યોજના પણ ઉપાડી હતી. સંસ્થા દ્વારા આશ્રમશાળાઓ ઉપરાંત દેવસર, તા.ગણદેવી ખાતે કુમાર-કન્યા છાત્રાલયનું સંચાલન પણ કરવામાં આવે છે. આ બંને છાત્રાલયના મકાન જર્જરિત થઇ જતાં એક ઇગ્લેંન્ડની સેવાભાવી સંસ્થા કેર એજ્યુકેશન ટ્રસ્ટ-યુ.કે. તરફથી રૂપિયા બે કરોડની ઉમદા સહાય પ્રાપ્ત થતાં સગવડતાવાળાં સુંદર મકાનો તૈયાર કરવામાં આવ્યાં છે, જેમાં આદિવાસી સમાજનાં ૧૫૦ જેટલા બાળકો સ્થળ ઉપર રહીને બીલીમોરાની શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે.
આશ્રમશાળામાં બાળકોને પોષક આહાર તથા દરરોજ તાજુ દૂધ મળી રહે તે માટે ગૌશાળાનું સંચાલન કરવામાં આવે છે. બાળકોમાં જાહેર હિંમત કેળવાય એ માટે જુદી-જુદી શૈક્ષણિક સ્પર્ધા, સાસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત હળપતિ વિઘાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવા ધમેઋણ યોજના, વિદ્યાર્થી સન્માન જેવા કાર્યક્રમો મારફત પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઉપરાંત સંસ્થા મારફત આરોગ્ય સારવાર શિબિર, શિક્ષકોની તાલીમ, ઉપરાંત અનેક રચનાત્મક કાર્ય કરવામાં આવે છે. આદિવાસી સંસ્કારમંડળ મારફત છેલ્લાં કેટલાંય વર્ષથી આ વિભાગમાં અમેરિકાની સેવાભાવી સંસ્થા યુવા પ્રગતિ-યુ.એસ.એ. મારફત જુદા-જુદા વિસ્તારમાં યૂથ વેલનેસ કેમ્પના આયોજન હેઠળ આશ્રમશાળા અને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતાં આદિવાસી સમાજનાં બાળકો માટે આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવે છે, જેમાં અમેરિકાના નિષ્ણાત ડોક્ટર્સ ટીમ મારફત બાળકોની તપાસ કરી જરૂરી સારવાર તથા મફત દવા આપવામાં આવે છે. ઉપરાંત બાળકોને સ્થળ ઉપર દાંતની સારવાર આપવાનું પણ આયોજન કરવામાં આવે છે.