Dakshin Gujarat

મહાભારત કાળમાં વસેલું અને હળપતિઓના ઉત્થાન માટે રાષ્ટ્રીય કક્ષાએ વખણાયેલું ગણદેવી તાલુકાનું ગામ અજરાઈ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું એક નાનકડું ગામ મહાભારત કાળથી અસ્તિત્વ ધરાવે છે. આ અજરાઈ ગામમાં આજે પણ ભીમ ખડકો જોવા મળે છે. ગણદેવીથી નવસારી જતા માર્ગ પરથી નીકળો ત્યારે જ રસ્તાની આસપાસ ભીમ ખડકો જોવા મળે છે. અંબિકા નદીના કાંઠે વસેલું અજરાઈ ગામ વર્ષો પહેલાં હજીરાપુરી તરીકે ઓળખાતું હતું. પરંતુ ધીરે ધીરે લોકબોલીમાં અપભ્રંશ થઈ એ નામ અજરાઈ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. જો કે, આજે તો અજરાઈ ગામ છેવાડાના વિદ્યાર્થીઓના શિક્ષણ યજ્ઞ માટે જાણીતી આશ્રમશાળા માટે ખૂબ જ જાણીતું છે.
એમ માનવામાં આવે છે કે, અજરાઈ ગામ પાંચસો વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. લોકવાયકા તો એવી છે કે અહીં ભીમખડક આવેલો હોય ઘણા એમ માને છે કે આ ગામ પાંડવાના સમયમાં વસેલું હશે. અજરાઇ ગામ આઝાદી વખતે ધમડાછા ગ્રામ પંચાયતમાં હતું. હવે અલગ અજરાઇ ગ્રામ પંચાયત બની છે, જેમાં સામરાવાડી ફળિયું, હાથિયાવાડી ફળિયું, પાનમોરા ફળિયું, ડુંગરી ફળિયું, ટેકરા ફળિયાનો સમાવેશ થાય છે. જ્યારે વસતીની દૃષ્ટિએ જોઇએ તો કુલ અંદાજે 3 હજાર લોકોની વસતી છે અને મતદારની સંખ્યા કુલ 2626 છે. આ ગામમાં હળપતિ, દેસાઇ, આહિર, કોળી, હરિજન, નાયક, ઢોડિયા, કુંભાર અને મુસ્લિમ જાતિના લોકો વસે છે. વળી, અહીં પુરુષો અને મહિલાઓની વસતી સરખી છે. ગામમાં 1313 પુરુષ અને એટલી જ મહિલાઓ છે.
અજરાઈ ગામના એક સીમાડે અમલસાડ અને ગણદેવીને જોડતો રસ્તો છે, તો બીજા સીમાડે ગણદેવી અને નવસારીને જોડતો રસ્તો છે. ભલે અજરાઈ ગામ પાંચસો વર્ષ પહેલાં વસ્યું હોય, પણ તેનો વિકાસ તો છેલ્લાં કેટલાંક વર્ષોથી જ થયો છે. હાલમાં પણ એ વિકાસની ગતિ અવિરત ચાલી રહી છે. હાલના સરપંચ ભારતીબેન રાકેશભાઈ પટેલ અને ઉપસરપંચ જિજ્ઞેશભાઈ રાઠોડની ટીમે ડામર રોડ, ફળિયે ફળિયે પેવિંગ બ્લોક બેસાડવાનું કામ, સ્ટ્રીટ લાઇટ તેમજ હળપતિવાસમાં ઘરે ઘરે શૌચાલયની સુવિધા પૂરી પાડી છે. ગ્રામ પંચાયત હળપતિ લાભાર્થીઓને સાધન સહાય સાથે તાલીમ આપવાની સુવિધા પૂરી પાડવામાં પણ અગ્રેસર રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગામના ડુંગરી ફળિયાના થોડા વર્ષો પહેલાં પાણીની ગંભીર સમસ્યા હતી. એ બાબતે સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જો કે, ધીમે ધીમે ગામના કેટલાક પ્રશ્નો હલ થઈ રહ્યા છે.

અંદાજે 3 હજાર લોકોની વસતી ધરાવતા અજરાઈમાં પુરુષો અને મહિલાઓની વસતી સરખી

ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય વિકસ્યો
ગણદેવી તાલુકો તેની ખેતી માટે જાણીતો છે. એટલે જ અહીં સૌથી વધુ શેરડીના ભાવ ગણદેવી સુગરના ખેડૂત સભાસદોને મળે છે. અહીંની જમીનમાં સોનું ઊગે છે એમ કહીએ તો ખોટું નથી. અજરાઈ ગામે અંબિકા નદી નજીકમાં વહેતી હોવાને કારણે જમીન ફળદ્રુપ હોય ખેતીનો મુખ્ય પાક ચીકુ અને કેરી છે. જો કે, વર્ષો પહેલાં આયુર્વેદમાં જેનો ખાસ ઉપયોગ થાય છે, એ પીપર પણ થતી હતી. ખેતીની સાથે સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલન પણ વિકસ્યો છે. જો કે, બદલાતા સમય સાથે હવે લોકો ખેતી અને પશુપાલન ઉપરાંત નોકરી પણ કરતા થયા છે. ખાસ કરીને બાગાયતી ખેતી હોવાને કારણે વર્ષોથી અહીં ખેડૂતોનું શોષણ ન થાય એ માટે લોકો જાગૃત રહ્યા છે અને એ જાગૃતિની કારણે જ ખેતીના પાકોના વેચાણમાં ખેડૂતોનું વેપારી દ્વારા થતું શોષણ અટકાવવા ગામના જાગૃત ખેડૂત અને સહકારી આગેવાન એવા સ્વ.પરાગજી નાયક અને સ્વ.ગુલાબભાઇ મહેતાએ ખેતી વિકાસ સેવા સહકારી મંડળી લિ. અજરાઇની સ્થાપના કરી હતી. આજે મંડળીના પ્રમુખ તરીકે જ્યોતિ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે હિરેનભાઈ મહેતા સેવા આપે છે. મંડળીમાં ખેડૂતોને જીવન જરૂરિયાતની વસ્તુ, ખેતી ધીરાણ, સભાસદો માટે લોકરની સુવિધા ઉપરાંત મેડિક્લેઇમ જેવી સગવડો પૂરી પાડવામાં આવે છે.

ગામ સીસીટીવી કેમેરાથી સજ્જ


સમય બદલાયો છે. સાથે ગામડાં પણ આધુનિકતાના રંગે રંગાઈ રહ્યા છે. જેને કારણે આજે ટેક્નોલોજી ક્ષેત્રે પણ ગામડાંમાં શહેર જેવી સુવિધા નિર્માણ થઈ રહી છે. અજરાઈમાં ગામલોકોમાં એકરાગીતાને કારણે ઘણો બદલાવ આવ્યો છે. ખાસ કરીને હવે તો ગામને સીસીટીવી કેમેરાના સુરક્ષા કવચથી પણ સજ્જ કરાયું છે. જેને કારણે ગુનાખોરી ઉપર અંકુશ આવશે. અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર ધ્યાન રાખી શકાય છે.
અમારું ગામ વિકાસ તરફ ડગ માંડી રહ્યું છે: સરપંચ


સરપંચ ભારતીબેન રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા ગામના વડીલોના માર્ગદર્શનથી અત્યાર સુધી અમારે ત્યાં વિકાસની સારી કામગીરી થઈ છે. કોઈપણ ભેદભાવ નથી. ડામર રોડ, પેવિંગ બ્લોક, સ્ટ્રીટ લાઇટ તેમજ હળપતિવાસમાં ઘરે ઘરે શૌચાલયની કામગીરી થકી અમારું ગામ વિકાસ તરફ ડગ માંડી રહ્યું છે. એમાં અમારા ગ્રામ પંચાયતના સભ્યોનો પણ સહકાર રહ્યો છે. આગામી દિવસોમાં અમારી ટીમ ગામને વધુ પ્રગતિ તરફ લઈ જવા માટે તત્પર છે.

Most Popular

To Top