ભારતના ધુરંધર રાજકારણીઓ વિમાન દુર્ઘટનામાં મરણ પામી રહ્યા છે, તે વિચિત્ર અને ભેદી ઘટના જણાય છે. પહેલાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા, તેનું કારણ હજુ પણ બહાર આવ્યું નથી. વર્ષો અગાઉ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાઉત હેલિકોપ્ટરની દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા, તેનો રિપોર્ટ પણ વર્ષો સુધી બહાર આવ્યો, પણ તેમાં દુર્ઘટનાનું મગજમાં ઊતરે તેવું કારણ જાણવા મળ્યું નથી. હવે મહારાષ્ટ્રના દિગ્ગજ રાજકારણી અને નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે.
તાજેતરમાં અજિત પવાર ભાજપથી નારાજ હોવાના સમાચારો બહાર આવ્યા હતા. તેઓ ભાજપ સાથે છેડો ફાડીને કાકા શરદ પવારના કેમ્પમાં પાછા ફરવા આતુર હોવાની વાત પણ બહાર આવી હતી. વિમાન દુર્ઘટના બની ત્યારે અજિત પવાર તેમના ચૂંટણી પ્રચારના ભાગ રૂપે વિવિધ જાહેર સભાઓને સંબોધવા જઈ રહ્યા હતા. અકસ્માતના સમાચાર મળતાં જ વહીવટીતંત્ર, સુરક્ષા એજન્સીઓ અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો અને સમગ્ર રાજ્યનું ધ્યાન બારામતી પર કેન્દ્રિત થઈ ગયું હતું. અજિત પવારનો કાર્યક્રમ સવારે ૧૦ વાગ્યે નિરવગજમાં શરૂ થવાનો હતો.
ત્યાર બાદ બપોરે ૧૨ વાગ્યે પાંઢરેમાં જાહેર સભા યોજાવાની હતી. ત્યાર બાદ તેઓ બપોરે કરંજેપુલમાં એક મોટી જાહેર સભાને સંબોધિત કરવાના હતા અને સાંજે સુપામાં અંતિમ સભા યોજાવાની હતી. આ સભાઓ દ્વારા અજિત પવારનો ઉદ્દેશ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણીમાં મહાયુતિના ઉમેદવારો માટે અનુકૂળ વાતાવરણ બનાવવાનો હતો. આ ચૂંટણી પ્રચાર દરમિયાન, બારામતી ક્ષેત્રમાં વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા, જેનાથી સમગ્ર કાર્યક્રમ ખોરવાઈ ગયો હતો અને રાજકીય ગતિવિધિઓ ઠપ્પ થઈ ગઈ હતી. અજિત પવારના પરિવારમાં ચાર સભ્યો છે. તેમની પત્ની સુનેત્રા પવાર, મોટો દીકરો પાર્થ પવાર અને નાનો દીકરો જય પવાર ઘણી વાર જાહેર કાર્યક્રમોમાં તેમની સાથે જોવા મળે છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ટોચના નેતાઓ દુર્ઘટનાનો શિકાર બને તેવી ઘટનાઓ ઘણી બની છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ગોપીનાથ મુંડે નવી દિલ્હીમાં કાર અકસ્માતમાં માર્યા ગયા હતા. મહારાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રમોદ મહાજનની તેમના સગા ભાઈએ હત્યા કરી હતી. આ યાદીમાં અજિત પવારનું નામ પણ હવે ઉમેરાયું છે. અજિત પવારની રાજકીય સફર વિવાદો અને સત્તાના કેન્દ્રમાં સમય પસાર કરતી રહી છે. તેમનો જન્મ ૨૨ જુલાઈ, ૧૯૫૯ ના રોજ અહમદનગર જિલ્લાના દેવલાલી પ્રવરા ગામમાં થયો હતો. તેમના પિતા અનંતરાવ પવારના મૃત્યુ પછી, તેમણે પોતાનો અભ્યાસ છોડીને પરિવારની જવાબદારી સંભાળવી પડી. તેમણે ૧૯૮૨ માં સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડ સભ્ય તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો.
૧૯૯૧માં તેઓ બારામતીથી લોકસભા સાંસદ બન્યા હતા અને બાદમાં તેમણે બારામતીની બેઠક કાકા શરદ પવાર માટે ખાલી કરી હતી. ૧૯૯૯ પછી તેમણે એનસીપીની ગઠબંધન સરકારોમાં અનેક મુખ્ય મંત્રાલયો સંભાળ્યાં હતાં અને ૨૦૧૦ થી તેમણે છ વખત નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે. બળવો, ગઠબંધન પરિવર્તન અને સત્તા સંઘર્ષ છતાં, બારામતી પર તેમનો દબદબો અકબંધ રહ્યો છે. આ રાજકીય ગતિવિધિ વચ્ચે બનેલી આ વિમાન દુર્ઘટનાને મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટી અને આઘાતજનક ઘટના માનવામાં આવી રહી છે.
પરિવારના અન્ય સભ્યોમાં તેમના મોટા ભાઈ શ્રીનિવાસ પવારનો સમાવેશ થાય છે, જે એક ઉદ્યોગપતિ છે અને બંને ભાઈઓ વચ્ચે સારા સંબંધો હોવાનું માનવામાં આવે છે. અજિત પવારના કાકા શરદ પવારને મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી અગ્રણી અને પ્રભાવશાળી નેતાઓમાંના એક માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ વખત નાયબ મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ અજિત પવારના નામે છે, જેમણે છ વખત આ પદ સંભાળ્યું છે. તેમણે ૨૦૧૦ થી ૨૦૧૨, ૨૦૧૨ થી ૨૦૧૪, ૨૦૧૯, ૨૦૨૨ થી ૨૦૨૩ અને ડિસેમ્બર ૨૦૨૪ થી અત્યાર સુધી નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે.
NCP સાથે લાંબા સમય સુધી જોડાણ બાદ, ૨૦૨૩ માં તેમણે પાર્ટીમાં બળવો કર્યો અને બહુમતી ધારાસભ્યો સાથે એક અલગ જૂથ બનાવ્યું. ૨૦૨૪ માં, ચૂંટણી પંચે તેમના જૂથને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન આપ્યું, જેના પછી તેમનો પક્ષ NCP અજિત પવાર જૂથ તરીકે જાણીતો બન્યો હતો. તેઓ હાલમાં ભાજપ અને શિવસેના સાથે મહાયુતિ ગઠબંધનનો ભાગ છે અને ૨૦૨૬ માં દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપતા હતા. તેમની પ્રતિષ્ઠા એક મહેનતુ, અને વિકાસ-કેન્દ્રિત નેતા તરીકે છે. જો કે તેમને સિંચાઈ કૌભાંડના આરોપો અને દુષ્કાળ પર વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
અજિત પવારે ૧૯૮૨ માં તેમના કાકા શરદ પવારના નેતૃત્વમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે અજિત પવાર હજુ પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા હતા, ત્યારે તેમના કાકા શરદ પવાર પહેલાંથી જ એક અગ્રણી રાજકીય નેતા બની ગયા હતા. રાજકારણમાં પ્રવેશ્યા પછી તેમણે સૌ પ્રથમ સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડ માટે ચૂંટણી લડી હતી. તેઓ પુણે સહકારી બેંકના ચેરમેન તરીકે ચૂંટાયા હતા.
શરદ પવાર કેન્દ્રીય રાજકારણમાં સક્રિય થયા, જ્યારે અજિત પવારે મહારાષ્ટ્રના રાજકારણની જવાબદારી સંભાળી હતી. પોતાની મહેનત અને સમર્પણ દ્વારા અજિત પવારે મહારાષ્ટ્રમાં શરદ પવારના રાજકીય વારસદાર તરીકે પોતાને સ્થાપિત કર્યા હતા. તેમણે ૧૯૯૫માં પુણે જિલ્લાના બારામતી વિધાનસભા મતવિસ્તારમાંથી પ્રથમ ધારાસભ્ય બન્યા પછી મહારાષ્ટ્રના રાજકારણ પર પોતાની પકડ મજબૂત કરી. ત્યારથી તેઓ ૧૯૯૫, ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪માં સતત આ મતવિસ્તારમાં ચૂંટાયા છે.
૪૫ વર્ષની રાજકીય કારકિર્દી દરમિયાન એક વખત સંસદ સભ્ય અને સાત વખત વિધાનસભા સભ્ય તરીકે સેવા આપી ચૂકેલા અજિત પવારે પોતાને મહારાષ્ટ્રના રાજકારણ સુધી મર્યાદિત રાખ્યા છે. તેમણે સરકારમાં અનેક મહત્ત્વપૂર્ણ મંત્રી પદો સંભાળ્યાં છે, જેમાં રાજ્ય સરકારમાં કૃષિ, ઊર્જા અને આયોજન રાજ્યમંત્રી તરીકે સેવા આપવાનો સમાવેશ થાય છે. તેમણે સુધાકર નાઈકની સરકારમાં કૃષિ અને ઊર્જા રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ત્યાર બાદ ૧૯૯૨ અને ૧૯૯૩માં જ્યારે તેમના કાકા શરદ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
૧૯૯૯માં જ્યારે કોંગ્રેસ અને એનસીપી સત્તામાં આવ્યા ત્યારે તેમને વિલાસરાવ દેશમુખની સરકારમાં સિંચાઈ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૨૦૦૩-૨૦૦૪માં સુશીલકુમાર શિંદેની સરકારમાં તેમને ગ્રામીણ વિકાસનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. ૨૦૧૯ પછી અજિત પવારની રાજકીય કારકિર્દી ઘણી રસપ્રદ રહી છે. ૨૦૧૯માં તેમણે બે અલગ અલગ મુખ્યમંત્રીઓ હેઠળ નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ૨૩ નવેમ્બરની સવારે તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
જો કે, ફડણવીસ ગૃહમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયા હતા. ત્યાર બાદ, ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને તેમને ફરીથી નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ૨૦૨૩માં તેઓ ફરી એકવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. અજિત પવારે તેમના કાકા શરદ પવાર પાસેથી રાજકારણ શીખ્યું, પરંતુ જ્યારે શરદ પવારે તેમની પુત્રી સુપ્રિયા સુલેને તેમના રાજકીય વારસદાર તરીકે પ્રમોટ કરવાનું શરૂ કર્યું ત્યારે અજિત પવારે બળવો કર્યો હતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.