બારડોલી: સહકારી અગ્રણી અજીત ઉર્ફે અજય પટેલનો (Ajit Patel) મહિલા સાથેનો કથિત વિડીયો (Video) વાયરલ (Viral) થવાની ઘટના બાદ ગ્રામજનોએ તેમને તમામ સંસ્થાઓ અને કમિટીઓમાંથી રાજીનામું (Resignation) આપવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. આથી અજીત પટેલે શૈક્ષણિક અને સહકારી સંસ્થાઓ ઉપરાંત ગામની મંડળીઓમાંથી રાજીનામું આપી દીધું હતું.સુમુલ ડેરીના ડિરેક્ટર અને બારડોલી તાલુકા પંચાયતના સભ્ય ખરવાસા ગામના અગ્રણી અજય પટેલનો ગત દિવસો દરમિયાન એક મહિલા સાથેનો કથિત અશ્લીલ વિડીયો વાયરલ થયો હતો. આ ઘટના બાદ સુરત જિલ્લાના સહકારી તેમજ રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો. મહિલા સાથેનો કઢંગી હાલતમાં વિડીયો વાયરલ થતાં અજીત પટેલ સામે ગામમાં જ વિરોધનો સૂર ઊઠ્યો હતો અને તેને તમામ જગ્યાએથી રાજીનામાં આપી દેવા જણાવવામાં આવ્યું હતું.
ગ્રામજનોના વિરોધ બાદ અજિતે રાજીનામાની બાંયધરી આપી હતી
ગ્રામજનોના વિરોધ બાદ અજિતે રાજીનામાની બાંયધરી આપી હતી. દરમિયાન અન્ય નેતાઓ સામે તાત્કાલિક પગલાં લેનાર સુરત જિલ્લા ભાજપ સંગઠને અજીત પટેલ સામે કોઈ પગલાં નહીં લેતાં ગામના યુવાનો બારડોલી ખાતે આવેલી સુરત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોરચો લઈને પહોંચ્યા હતા અને સંદીપ દેસાઇને રજૂઆત કરતાં ગણતરીના કલાકોમાં જ તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન ગ્રામજનોને આપેલી બાંયધરી મુજબ એક પછી એક સંસ્થામાંથી રાજીનામાં આપી દીધાં છે. બારડોલીની જનતા સાર્વજનિક કેળવણી મંડળના કારોબારી સભ્ય પદેથી, સરદાર સ્મારક હોસ્પિટલના પ્રતિનિધિ પદેથી, ગામની દૂધમંડળી સહિત અન્ય શૈક્ષણિક અને સહકારી સંસ્થાઓમાંથી લેખિતમાં રાજીનામાં આપી દીધાં છે. ગામની દૂધમંડળીમાંથી રાજીનામું આપતા જ નિયમ મુજબ આપોઆપ તેઓ સુમુલના ડિરેક્ટર પદેથી પણ દૂર થઇ જશે.
અજિત પટેલને સુમુલના ડિરેક્ટર પદેથી દૂર કરી દીપક પટેલની નિયુક્તિનો ઠરાવ મોકલાયો
સુરત: મહિલા સાથેનો કથિત અરુચિકર વિડીયો વાયરલ થયા પછી અજિત પટેલે ખરવાસા-મોવાછી ગ્રુપ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીના પ્રમુખ પદેથી રાજીનામું આપતા જ મંડળીએ રાજીનામું મંજૂર કરી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર દીપક અમથા પટેલની નિયુક્તિનો પત્ર સુમુલ ડેરીના એમડીને મોકલી દેવામાં આવ્યો છે. દૂધમંડળીના પ્રમુખ, સેક્રેટરી, મેનેજરે દીપક પટેલને મંડળીના પ્રતિનિધિ તરીકે સુમુલની સાધારણ સભામાં હાજર રહેવા પણ જણાવ્યું છે
સુમુલની બીજી ટર્મમાં પાઠક જૂથને બહુમતી પૂરવાર કરવી મુશ્કેલ બનશે
સુમુલ ડેરીની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થવા જઈ રહી છે, ત્યારે બીજી ટર્મમાં પાઠક જૂથને બહુમતી મેળવવી મુશ્કેલ બનશે. સુમુલના વાઇસ ચેરમેન રાજુ પાઠક સાથે હવે રેસા ચૌધરી, કાંતિ ગામીત રહ્યા છે. નિઝરના કોંગ્રેસના ધારાસભ્ય સુનીલ ગામીત અને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ તટસ્થ બની ગયા છે. એવી સ્થિતિમાં માનસિંહ પટેલ જૂથમાં અજિત પટેલની બાદબાકી પછી હવે દીપક પટેલનો ઉમેરો થયો છે. ભરત સુદામ પટેલનો ડિરેક્ટર પદનો મામલો હાઈકોર્ટમાં છે. જે રાજુ પાઠકના સમર્થનમાં રહ્યા હતા.