Gujarat

અજય જાડેજા હશે જામનગરના નવા જામસાહેબ, શત્રુશૈલી સિંહજીએ વારસદાર જાહેર કર્યા

જામનગરઃ ગુજરાતના જામનગરના જામ સાહેબ શત્રુશૈલીસિંહજીએ શુક્રવારે તા. 11 ઓક્ટોબરે તેમના વારસની જાહેરાત કરી. તેણે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને તેના અનુગામી તરીકે પસંદ કર્યા છે.

શત્રુશૈલી સિંહજીએ કહ્યું કે, મને ખુશી છે કે અજય જાડેજા નવાનગરના નવા જામ સાહેબ હશે. મને લાગે છે કે આ જામનગરની જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામનગરના નવાનગર રજવાડાનો છે. તેઓ પહેલાથી જ જામ સાહેબ શત્રુશૈલીસિંહજીની નજીક હતા અને એવું માનવામાં આવતું હતું કે તેઓ નવા જામ સાહેબ હશે.

હાલના જામ સાહેબ શત્રુશલ્ય સિંહજી નિઃસંતાન છે. તેના લીધે તેમને તેમના વારસદારની પસંદગી કરવી પડી. અંતે તેમણે અજય જાડેજાને પોતાના વારસદાર જાહેર કર્યા. જામ સાહેબ શત્રુશલ્ય સિંહજીના પિતા દિગ્વિજય સિંહ હતા જેઓ 33 વર્ષ સુધી જામ સાહેબ રહ્યા હતા. તેમના કાકા રણજીતસિંહજીએ તેમને દત્તક લીધા હતા અને તેમના વારસદાર બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટની સ્થાનિક સ્પર્ધા રણજી ટ્રોફી જામ સાહેબ રણજીત સિંહના નામે રમાય છે.

અજય જાડેજા રણજીતસિંહજી અને દિલીપસિંહજીના પરિવારમાંથી આવે છે અને શુક્રવારે તેમને સત્તાવાર રીતે વારસદાર જાહેર કરવામાં આવ્યા હતા. મહાન ક્રિકેટર કેએસ રણજીત સિંહજી 1907 થી 1933 સુધી નવાનગરના શાસક હતા. રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી રણજીત સિંહ અને કેએસ દિલીપ સિંહના નામ પર રાખવામાં આવી છે. શત્રુશલ્ય સિંહજી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતા અને નવાનગરના મહારાજાનું બિરુદ મેળવનાર છેલ્લી વ્યક્તિ હતા.

અજય જાડેજા લાંબા સમયથી ભારતીય ટીમનો ભાગ છે
અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના એક ઉત્તમ ખેલાડી રહી ચૂક્યા છે. તે 1992 થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતા. તેઓ ટીમના વાઈસ કેપ્ટન પણ રહી ચૂક્યા છે. ભારત માટે 15 ટેસ્ટ મેચ અને 196 ODI મેચ રમનાર 53 વર્ષીય જાડેજા જામનગરના રાજવી પરિવારના વંશજ છે.

મેચ ફિક્સિંગમાં નામ આવ્યા બાદ અજય જાડેજાના ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2003માં દિલ્હી હાઈકોર્ટે તે પ્રતિબંધ હટાવી લીધો હતો પરંતુ તે પછી જાડેજા ક્રિકેટ રમી શક્યો ન હતો. તે IPLમાં અલગ-અલગ ટીમો માટે મેન્ટર હતો. તાજેતરમાં તેણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને કોચિંગ આપ્યું હતું.

Most Popular

To Top